Dalit News: ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં SIR ની કામગીરીથી કંટાળીને અનેક BLO ના મોત થઈ ચૂક્યા છે ત્યારે વધુ એક દલિત શિક્ષકે બીએલઓની કામગીરીથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મૃતક શિક્ષકના મૃતદેહ પાસેથી પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમણે તેઓ SIR ની કામગીરીથી કંટાળીને આ પગલું ભરી રહ્યાં હોવાનું જણાવ્યું છે.
ઘટના ઉત્તરપ્રદેશના મુરાદાબાદની છે. જ્યાં 43 વર્ષના એક દલિત શિક્ષકે બૂથ લેવલ ઓફિસર તરીકેની કામગીરીથી કંટાળીને ગઈકાલે રાત્રે પોતાના ઘરના એક રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તેમનો મૃતદેહ રૂમમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. પોલીસને મૃતદેહ પાસે એક સુસાઇડ નોટ પણ મળી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ SIR ના ટાર્ગેટને પુરો ન કરી શકવાને કારણે આપઘાત કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો: ‘જ્યાં સુધી બ્રાહ્મણ દીકરી ન આપે, ત્યાં સુધી અનામત ચાલુ રહેશે’
મૃતકનું નામ સર્વેશ સિંહ હોવાનું જાણવા મળ્યું છે, જે ભગતપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઝાહિદપુર સિકામપુર ગામના બૂથ નંબર 406 પર ફરજ બજાવતા હતા. પરિવારે આરોપ લગાવ્યો હતો કે સર્વેશને તાલીમ વિના BLO ફરજ સોંપવામાં આવી હતી અને તે સતત દબાણ હેઠળ હતો, જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી.
સર્વેશ સિંહે 3 પાનાની સુસાઇડ નોટ લખી
આત્મહત્યા કરતા પહેલા શિક્ષક સર્વેશ સિંહે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સંબોધીને 3 પાનાની સુસાઇડ નોટ લખી હતી. તેમણે SIR પ્રત્યે નિરાશા વ્યક્ત કરતા લખ્યું હતું કે, “હું દિવસ-રાત કામ કરી રહ્યો છું, છતાં હું SIR નો ટાર્ગેટ પુરો કરી શકતો નથી. રાત્રે ઉંઘ નથી આવતી અને સતત ચિંતાને કારણે તે ફક્ત 2 થી 3 કલાક જ સુઈ શકું છું.”
‘BLO ઉપરી અધિકારીઓના દબાણને કારણે તણાવમાં છે’
સર્વેશ સિંહના મૃત્યુના સમાચાર સાંભળીને, તેમના સાથી શિક્ષકો, જેમાંથી ઘણાને BLO અને સુપરવાઇઝર તરીકે કામગીરી સોંપવામાં આવી હતી, તેઓ તેમના ઘરે દોડી ગયા હતા. તેમણે કહ્યું કે ઘણા લોકોના ફોર્મ હજુ સુધી સબમિટ કરવાના બાકી છે, ઉપરી અધિકારીઓનું દબાણ વધી રહ્યું છે, જેના કારણે BLO સમયના અભાવે તણાવમાં છે.
સર્વેશ સિંહના પરિવારજનોનું કહેવું છે કે, સર્વેશ સિંહ SIR અંગે ભારે દબાણમાં હતા. તેઓ લગભગ 80 ફોર્મ ભૂલી ગયા હતા અને તેમને તે મળી શક્યા ન હતા. તેઓ આ અંગે ચિંતિત હતા. જોકે તેનો ભત્રીજો જીતેન્દ્ર કુમાર અને તેની પત્ની આ કાર્યમાં તેને મદદ કરી રહ્યા હતા, બધાંએ તેને આટલું બધું ટેન્શન ન લેવાની સલાહ આપી હતી પરંતુ સર્વેશની હિંમત ખૂટી ગઈ હતી અને તેણે આ આત્યંતિક પગલું ભરી લીધું હતું.
આ પણ વાંચો: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ગૌહત્યા માટે 3ને આજીવન કેદ
પરિવારે 1 કરોડ વળતર અને સરકારી નોકરીની માંગ કરી
સર્વેશની માતા સોમતીએ કહ્યું કે તેના પુત્રને SIR અંગે રાત્રે 2 વાગ્યા સુધી ફોન આવતા હતા. તે ખૂબ જ દુઃખી હતો. મૃતકની પત્નીએ કહ્યું કે ઘરે મહેમાનો આવ્યા હતા, પરંતુ સર્વેશે બરાબર ખાધું પણ નહોતું. પરિવાર કહે છે કે તેઓ ન્યાય ઇચ્છે છે. હવે, સર્વેશનો પરિવાર 1 કરોડ રૂપિયા વળતર અને તેની પત્ની માટે સરકારી નોકરીની માંગ કરી રહ્યો છે.
પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી
આ મામલે ડીએમ અનુજ સિંહ કહે છે કે સર્વેશ સિંહ BLO તરીકે સારું કામ કરી રહ્યા હતા. તેમણે તેમના સોંપાયેલા ફોર્મનું લગભગ 67% ડિજિટાઇઝેશન પૂર્ણ કરી લીધું હતું, જે સરેરાશ કરતા ઘણું સારું છે. તેમણે તેમની મદદ માટે આંગણવાડીના એક સ્ટાફ સભ્યને પણ રાખ્યો હતો. તેથી, SIR કાર્યને કારણે તેમના પર કોઈ દબાણ હતું તે સમજી શકાય તેમ નથી. જોકે, ઘટનાસ્થળેથી મળેલી એક સુસાઇડ નોટ આ વાતની પુષ્ટિ કરે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં BLO યુવતીનું શંકાસ્પદ મોત, અત્યાર સુધીમાં 4ના મોત











*ત્રણ પાનાની સુસાઈડ નોટ લખવા કરતાં રાજીનામું આપવું વધારે યોગ્ય ગણાય કેમકે 43 વર્ષનું જીવન કાંઈ વધારે ન કહેવાય! દરેક BLOs માટે એક સમજવા યોગ્ય ટીપ્સ છે…! સર્વે સિંહનાં આત્મને પ્રભુ શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ પ્રાપ્ત એવી તથાગત ભગવાન બુદ્ધને અંત:કરણથી પ્રાર્થના!
તમારા વિસ્તારની SIR કામગીરીનું પ્રેશર તમે હેન્ડલ ના શકતા હોય, તો તમે બાળકોને શૌર્ય, વિરતા, પરાક્રમના પાઠ ખાખ શીખવવાના? TET-TAT ની સાથે હવે CBAT psycho ટેસ્ટ પણ ફરજિયાત થવો જોઈએ. જે લોકો પ્રેશર હેન્ડલ ના કરી શકે તેની શરૂઆતમાં જ ‘છટણી’ થઈ જવી જોઈએ. જેથી પાછળથી રોદણાં રોવા નાં પડે.