જૂનાગઢમાં સરકારી અધિકારીઓનો જાતિવાદ, માત્ર દલિતો ટાર્ગેટ પર

Dalit News: જૂનાગઢના અનેક ગામોમાં સવર્ણ હિંદુઓ દ્વારા સેંકડો દબાણો કરાયા હોવા છતાં સરકારી અધિકારીઓ માત્ર દલિતોને ટાર્ગેટ કરે છે.
Dalit news junagadh

Dalit News: જૂનાગઢ જિલ્લામાં સરકારી અધિકારીઓ સરકારી જમીનો પર દબાણ દૂર કરવા મુદ્દે માત્ર દલિતોને ટાર્ગેટ કરી રહ્યાં હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે જૂનાગઢ જિલ્લાના દલિત આગેવાનોએ મળીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે. જો આ સમસ્યા હજુ પણ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

દલિત સમાજના આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જૂનાગઢના સરકારી અધિકારીઓ જાતિવાદી છે. તેઓ માત્ર દલિતોને ટાર્ગેટ કરે છે, અને માથાભારે સવર્ણ હિંદુઓને છાવરે છે. જિલ્લામાં ગૌચરની જમીનોથી માંડીને ખનીજ ચોરી સુધીના 7 જેટલા ગંભીર મુદ્દાઓમાં માત્ર દલિતોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને સવર્ણ હિંદુઓના દબાણ અને દાદાગીરી સામે અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરતા.

આ પણ વાંચો: જૂનાગઢની વિદ્યાર્થીનીઓ માટે મહિલા અધિકાર મંચે રજૂઆત કરી

Dalit news junagadh

દલિત સમાજના આગેવાનોએ વંથલી અને માણાવદર તાલુકાના ગામોમાં માત્ર દલિતોના દબાણ દૂર કરવ અને અન્ય સમાજના માથાભારે તત્વોના 500 વીઘા જમીન પરના દબાણ સામે આંખમીંચામણા કરવા, માળીયા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 17 કરોડનો ભ્રષ્ટાચાર કરવા, 11 ખાણ માફિયાઓ પાસેથી 44 કરોડની ખનીજ ચોરીની વસૂલાત ન કરવા જેવા 7 મુખ્ય મુદ્દાઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્રની નકલ રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પણ મોકલવામાં આવી છે.

60 લોકોએ દબાણ કર્યું, કાર્યવાહી માત્ર દલિત વ્યક્તિ સામે કરાઈ

દલિત આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વંથલી તાલુકાના આખા ગામે એક જમીનમાં ગામના આશરે 60 જેટલા ખાતેદાર ખેડૂતોએ દબાણ કરેલું છે. તેમ છતાં સરપંચે દલિત સમાજમાંથી આવતા રાજાભાઈ સોલંકી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન સમિતિ સમક્ષ ફરિયાદ કરી હતી. વર્ષ 2023 અને 2024માં જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિએ આ અરજી એવા કારણોસર ફાઈલ કરી હતી કે ગૌચરનું દબાણ દૂર કરવાની જવાબદારી પંચાયતની છે અને જમીનની માપણી ન થઈ હોવાથી દબાણ સાબિત થતું નથી. જોકે, આ પછી પંચાયત દ્વારા લાયસન્સી સર્વેયરને હાયર કરીને ગેરકાયદેસર રીતે પંચાયત ઓફિસે બેઠા-બેઠા માપણી સીટ તૈયાર કરાવી દેવામાં આવી. 60 ખાતેદારનું દબાણ હોવા છતાં, માત્ર એક દલિત ખાતેદારને જ ટાર્ગેટ કરી તેમના વિરુદ્ધ ગેરકાયદેસર રીતે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરીને તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જૂનાગઢના ચોકી ગામે દલિતોએ સામૂહિક હિજરતની ચીમકી ઉચ્ચારી

માણાવદરના ખડીયા ગામે માત્ર દલિતોના દબાણ દૂર કરાયા

8 મે 2025 અને 22 મે 2025ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે, માણાવદર તાલુકાના ખડીયા ગામે તાલુકા વહીવટી તંત્ર દ્વારા માત્ર દલિતોના જ દબાણ દૂર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય સવર્ણ હિંદુઓના 500 વીઘા જમીન પરના દબાણો દૂર કરવાની રજૂઆતો છતાં આજદિન સુધી કાર્યવાહી થઈ નથી. તંત્ર દ્વારા અન્ય દબાણદારોને નોટિસો આપવામાં આવી હોવા છતાં, દબાણ દૂર કરવાનો કાર્યક્રમ નક્કી કરીને પણ યેનકેન કારણો આપી તંત્ર સ્થળ પર પહોંચ્યું જ નથી.

આ પણ વાંચો: ટોઈલેટમાં લપસી જતા ધો.3માં ભણતી આદિવાસી વિદ્યાર્થીનીનું મોત

આ ગામે આશરે 25 વીઘા જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરીને ગૌશાળા ઉભી કરી દેવામાં આવી છે. આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો કે, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર દલિતોના દબાણને ટાર્ગેટ કરે છે અને સવર્ણ હિંદુઓને છાવરે છે.

Dalit news junagadh

થાનીયાણામાં સવર્ણ હિંદુઓએ 500 વીઘા જમીન દબાવી

​માણાવદરના થાનીયાણા ગામે સ્થાનિક પંચાયત અને વહીવટદાર દ્વારા તારીખ 10, ડિસેમ્બર 2024ના 37 જેટલા દલિત-પછાત સમાજના લોકોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જોકે, આ ગામે ગૌચરમાં 500 વીઘા જેટલી જમીનનું અન્ય સમાજના લોકો દ્વારા હાલ પણ દબાણ છે. પટેલ સમાજના દબાણમાં આવેલો રસ્તો, ગેરકાયદેસર બાંધકામથી બનેલું શંકર મંદિર અને અન્ય આશરે 100 જેટલા ખાતેદારો દ્વારા કરાયેલું દબાણ દૂર કરવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને તારીખ 22, મે 2025થી લેખિત રજૂઆત કરાઈ છે. તેમ છતાં, આજદિન સુધી આ ‘જાતિવાદી અધિકારીઓ’ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: બોટાદના જાળીલામાં દલિત સગીરની હત્યા, એક આરોપીની ધરપકડ

​દલિત સમાજ મુખ્યમંત્રી, મુખ્ય સચિવને મળીને રજૂઆત કરશે

જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાન મુછડીયાએ જણાવ્યું હતું કે, વંથલીના આખા ગામ, માણાવદરના ખડીયા ગામ અને થાનિયાણા જેવા ગામોમાં દબાણ ખુલ્લા કરવાની બાબતમાં વહીવટી તંત્ર દ્વારા માત્ર દલિતોને જ ટાર્ગેટ કરવામાં આવે છે, જેના આધાર-પુરાવા સાથે આપવામાં આવ્યા છે. માળીયા તાલુકામાં આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અને ખાણ-ખનીજ વિભાગમાં ગેરકાયદેસર લીઝોની માપણી ન થવા જેવી તમામ બાબતોને લઈ આવેદનપત્ર અપાયું છે.

આ આવેદનપત્ર અને પ્રશ્નોને લઈ તેઓ આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પણ મળીને રજૂઆત કરશે. જોકે, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ મનપામાં 200 સફાઈકર્મીઓના વારસદારોની નોકરી અટકી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x