Dalit News: એકબાજુ દેશભરમાં આજે મહાનાયક ડો. આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બહુજન સમાજ તેમને ઉદ્ધારકને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. બીજી તરફ તેમની સાથે ભેદભાવ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આવી જ એક ઘટનામાં એક ગામમાં દલિત સમાજના કૂવા પર માથાભારે તત્વોએ કબ્જો જમાવી તેને તોડી પાડતા હોબાળો મચી ગયો હતો. આ મામલે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા હતા.
મામલો રાજસ્થાનના અલવર જિલ્લાના મછડી ગામનો છે. જ્યાં માથાભારે તત્વોએ દલિતોનો કૂવો તોડી પાડતા હોબાળો મચી ગયો છે. અલવરના મછડી ગામમાં, એક જૂના કૂવાને તોડી પાડવાના મુદ્દે દલિતોએ હોબાળો મચાવ્યો. તેઓ રસ્તા પર ઉતરી આવ્યા અને વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જ્યારે પોલીસે ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. હોબાળો વધતા વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલી પણ દલિતો સાથે જોડાયા અને જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો: EWS ના 140 ઉમેદવારોએ 1 કરોડ ફી ભરી મેડિકલમાં પ્રવેશ લીધો
ટીકારામ જુલીએ કહ્યું, “મેં તે કૂવો જોયો છે; તે તેમના પૂર્વજો દ્વારા બનાવવામાં આવ્યો હતો. પરંતુ કોઈ વહીવટીતંત્ર સાથે મળીને આ રીતે તેના પર અતિક્રમણ કરી રહ્યું હતું. પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોય કે અન્ય કોઈ હોય, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ અને તપાસ થવી જોઈએ. મેં કલેક્ટરને સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવા અને ગુનેગારોને સસ્પેન્ડ કરવા જણાવ્યું છે.”
ટીકારામ જુલીએ કહ્યું કે, જ્યારથી આ સરકાર સત્તામાં આવી છે, ત્યારથી તે દલિતો પ્રત્યે બિનજવાબદાર રહી છે; દલિતોનું અપમાન થઈ રહ્યું છે. ગઈકાલે જ પરબતસરમાં બાબા સાહેબની પ્રતિમાને તોડફોડ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં દલિતો પરના અત્યાચારોમાં કોઈ ઘટાડો થયો નથી.
આ પણ વાંચો: UNESCO માં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગી, મનુવાદીઓને લપડાક!
મછડી ગામના રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે અનિશ નામના વ્યક્તિએ 15 દિવસ પહેલા એક કૂવામાં ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોના વિરોધ છતાં, અનિશે બુધવારે જેસીબીથી કૂવો તોડી નાખ્યો અને તેમાં માટી ભરી દીધી. ગ્રામજનોનો આરોપ છે કે આ કાર્યવાહી સરપંચ સાથે મળીને કરવામાં આવી હતી, જેમણે કૂવો તોડી પાડવામાં મદદ કરી હતી.
ગ્રામજનોએ અકબરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે રિપોર્ટ નોંધવાનો કે કાર્યવાહી કરવા માટે સ્થળની મુલાકાત લેવાનો ઇનકાર કર્યો હોવાનો આરોપ છે. આનાથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલી અને જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો. જો આ મામલે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેમણે વિરોધ કરવાની ધમકી આપી છે.
આ પણ વાંચો: આદિવાસી મહિલા ખાતર માટે બે દિવસ લાઇનમાં ઉભી રહેતા મોત










