Ahmedabad News: અમદાવાદની એમ.જે.લાયબ્રેરી ખાતે ગઈકાલે તા. 6 ડિસેમ્બરે ડો.આંબેડકરના મહાપરિનિર્વાણ દિને એક વિશેષ પરિસંવાદ યોજાઈ ગયો. સંકલ્પ સોશિયલ વર્ક એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વડોદરા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેટિવ ચેન્જ (ITC) અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બૌદ્ધ ધર્મીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ.આંબેડકરના પરિનિર્વાણ દિવસે “આધુનિકતા અને બૌદ્ધ ધર્મ: ડૉ. આંબેડકરે આધુનિક ભારત માટે બૌદ્ધ ધર્મનું પુનર્થઘટન કેવી રીતે કર્યું?” તે વિષય સંદર્ભે યોજાયેલા આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ ડો. બી.આર આંબેડકરે આધુનિક ભારત માટે બૌદ્ધ ધર્મનું જે પુનર્અર્થઘટન કર્યું, તે દિશામાં આધુનિકતાના પરિપ્રેક્ષ્યથી વિમર્શ કરવાનો હતો.
આ પણ વાંચો: સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ‘દિક્ષાધામ ગુજરાત’ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
પરિસંવાદમાં ડૉ. આંબેડકરની બૌદ્ધ ધર્મ તરફની બૌદ્ધિક યાત્રા, આધુનિકતાના પરિપ્રેક્ષ્યથી બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનું પુન:અર્થઘટન, સામાજિક પરિવર્તન માટે એક ચળવળ તરીકે નવયાન બૌદ્ધ ધર્મ, ભારત સમાજ માટે ડૉ. આંબેડકર બૌદ્ધ દર્શનની સમકાલીન સુસંગતતા વગેરે વિષયો પર વિદ્વાનો દ્વારા વક્તવ્યો આપવામાં આવ્યા હતા.
પરિસંવાદમાં ડૉ. અરવિંદ અરહંત(એસોસિએટ પ્રોફેસર, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી નવી દિલ્હી), ડૉ. હરપાલ બૌદ્ધ(એસોસિએટ પ્રોફેસર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) ડૉ. હિતેશ શાકય(એસોસિએટ પ્રોફેસર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ) વગેરે વક્તાઓએ ઉત્તમ વક્તવ્યો આપ્યા હતા.
આ પણ વાંચો: SIRમાં ગેરબંધારણીય શબ્દ દૂર કરવા કચ્છ મેઘવાળ સમાજ મેદાનમાં
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બાલકૃષ્ણ આનંદ, ચેરમેન(ડૉ.આંબેડકર રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ ‘બારીસ’) દ્વારા અધ્યક્ષીય પ્રવચન આપવામાં આવ્યું. આ ઉપરાંત અસીમ રોય, શ્રમિક કર્મશીલ દ્વારા પણ વિષય સંદર્ભે વિચારશીલ ભાષણ આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. મનુભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
(વિશેષ માહિતીઃ ડૉ.રાજેશ લકુમ, અમદાવાદ)
આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં ‘સંવિધાન સર્કલ’ના નિર્માણનું કામ પૂરજોશમાં














