ભાજપ જ્યારથી કેન્દ્રમાં સત્તામાં આવ્યો છે ત્યારથી તેણે યેનકેન પ્રકારે રૂપિયા ભેગાં કરવાનું શરૂ કરી દીધું છે. અગાઉ ગેરબંધારણીય ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા તેણે લોકોની આંખમાં ધૂળ નાખીને કરોડો રૂપિયા ભેગા કરી લીધા હતા. એ પછી પણ તે સત્તામાં હોવાથી અલગ અલગ રીતે દાન મેળવતો રહે છે. ચૂંટણી બોન્ડ રદ થયા પછીના એક નાણાકીય વર્ષમાં નવ ચૂંટણી ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને કુલ રૂ. 3811 કરોડનું દાન આપ્યું હતું, જેમાં સૌથી વધુ દાન એકલા ભાજપને રૂ. 3112 કરોડ મળ્યું હતું, જે કુલ દાનના 82 ટકા જેટલું છે. ભાજપ પછી ચૂંટણી ટ્રસ્ટોએ કોંગ્રેસને માત્ર રૂ. 299 કરોડનું દાન આપ્યું, જે માત્ર 8 ટકા છે તથા બાકીના પક્ષોને કુલ રૂ. 400 કરોડનું દાન મળ્યું.
મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણી પંચમાં 19 ચૂંટણી ટ્રસ્ટોએ નોંધણી કરાવેલી છે, જેમાંથી 13 ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને આપેલા દાનની વિગતો ચૂંટણી પંચને આપી છે. આ ટ્રસ્ટોમાંથી નવ ટ્રસ્ટોએ વર્ષ 2024-25માં રાજકીય પક્ષોને કુલ રૂ. 3811 કરોડનું દાન આપ્યું હોવાનું જણાવ્યું છે, જે વર્ષ 2023-24માં અપાયેલા રૂ. 1218 કરોડની સરખામણીમાં 200 ટકાનો વધારો દર્શાવે છે. રિપોર્ટ મુજબ જનહિત, પરિવર્તન, જય હિંદ અને જય ભારત એમ ચાર ટ્રસ્ટોએ વર્ષ 2024-25માં કોઈપણ રાજકીય પક્ષને દાન આપ્યું નથી.

આ પણ વાંચો: ભાજપ SC મોરચા પ્રમુખની પાંચ લોકોએ જાહેરમાં હત્યા કરી
પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને સૌથી વધુ દાન આપ્યું
બીજીબાજુ પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને સૌથી વધુ દાન આપ્યું છે. આ ટ્રસ્ટે વર્ષ 2024-25માં કુલ રૂ. 2668 કરોડનું દાન રાજકીય પક્ષોને આપ્યું છે, જેમાંથી 82 ટકા એટલે કે રૂ. 2180 કરોડનું દાન માત્ર ભાજપને આપ્યું છે. આ ટ્રસ્ટને જિંદલ સ્ટિલ એન્ડ પાવર, મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ., ભારતી એરટેલ, ઔરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ જેવી મોટી કંપનીઓ પાસેથી ભંડોળ મળ્યું હતું. બીજી બાજુ ટ્રસ્ટે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી અને અન્ય પક્ષોને પણ દાન આપ્યું હતું.

આ સિવાય પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટને વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ રૂ. ૯૧૭ કરોડનું દાન મળ્યું હતું, જેમાંથી કુલ રૂ. ૯૧૪.૯૭ કરોડનું દાન ટ્રસ્ટે રાજકીય પક્ષોને કર્યું હતું અને તેમાંથી ૮૦.૮૨ ટકા દાન ભાજપને મળ્યું. આ ટ્રસ્ટના મુખ્ય દાતાઓમાં ટાટા જૂથની કંપનીઓ છે, જેમાં ટાટા સન્સ, ટાટા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ), ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ટાટા પાવરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: તિરુવનંતપુરમ મ્યુનિ. કોર્પોરેશનમાં 40 વર્ષ બાદ ભાજપની જીત
વર્ષ ૨૦૨૩-૨૪માં ભાજપને કુલ રૂ. ૩,૯૭૬.૧૪ કરોડનું દાન મળ્યું હતું, જેમાંથી રૂ. ૧,૬૮૫.૬૨ કરોડ અંદાજે ૪૩ ટકા ચૂંટણી બોન્ડ મારફત મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૨૪માં ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરીને ખતમ કરી દીધી હતી. હવે કંપનીઓ અને વ્યક્તિઓ ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, યુપીઆઈ અને બેંક ટ્રાન્સફર મારફત રાજકીય પક્ષોને દાન આપી શકે છે, જેની માહિતી પક્ષોએ ચૂંટણી પંચને આપવી ફરજિયાત છે.
અન્ય ચૂંટણી ટ્રસ્ટોને મળેલા ભંડોળ અને પક્ષોને અપાયેલા દાન પર નજર કરીએ તો જનપ્રગતિ ઈલેક્ટોરલ ટ્રસ્ટને માત્ર કેઈસી ઈન્ટરનેશનલ લિ. તરફથી રૂ. ૧.૦૨ કરોડનું દાન મળ્યું હતું, જેમાંથી ૧ કરોડ રૂપિયા શિવસેના (યુબીટી)ને અપાયા હતા. હાર્મની ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. ૩૫.૬૫ કરોડનું દાન મળ્યું, જેમાંથી રૂ. ૩૦.૧૫ કરોડ ભાજપને અપાયા હતા. આ ટ્રસ્ટના મુખ્ય દાતાઓમાં ભારત ફોર્જ, સારલોહા એડવાન્સ્ડ મટીરિયલ્સ અને કલ્યાણી સ્ટીલનો સમાવેશ થાય છે.
વધુમાં જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટને ફોરએવર બિઝનેસ સોલ્યુશન્સે રૂ. ૧૯ લાખનું દાન આપ્યું, જે ભાજપ અને કોંગ્રેસને સમાન રીતે અપાયું. ન્યૂ ડેમોક્રેટિક ઈલેક્ટોરલ ટ્રસ્ટને મહિન્દ્રા જૂથની કંપનીઓએ રૂ. ૧૬૦ કરોડ આપ્યા, જેમાંથી ૧૫૦ કરોડ તો એકલા ભાજપને જ અપાયા. ટ્રાયમ્ફ ઈન્ટરનેશનલ ટ્રસ્ટને રૂ.૨૫ કરોડ મળ્યા, જેમાંથી ૨૧ કરોડ ભાજપને અપાયા હતા. આ ટ્રસ્ટની સૌથી મોટી દાતા સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ હતી.
આ પણ વાંચો: ‘તમે દલિત છો? નીચે ઉતરી જાવ’ કહી BJP MLAએ સરપંચનું અપમાન કર્યું










