Unnao rape case: ચકચારી ઉન્નાવ રેપ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરની આજીવન કેદની સજા કોર્ટે રદ કરી દીધી છે. આજે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદ અને હરીશ વૈદ્યનાથન શંકરની ડિવિઝન બેન્ચે આ આદેશ જારી કર્યો હતો. નીચલી કોર્ટે ઉન્નાવમાં દલિત સગીરા પર બળાત્કાર કરવાના કેસમાં સેંગરને દોષિત ઠેરવીને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. તે પીડિતાના પિતાની હત્યાનો પણ દોષી છે. કુલદીપ સેંગર આ કેસમાં 10 વર્ષની સજા ભોગવી રહ્યો છે. જેલમાંથી બહાર નીકળવા માટે તેણે આ કેસમાં પણ જામીન મેળવવા પડશે. આ મામલે હાઈકોર્ટનો નિર્ણય હાલમાં પેન્ડિંગ છે.
આજે ૨૩ ડિસેમ્બરને મંગળવારના રોજ, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદ અને ન્યાયાધીશ હરીશ વૈદ્યનાથન શંકરની ડિવિઝન બેન્ચે આદેશ જાહેર કરતા જણાવ્યું હતું કે સેંગરની સજા હાલ પૂરતી સ્થગિત રહેશે, પરંતુ કડક શરતો લાદવામાં આવી છે. અગાઉ પણ કુલદીપ સેંગરને આરોગ્યના કારણોસર જામીન મળી ચૂક્યા છે. ગયા વર્ષે તે મોતિયાનું ઓપરેશન કરવા માટે જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો.
આ પણ વાંચો: આદિવાસી મહિલા ખાતર માટે બે દિવસ લાઇનમાં ઉભી રહેતા મોત
મીડિયા રિપોર્ટ મુજબ, શરતોમાં જણાવાયું છે કે કુલદીપ સેંગરે 15 લાખના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમના ત્રણ જામીન આપવા પડશે. તે પીડિતાના ઘરથી 5 કિલોમીટરના ત્રિજ્યામાં મુસાફરી કરી શકશે નહીં. અપીલ પેન્ડિંગ હોય ત્યાં સુધી તેણે દિલ્હીમાં રહેવું પડશે અને જો દોષિત ઠેરવવામાં આવે તો તેની બાકીની સજા ભોગવવા માટે ઉપલબ્ધ રહેવું પડશે.
કોર્ટે કુલદીપ સેંગરને ચેતવણી આપી છે કે, તે પીડિતા કે તેની માતાને ધમકી આપી શકશે નહીં. કેસ ચાલી રહ્યો હોય ત્યારે તે દેશ છોડી શકશે નહીં. તેણે પોતાનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં સોંપવો પડશે. વધુમાં, સેંગરે દર સોમવારે સવારે 10 વાગ્યે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સેંગરની ફોજદારી અપીલ 15 જાન્યુઆરી, 2026 ના રોજ રોસ્ટર બેન્ચ સમક્ષ ક્રમબદ્ધ કરવામાં આવશે. હાલ કોર્ટના આદેશની વિગતવાર નકલની રાહ જોવાઈ રહી છે.
મામલો શું હતો?
આ કેસ 2017નો છે, જ્યારે કુલદીપ સેંગર ભાજપનો ધારાસભ્ય હતો અને તેણે ઉન્નાવના માખી ગામમાં દલિત સગીરાનું અપહરણ કરીને બળાત્કાર કર્યો હતો. જ્યારે પીડિતાએ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેના પિતાને પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો. કુલદીપ સેંગર પર પીડિતાના પિતાની હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ હતો. જોકે, કાર્યવાહીમાં ભારે વિલંબ થયો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે પીડિતા પર કેસ પાછો ખેંચવા માટે કુલદીપ સેંગર દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે આ કેસ સમાચારમાં ચમક્યો, ત્યારે સેંગર સામે કાર્યવાહી માટે દબાણ વધ્યું. પીડિતાએ સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો હતો એ પછી કોર્ટે દરમિયાનગીરી કરી હતી.
આ પણ વાંચો: માન્યવર કાંશીરામે કેવી રીતે શોષિત સમાજને શાસક બનાવ્યો?
સુપ્રીમ કોર્ટે પીડિતાના પત્રની નોંધ લેતા, કેસ દિલ્હી ખસેડ્યો અને દૈનિક સુનાવણી પછી 45 દિવસની અંદર નિર્ણય લેવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને, સંબંધિત તમામ કેસ ઉત્તર પ્રદેશથી દિલ્હી ખસેડાયા. ડિસેમ્બર 2019 માં, દિલ્હીની તીસ હજારી કોર્ટે આરોપી કુલદીપ સેંગરને બળાત્કારના કેસમાં આજીવન કેદ અને પીડિતાના પિતાની કસ્ટોડિયલ ડેથ માટે 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારથી કુલદીપ સેંગર જેલમાં છે.
જોકે, હાઈકોર્ટનો આ તાજેતરનો નિર્ણય મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અને રાજકીય પ્રભાવ ધરાવતા કેસોમાં ન્યાય વ્યવસ્થા વિશે ફરી ચર્ચા જગાવી શકે છે. કેમ કે, આરોપી ભાજપનો પૂર્વ ધારાસભ્ય છે. પીડિત પક્ષે અગાઉ આરોપ લગાવ્યો છે કે સેંગર જેવા ગુંડા તત્વો ન્યાયને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે.
પીડિતા અને તેના પરિવાર પર હુમલા થયા
ઉન્નાવની બળાત્કાર પીડિતા દલિત દીકરી અને તેના પરિવાર પર પણ હુમલા પણ થયા હતા. પીડિતા જ્યારે સગીર હતી, ત્યારે કુલદીપ સિંહ સેંગરના ઘરમાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. 2018 માં, પીડિતાના પિતા પર સેંગરના ભાઈ અને સાગરિતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ, પીડિતાના પિતાની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને 9 એપ્રિલ, 2018 ના રોજ પોલીસ કસ્ટડીમાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ કસ્ટડીમાં તેમને માર મારવામાં આવ્યો હતો, અને સેંગર પર કાવતરું ઘડવાનો આરોપ મૂકાયો હતો.
પીડિતાની હત્યાનો પણ પ્રયાસ થયો હતો
વર્ષ 2019 માં, રાયબરેલીમાં પીડિતા, તેની બે કાકી અને એક વકીલ કારમાં જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પીડિતાની બે કાકીઓનું મોત થયું હતું, અને પીડિતા અને વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તમામ ઘટનાઓ પાછળ કુલદીપ સેંગર હોવાના આક્ષેપો લાગ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ગૌહત્યા માટે 3ને આજીવન કેદ











