અમદાવાદમાં તા ૮ ફેબ્રુઆરીએ નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન ટોક્સ’ હેઠળ ‘દલિત પેન્થર’ મૂવમેન્ટ પર, વલસાડ એન્જિનિયરિંગ કોલેજના અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપિકા, દલિત સાહિત્ય અને દલિત ચળવળ વિષય પરના શોધકર્તા, નવસારી નિવાસી ડો. પંક્તિ દેસાઈની રાહબરીમાં એક વાર્તાલાપ યોજાયો હતો.
સર્વશ્રી જ.વી.પવાર (દલિત પેન્થર – મહારાષ્ટ્રના સ્થાપક અને ઝુઝારુ દલિત આગેવાન), ઘનશ્યામ શાહ (JNUના પૂર્વ અધ્યાપક, દ. ગુજ. યુનિ.ના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના પ્રણેતા અને અગ્રણી સમાજશાસ્ત્રી), વાલજીભાઈ પટેલ (દલિત પેન્થર-ગુજરાતના અગ્રણી, કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસના અધ્યક્ષ અને જાણીતા સામાજિક આગેવાન-ચળવળકાર), ચંદુભાઈ મહેરિયા (‘દલિત અધિકાર’ સામયિકના પૂર્વ તંત્રી, જાણીતા કર્મશીલ અને કોલમ્નિસ્ટ), પ્રકાશ ન. શાહ (ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ અધ્યક્ષ, જાણીતા લેખક-પત્રકાર અને ‘નિરીક્ષક’ સામયિકના પૂર્વ તંત્રી), મનીષી જાની (નવનિર્માણ આંદોલનના આગેવાન, ગુજરાત લેખક મંડળના મહામંત્રી અને જાણીતા કર્મશીલ) તથા રાહુલ પરમાર (દલિત પેન્થર-ગુજરાતના સ્થાપક, ડો. રમેશચંદ્ર પરમારના પૌત્ર અને આ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ) જેવા અતિથિઓએ મંચ પર ઉપસ્થિત રહી આ ટોક્સ – વાર્તાલાપમાં પોતાના મનનીય વિચારો વ્યક્ત કર્યા હતા.

આ નિમિત્તે નવજીવન પ્રદર્શન ખંડમાં યોજાયેલા ‘દલિત પેન્થર’ ના નહીં લખાયેલા ઈતિહાસ પરના પ્રદર્શનને પણ જ.વી.પવારના હસ્તે ખુલ્લું મુકાયું હતું, જે ૨૪ ફેબ્રુઆરી સુધી (સવારના ૧૨ થી રાત્રિના ૯ સુધી) ખુલ્લું રહેવાનું છે.
દલિત આંદોલનના મહત્વના અને તવારિખી ઘટના સમા ‘દલિત પેંથર’નો ઈતિહાસ ભૂલાઈ ન જાય એ માટેના પંક્તિ દેસાઈના નિષ્ઠાભર્યા પ્રયાસને બિરદાવીને ઘનશ્યામ શાહે કહ્યું : ‘સ્થાપિત હિતો અને મેઈન સ્ટ્રીમના પ્રચાર માધ્યમોએ ક્યારેય દલિત આંદોલનોને સપોર્ટ કર્યો નથી, ઉલટાનું તેને દબાવવાનું જ કામ કર્યું છે. અત: ‘દલિત પેંથર’ મૂવમેન્ટ સમયે આ સ્થાપિત હિતો અને મિડિયાની શું ભૂમિકા હતી? તેનો પણ વિશેષ અભ્યાસ સંશોધકોએ કરવો જોઈએ. દલિતોના પ્રાણપ્રશ્નોને આક્રોશ સાથે વાચા આપતા સામયિકો પર સરકારી પસ્તાળ પડી ત્યારે તે સમયના ગુજરાતના સાહિત્યકારો-પત્રકારો તેમને ગળથૂથીમાં મળેલા બાયસ માઈન્ડને કારણે ચૂપ જ રહ્યા હતા.’
શ્રી શાહે ગુજરાતના દલિત આંદોલનમાં નોંધપાત્ર એવા ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાની દલિત ચળવળ અને એમાં ‘દલિત પેંથર’ની ભૂમિકા પર વિગતે વાત કરી હતી.
છ વર્ષના અંતરાલ પછી જાહેર મંચ પર પ્રથમ વાર બોલી રહેલા ચંદુભાઈ મહેરિયાએ ‘દલિત પેન્થર’ના એ કર્મઠ આગેવાનો સાથેના પોતાના સંસ્મરણો વાગોળીને, વર્ષો પહેલા UGCના ચેરમેન નિમાયેલા સુખદેવ થોરાટના માનમાં ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલા સન્માન સમારંભમાં ગૂંજી ઉઠેલા ‘જય ભીમ’ના બુલંદ નારાને યાદ કરીને માર્મિક અર્થમાં કહ્યું : ‘ગાંધીજીને સૌથી વ્હાલા દલિતો પરના કાર્યક્રમો ગુજરાત વિદ્યાપીઠમાં કે ગાંધી સ્થાપિત નવજીવન સંસ્થામાં થાય, એ ખરેખર તો સાવ સહજ હોવું જોઈએ અને એનું ખરેખર તો કોઈનેય આશ્ચર્ય ન થવું જોઈએ!’

આફ્રિકન ‘બ્લેક પેન્થર’ પરથી ભારતીય ‘દલિત પેન્થર’ પ્રેરિત હતું એવા એક મત પર પ્રકાશ પાથરતા ચંદુભાઈએ કહ્યું કે, ગુજરાતી વિશ્વકોશમાં ‘દલિત પેન્થર’નો ઉલ્લેખ છે પણ ‘બ્લેક પેન્થર’નો નથી!
ચંદુભાઈએ સવાલ કર્યો કે, સ્વતંત્રતા દિવસને ‘કાળા દિવસ’થી ઓળખાવતી રાજા ઢાલેની કવિતાનો મહારાષ્ટ્રમાં વ્યાપક વિરોધ થયો ત્યારે એને છાપનાર સામયિકના તંત્રી એના વાચકોની માફી માંગવાની સાથે, રાજા ઢાલે પ્રેરિત પૂણે થી શનિવારવાડા સુધીની અભિવ્યક્તિ કૂચમાં પણ જોડાય છે! શું આવી અપેક્ષા આપણા તંત્રીઓ – આગેવાનો પાસે આપણે અહીં રાખી શકીએ તેમ છીએ?
મનીષી જાનીએ કહ્યું કે, ૬૦ અને ૭૦ના દાયકા પછી સ્થાપિત મૂલ્યોને છિન્નભિન્ન કરવાને ઉભરેલા એક કાઉન્ટર કલ્ચર અને પ્રતિ આંદોલનોમાં ‘દલિત પેન્થર’એ નિભાવેલી ભૂમિકાએ સમાજ પર વ્યાપક અસર છોડી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, બિટલ્સ સંગીત ગૃપે જેમ સંગીતના પરંપરાગત મૂલ્યોને તોડવાનું કામ કર્યું તેમ જ આગવા વેશપરિધાન સાથે હિપ્પીઓએ વસ્ત્ર ક્રાન્તિ સર્જી હતી. આ જ રીતે ભારતમાં પણ આંધ્રપ્રદેશમાં ‘નગ્ન કવિતા’ દ્વારા વારાવારા રાવ, ચરબંડા રાજૂ જેવાઓએ ક્રાંતિકારી સાહિત્યની શરૂઆત કરી હતી. ૧૯૬૮માં યુવાનો અને ખેડૂતોએ ભેગા મળી એક હલચલ મચાવી હતી. આવા જ સમયે ગુજરાતમાં ‘દલિત પેન્થર’ની (૧૯૭૪માં) શરૂઆત થઈ હતી. મરાઠી દલિત કવિતાઓએ તો મરાઠી સાહિત્યના પરંપરાગત કલ્પનોને તોડવાની શરૂઆત કરી જ દીધી હતી. પ્રચાર માધ્યમોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, દલિત અત્યાચારોના સમાચારોને તેઓ ત્યારેય પ્રાધાન્ય નહોતા આપતા ને આજે પણ નથી આપતા.
પ્રકાશ શાહે કહ્યું કે, વ્યકિતગત લક્ષ્ય અને સર્વસામાન્ય લક્ષ્ય વચ્ચે કોઈ સમાધાન યા સંવાદ સાધીને દલિત આંદોલનમાં કાર્યરત થવાના પોતાના નિર્ધારમાં, ‘દલિત પેન્થર’ – ગુજરાતના સૂત્રધાર ડો. રમેશચંદ્ર પરમાર મહદઅંશે સફળ રહ્યા હતા. તેમણે ગુજરાતમાં ‘દલિત પેન્થર’ના પગરણના સમયને દલિત ચળવળના મહત્વના હિસ્સા તરીકે ઓળખાવીને રમેશભાઈના રામમનોહર લોહિયાના આંદોલન સાથેના જોડાણ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આજે દલિત સાહિત્ય પણ સાહિત્યના પરંપરાગત ખ્યાલોને બદલવાનું જ કામ કરી રહ્યું છે, એનો આનંદ છે.
આ પછી સર્વશ્રી જ.વી.પવાર, વાલજીભાઈ પટેલ અને રાહુલ પરમાર સાથે પંક્તિબેનના યોજાયેલા સંવાદમાં આ ત્રણેય મહાનુભાવોએ ‘દલિત પેન્થર’ વિશેની અનેક વણકહી – વણસાંભળી હકીકતો પર પ્રકાશ પાથર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ‘દલિત પેન્થર’ દ્વારા ‘પેન્થર’ અને ‘આક્રોશ’ જેવા સામયિકો સાથે અગણિત પુસ્તકો પણ પ્રકાશિત થયા હતા. ‘દલિત પેન્થર’ પર અનેક પુસ્તકો લખાયેલા છે. આ પુસ્તકોની સંખ્યા ૬૫ જેટલી છે, છતાં એમાંના ઘણા આજેય અપ્રાપ્ય છે. રમેશચંદ્ર પરમારનું તો ૧૦૦ પુસ્તકોના પ્રકાશનોનું સ્વપ્ન હતું કિન્તુ એમની વિદાય પછી પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિમાં વિક્ષેપ ઊભો થવા પામ્યો હતો.
અહીં પંક્તિબેનને પણ ધન્યવાદ એ કારણે ઘટે છે કે, છેલ્લા ત્રણેક વર્ષથી તેઓએ ‘દલિત પેન્થર’ અંગેની અત્યાર સુધી બહાર નહીં આવેલી વિગતો – હકીકતો – દસ્તાવેજી પુરાવાઓ ગુજરાતના મોટી સંખ્યાના દલિત આગેવાનો, આંદોલનકારો, કર્મશીલો, સાહિત્યકારો અને સામાન્યજનોને રૂબરૂ મળીને – તેમની સાથે કલાકો વિતાવીને, ભારે રઝળપાટ કરીને એકઠી કરી છે. ‘દલિત પેન્થર’ પર યોજાયેલ વાર્તાલાપ – ટોક્સ અને પ્રદર્શન પણ પંક્તિબેનની મહેનત અને જહેમતનું જ પરિણામ છે, એમ કહેવું અતિશયોક્તિ નહીં હોય. આ ટોક્સમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(અહેવાલ : નટુભાઈ પરમાર-ગાંધીનગર)
આ પણ વાંચો: દલિતોએ સવારે ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપી, મનુવાદીઓએ રાત્રે તોડી નાખી