અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દલિત ચાલી પર પથ્થરમારો કરતા 20 લોકો એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આપ નેતાએ ચાલીના રહીશોને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો બિચક્યો હતો. પથ્થરમારામાં એક દંપતીને ઈજા પહોંચી હતી, જ્યારે વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના વોર્ડ પ્રમુખ પ્રિતેશ પટેલ નામના યુવકે ટોળાની આગેવાની લઈને મહાકાળીની ચાલીમાં રહેતા રહીશોને ટાર્ગેટ કર્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. મોડી રાતે પોલીસની ટીમ આવતા તોફાની તત્વો ત્યાંથી નાસી ગયા હતા. હાલ સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાબરમતી વિસ્તારમાં આવેલા મહાકાળીની ચાલી ખાતે રહેતી ખુશ્બુ પરમારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના સાબરમતી વોર્ડના પ્રમુખ પ્રીતેશ પટેલ, બાબુ પરમાર, આશીષ સામઠીયા, ગણપત સામઠીયા, દર્શીલ ઉર્ફે ભટી સામઠીયા, ચિરાગ પરમાર સહિત વીસથી વધુ લોકો વિરૂદ્ધ એટ્રોસીટી અને હુમલાની ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: એટ્રોસિટી કેસના 16 દોષિતો સજા સંભળાવતા જ કોર્ટમાંથી ભાગી ગયા
ખુશ્બુ તેના પતિ, સાસુ લક્ષ્મીબેન, સસરા હસમુખભાઈ તેમજ દિયર દેરાણી સાથે રહે છે. ગઈકાલે ખુશ્બુ અને તેનો પરિવાર જમીને સૂઈ ગયો હતો, ત્યારે એકાએક તેમના ઘર પાસે બુમાબુમ થવાની શરૂ થઈ ગઈ હતી. ખૂશ્બુ પરિવાર સાથે બહાર દોડી ગઈ હતી, ત્યારે આસપાસમાં રહેતા લોકો ભેગા થઈ ગયા હતા અને મુખ્ય રોડ પર પહોંચી ગયા હતા. મુખ્ય રોડ પર જઈને જોયુ તો 20થી વધુ લોકોનું ટોળુ ભેગું થઈ ગયું હતું અને વાહનો પર પથ્થરમારો કરી રહ્યા હતા. પથ્થરમારો કરતા તમામ લોકો બુમો પાડતા હતા કે, બાબુભાઈ પરમારને આ ચાલીના માણસો તથા હસમુખ પરમાર ખોટી રીતે હેરાન કરે છે અને અગાઉ પણ તેનું ગેરકાયદેસર દબાણ કર્યુ છે.
ટોળુ બુમાબુમ પણ કરતું હતું કે, હસમુખભાઈ અને તેના પરિવારને ચાલીની બહાર કાઢીને મારી નાખો. હસમુખભાઈ, તેનો દીકરો હિરેન તેમજ ચાલીમાં રહેતા લોકોને ખુબ ચરબી વધી ગઈ છે, આપણે તેમની ચરબી ઉતારવી પડશે. ખુશ્બુ ટોળાની પાસે જતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા અને જેમાં પ્રિતેશ પટેલ નામના યુવકે તેને જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ખુશ્બુએ શાંતિથી વાત કરવાનું કહેતા તે વધુ ઉશ્કેરાયા હતા અને ગાળો બોલવાની શરૂ કરી હતી. ટોળાએ પથ્થરમારો કરતા ખુશ્બુની સાસુ લક્ષ્મીબેનને માથામાં ઈજા પહોચી હતી. જ્યારે ત્રણ વાહનોને નુકસાન થયું હતું.
ટોળાનો આગેવન પ્રિતેશ પટેલ તમામને ઉશ્કેરતો હતો કે, આ ચાલીમાં રહેતા લોકોએ અમારા મિત્રને ખોટી રીતે હેરાન કર્યા છે, જેથી તમામને જાનથી મારી નાખવાના છે. આ ચાલીમાં રહેતા તમામ રહિશોને અહીંયાથી મકાન ખાલી કરી દેવાના છે. પથ્થરમારાના કારણે ખુશ્બુના સસરા, સાસુને ઈજા પહોંચી હતી અને વાહનોને નુકશાન થયું હતું. જેથી ખુશ્બુ એ તરત જ પોલીસને જાણ કરી દીધી હતી અને સાબરમતી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને જોતાની સાથે જ તોફાની તત્વો ભાગી ગયા હતા. ખુશ્બુએ પ્રિતેશ પટેલ સહિતના લોકો વિરૂદ્ધ એટ્રોસીટી, હુમલો તેમજ તોડફોડની ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: 18 વર્ષ જૂના એટ્રોસિટીના કેસમાં 12 દોષિતોને આજીવન કેદની સજા











Users Today : 1737