AAP MLA ઉમેશ મકવાણાએ પોતાના જ પક્ષને ‘જાતિવાદી’ ગણાવ્યો

AAPના બોટાદના MLA ઉમેશ મકવાણાએ પોતાના જ પક્ષ પર જાતિવાદનો આરોપ મૂકી દંડક પદેથી રાજીનામું આપી દીધું છે.
Umesh-Makwana AAP MLA

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મેળવેલા ભવ્ય વિજયની ઉજવણી હજુ ચાલુ છે ત્યાં પક્ષમાં નવી કટોકટી સર્જાઈ છે. લાંબા સમયથી અસંતુષ્ટ રહેલા ‘આપ’ના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે દંડક પદેથી તેમજ રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી પદ સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દીધુ છે અને હવે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવા અંગે તેમનો મત વિસ્તારના લોકોને પૂછીને નિર્ણય લેશે તેમ કહીને સસ્પેન્સ વધારી દીધુ છે. બીજી તરફ પક્ષ દ્વારા તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે ઉમેશ મકવાણાએ પોતાના પક્ષ પર જાતિવાદી હોવાના આરોપ મૂક્યા છે. તેમણે કહ્યું છે કે, કડીની પેટા ચૂંટણીમાં ઉમેદવાર દલિત સમાજના હોવાથી પક્ષમાંથી કોઈ તેના માટે પ્રચાર કરવા ગયા નહોતા. તેમણે પક્ષમાં જાતિવાદી માનસિકતા વધી ગઈ હોવાનો પણ આરોપ મૂક્યો છે.

પક્ષ પછાતોના મુદ્દા ઉપાડવામાં નિષ્ફળ રહ્યો છેઃ ઉમેશ મકવાણા

ગઇકાલથી ઉમેશ મકવાણા અચાનક સંપર્કવિહોણા બની ગયા હતા અને આજે તેમણે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. તે સમયે પોતાનો આક્રોશ રજૂ કરતા સમયે એવું કહ્યું હતું કે, “પક્ષ પછાત લોકોના મુદા ઉપાડવામાં નિષ્ફળ રહી છે. તથા પક્ષમાં જાતિવાદી માનસિકતા વધી ગઇ છે અને તેથી હું આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે રહેવા માંગુ છું અને હાલના તબકકે હું વિધાનસભામાં પક્ષના દંડક તરીકે તેમજ રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજીનામુ આપુ છું.” બીજી તરફ પક્ષ દ્વારા તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ AAP એ હિન્દુત્વવાદી મતદારો તૈયાર કર્યા, પરિણામ તમારી સામે છે

તેમણે આ માટે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પોતાનો રાજીનામા પત્ર પાઠવી દીધો છે. વિસાવદરમાં એક તરફ ‘આપ’ દ્વારા જોરદાર શકિત પ્રદર્શન કરીને ભાજપ સામે તમામ તાકાતની લગાડી દઈને વિજય મેળવ્યો હતો. વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલીયા અને તેમના સાથીદારો દિલ્હીમાં ‘આપ’ના વડા અરવિંદ કેજરીવાલ સાથે ઉજવણી કરી હતી.

આ પણ વાંચોઃ Delhi election માં અરવિંદ કેજરીવાલની AAP ની હારના 5 કારણો

ઉમેશ મકવાણા લાંબા સમયથી નારાજ ચાલી રહ્યાં છે

આમ ‘આપ’નું ગુજરાતનું સમગ્ર નેતૃત્વ એક તરફ દિલ્હીમાં હતું તે સમયે જ ઉમેશ મકવાણાએ અસંતોષનો બોમ્બ ફોડયો છે અને સાથે રાજીનામાનો ટાઇમ બોમ્બ પણ ગોઠવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ તેમનો વિરોધ લાંબા સમયથી પક્ષમાં અનેક ચર્ચા ફેલાવતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષના કોઇપણ કાર્યક્રમમાં હાજરી આપતા ન હતા અને વિસાવદરમાં કેજરીવાલ પ્રચાર કરવા આવ્યા ત્યારે પણ તેઓ ગેરહાજર હતા. મૂળ ભાજપનું ગોત્ર ધરાવતા ઉમેશ મકવાણાને ભાજપે ટીકીટ ન આપતા તેમણે આમ આદમી પાર્ટીના ટીકીટ પર લડીને ચુંટણી જીત્યા હતા. જોકે હજુ સુધી તેમણે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યું નથી.

કડીના ઉમેદવાર દલિત હોવાથી પક્ષે પ્રચાર ન કર્યોઃ મકવાણા

ઉમેશ મકવાણાએ આક્ષેપ કર્યો કે વિસાવદરમાં ગોપાલ ઇટાલીયાને જીતાડવા આખો પક્ષ એક થઇ ગયો હતો અને તમામ નેતાઓ ઉતરી પડયા હતા પરંતુ કડીમાં દલિત ઉમેદવાર હોવાથી તેમના કોઇ પ્રચારમાં પક્ષના કોઈ નેતા જોડાયા ન હતા. હવે આમ આદમી પાર્ટી આ કટોકટી કઇ રીતે હેન્ડલ કરે છે તેના પર સૌની નજર છે. બીજી તરફ ‘આપ’ના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ લાંબા સમયથી મૌન છે અને તેઓ પણ કોઇ મુદ્દો ઉભો કરે તેવી શકયતા છે.

આ પણ વાંચોઃ કડી વિધાનસભા પેટાચૂંટણીમાં AAP એ જગદીશ ચાવડાને ટિકિટ આપી

વિસાવદરની જીતની ઉજવણીના રંગમાં ભંગ પડ્યો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક જીતીને રાજયમાં ફરી કમબેક કરવાની મહત્વાકાંક્ષા રાખી છે. અને તે પૂર્વે અચાનક જ શરૂ થયેલા રાજકીય સખળડખળમાં આજે નિર્ણાયક દિવસ બનશે. વિસાવદર વિજય બાદ નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલીયા અને પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના અગ્રણીઓ ગઈકાલે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તે જ વખતે ઉમેશ મકવાણાનો ટાઈમ બોમ્મ ટીકટીક થવા લાગતા ‘આપ’ના અગ્રણીઓ મારતા ઘોડે અમદાવાદ આવવા રવાના થયા હોય તેવા સંકેત છે. ઉમેશ મકવાણાને આખરી ઘડીએ મનાવી લેવાશે તેવો પક્ષના સુત્રોએ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ પણ વાંચોઃ ‘હિંમત હોય તો આભડછેટને દૂર કરવાનું બિલ લાવો, હું સમર્થન કરીશ’

ઉમેશ મકવાણાનો એબીવીપી અને ભાજપ સાથે 22 વર્ષનો નાતો

ઉમેશ મકવાણાનું અસલ ગોત્ર ભાજપ છે. મૂળ ભાજપના અને એબીવીપીથી પોતાની કારકીર્દી શરૂ કરનાર મકવાણા 22 વર્ષ સુધી ભાજપમાં રહ્યા હતા. પણ ગત ચૂંટણીમાં ટિકીટ ન મળતા આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડયા અને વિજેતા બન્યા હતા. આમ તેમના ભાજપના સંપર્કો યથાવત છે અને બે માસ પૂર્વે જ તેમણે પોતાનો આક્રોશ પક્ષ પર ઠાલવ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ વિધાનસભામાં ગોપાલ ઈટાલીયાની એન્ટ્રીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પક્ષમાં હવે તેને નેતા બનાવાય તેવી શકયતા છે. હાલ ઉમેશ મકવાણાએ દંડક પદ છોડ્યું હોવાથી ચૈતર વસાવાને દંડક બનાવાય તેવી શક્યતા છે. જો કે, આ ઘટનાએ ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં ચાલતા જાતિવાદને સપાટી પર લાવી દીધો છે.

આ પણ વાંચોઃ કેવી રીતે ‘કેજરીવાલે’ જ ‘કેજરીવાલ’ને હરાવ્યા?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x