અમદાવાદઃ અમદાવાદના વાસણામાં અનુસૂચિત જાતિના યુવાન અંકિત હરીશભાઈ સોલંકીના આત્મહત્યા કેસમાં ન્યાયની પ્રક્રિયા અત્યંત ધીમી હોવાના આક્ષેપો સાથે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આરોપીઓમાં વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનો ભત્રીજો આરોપી હોવાથી પોલીસ કોઈ જ કાર્યવાહી કર્યા વિના બેસી રહી છે. ગત તારીખ 26/11/2025 ના રોજ અંકિતે કથિત માનસિક ત્રાસ અને જાતિવાદી અપમાનથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું.
આ ઘટનાને આજે 80 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, વાસણા પોલીસ હજુ સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે. પોલીસની આ શંકાસ્પદ ભૂમિકા અને તપાસમાં થઈ રહેલા અસહ્ય વિલંબને કારણે પીડિત પરિવાર હવે આંદોલનના માર્ગે વળ્યો છે.

મામલો શું હતો?
અમદાવાદના શ્યામલ પાસે કૃણાલ સોલંકી અને તેમનો નાનો ભાઈ અંકિત સોલંકી ગુજ્જુભાઈ પાન પાર્લર ચલાવે છે.તેમના પાન પાર્લર પર અનેક યુવકો અવરજવર કરતા હતા. જેમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનો ભત્રીજી નીલ ઠાકર અને તેના મિત્રો આવતા હતા. થોડા સમય અગાઉ કેટલાક યુવકો સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં દારૂ પીવા મામલે ગુનો નોંધાયો હતો.આ ગુનો ગુજ્જુ પાન પાર્લર પરથી અંકિત અને તેના ભાઈ કૃણાલના કારણે નોંધાયો હોવાની શંકા હતી. જેના કારણે તમામ યુવકો અંકિતને હેરાન કરતા હતા.નીલના મોબાઇલમાં કોઈની સાથે ઝઘડો થયો હોવાનો વિડીયો પણ અંકિતને બતાવ્યો હતો જેના કારણે અંકિત ડરી ગયો હતો.
આ પણ વાંચો: બોલો લો! ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનું કોઈ સાંભળતું નથી!

અંકિતના પાન પાર્લરનું નામ બદનામ કરવાનું તથા કેસ કરાવવાની ધમકી અને અંકિતને જે વીડિયો બતાવ્યો તેના કારણે અંકિતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.અંકિતે સ્યુસાઇડ નોટનો મેસેજ મોકલ્યો હતો જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, “મારે જીવવું હતું પણ આ લોકોએ મારું જીવવું હરામ કરી દીધું હતું. નીલ ઠાકર અને તેના મિત્રોને કારણે તે આપઘાત કરી રહ્યો છે.” હર્ષ સંઘવીને પણ જણાવ્યું હતું કે “ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરની શરમમાં કેસને દબાવી ના દેતા. મેં મારો જીવ આપી દીધો છે તો ઝીણવટપૂર્વક તપાસ થશે તો જ મારી આત્માને શાંતિ મળશે.”
આ મામલે વાસણા પોલીસ મથકે ગુ.ર.નં. 11191066250227/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 (આત્મહત્યાની દુષ્પ્રેરણા), 54 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(V) અને 3(1)(s) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાયદાકીય રીતે આ અત્યંત ગંભીર પ્રકારના ગુનાઓ હોવા છતાં પોલીસનું વલણ નરમ જણાઈ રહ્યું છે.
80 દિવસ પછી પણ મુખ્ય આરોપીઓ ફરાર
આ કેસમાં મુખ્ય આરોપીઓ તરીકે રાજ સુખવાસીયા, માનવ ઠક્કર, મિહિર દેસાઈ, ઉમંગ દેસાઈ, તીર્થ પ્રધાન અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા નીલ ઠાકરના નામો પોલીસ દફતરે નોંધાયેલા છે. આરોપીમાં ભાજપના ધારાસભ્યનો ભત્રીજો સામેલ હોવાથી પોલીસ કોઈ જ કાર્યવાહી નથી કરી રહી તેવો મૃતક અંકિતના પરિવારનો આક્ષેપ છે. પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે, 80 દિવસ જેટલો સમય પૂરતો હોવા છતાં પોલીસ આ આરોપીઓના લોકેશન મેળવી શકી નથી અથવા તો મેળવવા માંગતી નથી. શું કોઈ ઉચ્ચ કક્ષાનું રાજકીય દબાણ પોલીસને કામ કરતા રોકી રહ્યું છે? તેવો પ્રશ્ન આજે અમદાવાદના દલિત અધિકાર કાર્યકરો પૂછી રહ્યા છે.
આ પણ વાંચો: મુસ્લિમ યુવકે 24 વર્ષ જેલ ભોગવી, હવે નિર્દોષ છૂટ્યો, જવાબદાર કોણ?
પુરાવા હોવા છતાં તપાસમાં વિલંબ કેમ થઈ રહ્યો છે?
મૃતક અંકિતના મોબાઈલ ફોનમાંથી એક નિર્ણાયક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણે પોતાની વેદના અને તેને ત્રાસ આપનારાઓના નામનો ઉલ્લેખ કર્યો હોવાનું મનાય છે. આ મોબાઈલ ફોન અને સુસાઈડ નોટને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જોકે, ડિજિટલ યુગમાં 80 દિવસ સુધી ટેકનિકલ રિપોર્ટની રાહ જોઈને હાથ પર હાથ ધરીને બેસી રહેતી પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. આરોપીઓ બહાર હોવાને કારણે પુરાવાનો નાશ થવાની અને કેસના સાક્ષીઓને ધમકાવવાની પૂરેપૂરી શક્યતા છે, જે ન્યાયિક પ્રક્રિયામાં મોટો અવરોધ બની શકે છે.
પરિવારે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, ડીજીપીને પત્ર લખ્યો
અંકિતના શોકાતુર પિતા અને અન્ય પરિવારજનોએ સતત ભયના ઓથાર હેઠળ જીવવું પડી રહ્યું છે. આરોપીઓ દ્વારા ધમકી મળવાની દહેશતને પગલે પરિવારે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, એસસી એસટી સેલ અને પોલીસ કમિશનરને લેખિત પત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી છે. તેમની માંગણી છે કે આ કેસની તપાસ માટે તાત્કાલિક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવે, પરિવારને 24 કલાક પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે અને એટ્રોસિટી એક્ટ હેઠળ મળવાપાત્ર રાહત તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે.
આ પણ વાંચો: તાંત્રિક વિધિની આડમાં 85 વર્ષની દલિત મહિલા પર રેપ કરાયો
આવતીકાલ સુધીમાં આરોપીઓ નહીં પકડાય તો આંદોલન
પીડિત પરિવારે પોલીસ તંત્રને આખરી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આગામી 13 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. તારીખ 14/02/2026 ના રોજ સવારે 10:00 વાગ્યાથી વાસણા પોલીસ સ્ટેશનની બહાર જ અચોક્કસ મુદતના ધરણા અને ઉપવાસ શરૂ કરવામાં આવશે. આ સત્યાગ્રહમાં વિવિધ સામાજિક સંગઠનો પણ જોડાશે તેવી શક્યતા છે.
જો આ વિરોધ પ્રદર્શન દરમિયાન શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસન અને સરકારની રહેશે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ 13 તારીખ સુધીમાં કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે પછી પરિવારે ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડશે.
આ પણ વાંચો: ચોકલેટની લાલચ આપી 5 વર્ષની દલિત બાળકીની રેપ બાદ હત્યા












*ભારતનું સમગ્ર પોલીસ પ્રશાસન ગુનેગારોને પોતાની નજરોમાં ક્યાં સુધી સહયોગ આપ્યાં કરશે? અને ગુનેગારોને પકડવા માટેની ઢીલી શક્તિ કે ઢીલી નજર રાખવી તે પણ એક ગુન્હો હોય શકે! દરેક રાજ્યની સાચી રાજનીતિની આ સુદ્રઢ પરખ છે! પહેચાન છે! બાકી તો ઘેટાં બકરાંની કોઈ વિસાત નથી!
સંવિધાન વિજયતે! સત્યમેવ જયતે!