નડિયાદની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા દલિત વિદ્યાર્થી જય પાટીલની આત્મહત્યાના કેસમાં 10 દિવસ વીતી ગયા હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજ રોષે ભરાયો છે. આજે ન્યાયની માંગ સાથે જયનો પરિવાર અને દલિત સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું. આઠ દિવસ અગાઉ આ મામલે પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે, આરોપીઓએ ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી કરી છે. હાઈકોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 17મી તારીખે થવાની છે, પરંતુ જયના પરિવારજનો 17મી પહેલા આરોપીઓની ધરપકડની માંગ કરી રહ્યા છે.
પોલીસ આરોપીઓને છાવરી રહ્યાનો આક્ષેપ
દલિત સમાજના આગેવાનોનો આરોપ છે કે, પોલીસ પ્રશાસન આરોપીઓને છાવરી રહ્યું છે. ગુનો નોંધાયાના આટલા દિવસો બાદ પણ કાર્યવાહી નથી થઈ. આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને પોલીસ કોઈ પગલાં નથી લઈ રહી.

જયના પરિવારજનોએ જણાવ્યું હતું કે, જો આરોપીઓ હાઈકોર્ટમાં અરજી કરી શકે છે, તો પોલીસ તેમને કેમ પકડી શકતી નથી? પરિવારે પોલીસને કોઈપણ રાજકીય કે સામાજિક દબાણ વગર તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. કલેક્ટર કચેરી બહાર દલિત સમાજના ધરણાને કારણે વાતાવરણ તંગ બન્યું છે. આગેવાનોએ ચેતવણી આપી છે કે જો 17મી તારીખ પહેલા કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય, તો ન્યાય માટે આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે.
આ પણ વાંચો: દલિત માતા બજારમાં શાકભાજી વેચતી હતી, પછી જે થયું તે રડાવી દેશે..

મામલો શું હતો?
નડિયાદના મંજીપુરા વિસ્તારમાં રહેતા અને શહેરની દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા દલિત સમાજના વિદ્યાર્થી જય પાટીલે 1 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા પહેલા તેણે સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, “સોરી મમ્મી હું સુસાઇડ કરું છું પણ હું કંટાળી ગયો છું મેં કોઈપણ મેડમને કંઈ જ નથી બોલ્યો મેડમ પ્રૂફ વગર મારા પર બ્લેમ કરે છે.
આ પણ વાંચો: દલિત પરિવારે કેસ પાછો ન ખેંચતા આરોપીએ ગોળીબાર કર્યો
મારે મમ્મી તમને એક મારી જિંદગી આપવી હતી હું કોઈ ખોટો માણસ નથી હું ક્યારેય પણ કોઈને તેમના બોડી પર કોઈ મજાક નથી ઉડાવતો અને હું નથી બોલ્યો એટલે સુસાઇડ કરું છું બોલ્યો હોત તો કંઈ જ શરમ ના હોત. સોરી મમ્મી મારા લીધે તમને આટલા બધા પ્રોબ્લેમ થયા ભગવાને તમને એક સારો છોકરો આપવાનો હતો પણ હું ખોટો નથી. નાનો હતો ત્યારથી કોઈ એક દિવસ સારો નહીં જોયો અને અત્યારે લોકોને નડું છું.”
જય પાટીલે કરેલી આત્મહત્યા બાદ તેના પિતા વિજય પાટીલે 5 લોકો સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જો કે, 10 દિવસ પછી પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી કરવામાં આવી છે. જેના કારણે દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.
આ પણ વાંચો: મેંદરડા તા.પં. કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવાતા દલિતોમાં રોષ













