મારું માનવું છે કે, દરેક ગામની બહાર એક બોર્ડ હોવું જોઈએ, જેમાં લખ્યું હોય કે મુસ્લિમોને અહીં પ્રવેશવાની મંજૂરી નથી.” – આ નિવેદન કોઈ કટ્ટર મુસ્લિમ વિરોધી નેતાનું નથી પરંતુ એક ટીનએજ કથાવાચક છોકરીનું છે, જેને ભાગવત કથા સંભળાવવા માટે વ્યાસ પીઠ પર બેસાડવામાં આવી છે. આ છોકરીનું નામ લક્ષ્મી છે.
“યોગી યુવા બ્રિગેડ” એ આગ્રામાં શ્રીમદ્ ભાગવત કથાના પાઠનું આયોજન કર્યું છે. જેમાં લક્ષ્મી નામની એક છોકરી કથા સંભળાવી રહી છે. તેની ઉંમર 18 વર્ષથી પણ ઓછી હશે. લક્ષ્મી વ્યાસ પીઠ પર બેસીને કથા સંભળાવે છે. પણ વચ્ચે વચ્ચે, તે કંઈક બીજું કહેવા લાગે છે, જેની એક ટૂંકી ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ટીનએજ કથાવાચિકાએ વ્યાસ પીઠ પરથી ઝેર ઓક્યું!
વીડિયોમાં, કથાવાચિકા લક્ષ્મી મુસ્લિમો માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે. વાયર વીડિયોમાં લક્ષ્મી કહે છે, “તેઓ હિન્દુઓને ખાણીપીણીનો સામાન વેચીને ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. ગમે તેમ કરીને તેઓ હિંદુઓનો ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે. દેશના દરેક ખૂણામાંથી સમાચાર આવી રહ્યાં છે કે શું શું પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. મારું માનો તો, દરેક ગામની બહાર એક બોર્ડ હોવું જોઈએ, જેમાં લખેલું હોય કે મુસ્લિમોને પ્રવેશવાની મનાઈ છે. જો તેઓ આવશે તો શું થશે? અમે અહીં તપાસ કરવા માટે નથી કે કયો મુસ્લિમ સારો છે અને કયો ખરાબ. જે પ્રકારના સમાચારો આવી રહ્યાં છે, તેના પરથી તો એ જ ખ્યાલ આવે છે કે, હવે તો હદ થતી જઈ રહી છે. તેથી, એક બોર્ડ લગાવવું જોઈએ કે આ લોકોને પ્રવેશવાની મનાઈ છે.”
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં 2000 જેટલી આશાવર્કર બહેનો હક માટે રસ્તા પર ઉતરી
ટીનએજ કથાવાચક પાસે આવું કોણ બોલાવડાવી રહ્યું છે?
વીડિયોમાં એક વાત નોંધવા જેવી છે. જ્યારે લક્ષ્મી મુસ્લિમો વિશે આ નિવેદન આપી રહી હતી, ત્યારે તેણીએ બે-ત્રણ વાર નીચે જોયું, જાણે કંઈક લખેલું વાંચી રહી હોય. પ્રશ્ન એ ઊભો થાય છે: શું તેણીએ આ વાતો પોતે લખી હતી? કે કોઈએ તેને આ વાતો કહેવાનું કહ્યું હતું?
આ કથા યોગી યુવા બ્રિગેડ ધર્મ રક્ષા ટ્રસ્ટના રાજ્ય પ્રમુખ કુંવર અજય તોમર દ્વારા આયોજિત કરવામાં આવી હતી. મીડિયાએ જ્યારે અજય તોમરની ફેસબુક પ્રોફાઇલ ચેક કરી તો તેમણે 2 ઓક્ટોબરના રોજ બપોરે લક્ષ્મીના સમગ્ર નિવેદનની ક્લિપ શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું, “આજે, કથાના પાંચમા દિવસે, કથા વ્યાસ અને યોગી યુવા બ્રિગેડના રાજ્ય પ્રવક્તા, બાળ પ્રતિષ્ઠિત લક્ષ્મીજીએ, હિન્દુઓને મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવા અને દરેક ગામમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડ લગાવવા વિનંતી કરી.”
લક્ષ્મીએ મુસ્લિમો વિશે સ્ટેજ પરથી નફરત ફેલાવતી વાતો કરી
લક્ષ્મીના નિવેદનનો તે ભાગ સાંભળીએ જે સોશિયલ મીડિયા પર આવ્યો ન હતો. તેમાં, તેણી કહે છે, “કેટલાક મુસ્લિમો તેમના કાર્યને આગળ વધારવા અને તેમના પર વિજય મેળવવા માટે ગામોગામ જાય છે. કારણ કે ગામડાના લોકો સરળ હોય છે. તેઓ કેટલીક વસ્તુઓ વેચવાના બહાને આવે છે. કેટલાક કબાડ વેચવાના બહાને, કેટલાક કપડાં વેચવાના બહાને, કેટલાક શાકભાજી વેચવાના બહાને આવે છે. કોને ખબર આ લોકો જે વસ્તુઓ વેચવા આવે છે, તેની પાછળ તેમનો શું હેતુ હોય છે. કારણ કે સનાતનના લોકો એટલા ભોળા બનતા જઈ રહ્યાં છે કે, જો આપણે હજુ પણ સમજીશું નહીં કે ભારતમાં આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો ઘણું મોડું થઈ ગયું હશે.”
આ પણ વાંચો: દલિત અધિકારીની બે બ્રાહ્મણ યુવકોએ જાહેરમાં છરી મારી હત્યા કરી
‘આઈ લવ મોહમ્મદ’ વિવાદ વિશે શું કહ્યું?
લક્ષ્મીનો મુસ્લિમદ્વેષ આટલેથી જ નથી અટકતો, તેણી “આઈ લવ મોહમ્મદ” વિવાદ પર પણ નિવેદન આપે છે. તેણી કહે છે, તેઓ રસ્તા પર શું કરે છે? આઈ લવ મોહમ્મદ. પરંતુ જ્યારે ઢાબાની વાત આવે છે, ત્યારે તેઓ આપણા ભગવાનના નામે ઢાબા ચલાવે છે. ઘણાં બધાં સમાચાર આવ્યા છે. તેઓ શિવના નામે ઢાબા ચલાવી રહ્યા છે, તેઓ હનુમાનના નામે ઢાબા ચલાવી રહ્યા છે. રોડ પર આઈ લવ મોહમ્મદ લખે છે, પરંતુ જ્યારે પૈસા કમાવાની વાત આવે છે, ત્યારે તેઓ આપણા ભગવાનના નામનો ઉપયોગ કરે છે. આ મુસ્લિમો હિન્દુઓના ધર્મને ભ્રષ્ટ કરવા માટે ભોજનમાં પોતાનું થૂંક ભેળવી રહ્યા છે. ફળોમાં થૂંક મેળવે છે, પેશાબ ભેળવે છે. કોણ જાણે બીજું શું ભેળવે છે.
આ મુસ્લિમો ખૂબ દુષ્કર્મ અને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે. તેથી શક્ય તેટલા સતર્ક રહો, તમારે આ બધા વિશે જાણવું જોઈએ. કારણ કે આપણે જાણતા નથી કે આ બધા પાછળ કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ હોઈ શકે છે. શું ખબર, લોકોને માલ વેચવા મોકલવા પાછળનો હેતુ તેમના આખા ઘરની તપાસ કરવાનો હોઈ શકે છે, કોણ ક્યાં રહે છે, ઘરમાં કેટલા લોકો છે. અને પછી, આ બધા બહાના હેઠળ, તેઓ આપણી બહેનો અને દીકરીઓને પણ છેતરી શકે છે.”
જ્યારે લક્ષ્મી કથાના નામે આવા નિવેદનો આપી રહી હતી, ત્યારે તેની પાછળ એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું – ‘યોગી યૂથ બ્રિગેડ ધર્મ રક્ષા ટ્રસ્ટ.’ પોસ્ટરમાં ઉપર ડાબી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો પણ દેખાય છે.
આ પણ વાંચો: દિવસે ખેતમજૂરી રાત્રે વાંચન કરી આદિવાસી દીકરીએ NEET પાસ કરી











Users Today : 1724