અમદાવાદના ચાંદખેડા વિસ્તારના એક ફ્લેટના 14મા માળેથી કૂદીને આપઘાત કરનાર 21 વર્ષની દલિત યુવતી મોહિની(નામ બદલ્યું છે)ના મોત મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. મોહિનીએ તેના પ્રેમી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થઈ જવાના ડરથી આપઘાત કરી લીધો હતો. હાલ તેનો આ વીડિયો તેના પ્રેમી મોહિત અને તેના મિત્ર હાર્દિક રબારીના મોબાઈલમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે તપાસ ચાલી રહી છે. ત્યારે મામલે નવી વિગતો સામે આવી છે. એ મુજબ મોહિનીના પ્રેમી મોહિત અને તેના અન્ય મિત્રએ એક કાર ભાડે લીધી હતી અને તે કાર રૂપિયા માટે હાર્દિક પાસે ગીરવે મુકી હતી. બંને યુવકો આર્થિક ભીંસના કારણે હાર્દિકને રૂપિયા પરત કરી શકતા નહોતા અને હાર્દિક રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો હતો.
મોહિતના મોબાઈલમાંથી હાર્દિકે વીડિયો લઈ લીધો
એ દરમિયાન હાર્દિક રબારી ઉછીના આપેલા રૂપિયાની રિકવરી કરવા મોહિતને મળ્યો હતો. એ દરમિયાન તેણે મોહિતનો ફોન લઈ લીધો હતો અને તેમાં મોહિત અને મોહિનીનો અશ્લીલ વીડિયો હતો. જે હાર્દિકે પોતાના મોબાઈલમાં લઈ લીધો અને બાદમાં તેણે તે મોહિનીને પણ બતાવ્યો હતો. જેથી મોહિની ડરી ગઈ હતી. પોલીસને શંકા છે કે, હાર્દિકે આ મામલે મોહિનીને બ્લેકમેઈલ કરી હોઈ શકે છે. સમગ્ર મામલે હવે તપાસ ST/SC સેલને સોંપાય તેવી તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે, હજુ સુધી આરોપી હાર્દિક રબારી પોલીસ પકડથી દૂર છે. જેથી તેની ધરપકડ થાય તો આખો ભેદ ઉકેલાઈ જાય તેમ છે.
આ પણ વાંચો: ‘તારે ફોન રેકોર્ડ કરવો હોય તો કરી લે, હું તને પતાવી દઈશ?’
વીડિયો વાઇરલ થવાના ડરથી મોહિનીએ આપઘાત કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગત તા. 4 જુલાઈના રોજ અમદાવાદના ચાંદખેડામાં 21 વર્ષીય મોહિનીએ છત ઉપરથી છલાંગ મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર મામલામાં તેના વીડિયો પણ સામે આવ્યા હતા, પરંતુ પ્રાથમિક તપાસમાં તેણે પોતાનો અશ્લીલ વીડિયો વાઇરલ થવાના ડરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી હતી. જોકે, આ સમગ્ર કેસમાં નવો ટર્નિંગ પોઈન્ટ સામે આવે છે. કારણ કે તેણીની આત્મહત્યા પહેલાંનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે ઊંચાઈથી ડરતી હોય તેવું પણ લાગી રહ્યું છે. આ વીડિયો સહિત અનેક બાબતો તપાસને આગળ વધારવા માટે મહત્વનો માનવામાં આવે છે.
મોહિતે ભાડે લીધેલી કાર રૂપિયા માટે હાર્દિક પાસે ગીરવી મૂકી હતી
આ ઘટનામાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોહિનીના પ્રેમી મોહિત અને તેના મિત્રએ એક કાર ભાડે લીધી હતી અને આ ભાડે લીધેલી કાર રૂપિયા માટે હાર્દિકને ત્યાં ગીરવી મૂકી હતી. થોડા દિવસ બાદ હાર્દિકને ખબર પડી કે આ કાર મોહિતની નથી પરંતુ તેણે ભાડે લીધેલી છે, તેથી તે ગુસ્સે ભરાયો હતો. અને તેણે આપેલા રૂપિયા રિકવર કરવા માટે મોહિત અને તેના મિત્રને બોલાવ્યા હતા. એ દરમિયાન તેણે મોહિતનો ફોન લઈ લીધો હતો. જેમાં મોહિની સાથેનો મોહિતનો અશ્લીલ વીડિયો પણ હતો. તે સમયે હાર્દિકે મોહિતના ફોનમાંથી તે વીડિયો પોતાની પાસે લઈ લીધો હતો અને મોહિનીનો નંબર પણ મોહિત પાસેથી લીધો હતો. એ પછી તેણે મોહિનીને ફોન કરીને મળવા બોલાવી તેને વીડિયો બતાવ્યો હતો. જેના કારણે મોહિની ગભરાઈ ગઈ હતી અને વીડિયો વાયરલ થઈ જશે તેનો તેને ડર હતો. આથી તેણે આપઘાત કરી લીધો હોવાનું કહેવાય છે.
મોહિનીની આત્મહત્યા પાછળ હાર્દિક રબારી જવાબદાર?
મોહિનીને આ વીડિયો મોહિત પાસેથી હાર્દિક પાસે ગયો હોવાની જાણ થયા બાદ તેણે બંનેને વીડિયો મોબાઇલમાંથી ડિલિટ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ મોહિત હાર્દિકના મોબાઈલમાંથી આ વીડિયો ડિલીટ કરાવી શકે તેમ ન હોવાથી આનાકાની કરી રહ્યો હતો. આથી મોહિનીએ સોલા પોલીસને જાણ કરી હતી. એ પછી પોલીસે આવીને તેની હાજરીમાં જ મોહિતના મોબાઈલમાંથી વીડિયો ડિલીટ કરાવીને સમાધાન કરાવ્યું હતું.
પરંતુ મોહિતના મિત્ર હાર્દિક રબારી પાસે હજુ પણ તે વીડિયો હોવાથી મોહિની સતત ચિંતામાં રહેતી હતી. તેને ગમે ત્યારે વીડિયો વાયરલ થઈ જશે તેની ચિંતા રહેતી હતી. એમાં જ તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું કહેવાય છે. મોહિનીની આત્મહત્યા બાદ પણ હાર્દિક રબારી પોલીસ પકડથી દૂર છે. જેથી હાર્દિક આખી ઘટનાનો સૌથી મહત્વનો જાણકાર હોવાનું માનવામાં આવે છે. હાલ ચાંદખેડા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સાથે સોલા પોલીસ સ્ટેશનની તપાસ પણ ચાલી રહી છે. ત્યારે હવે આ કેસની તપાસ ST/SC સેલને સોંપવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: અશ્લીલ વીડિયો વાયરલ થવાના ડરે દલિત દીકરીએ 14મા માળેથી પડતું મૂક્યું