અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર હિંમતનગરની દલિત દીકરી પાયલ ખટીકની અંતિમક્રિયા તેના પરિવારની ઈચ્છા મુજબ તેના વતન રાજસ્થાનમાં કરવામાં આવી હતી. હિંમતનગરમાં વસતી પાયલનો પરિવાર મૂળ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ગોગુંદા ગામનો વતની છે. પાયલ બીટેક કરીને વધુ અભ્યાસ માટે લંડન જઈ રહી હતી.

પહેલી જ વાર તે પ્લેનમાં બેઠી હતી અને તે પ્લેન અમદાવાદમાં ક્રેશ થઈ જતા 241 મુસાફરો સાથે પાયલ ખટીકનું પણ મોત થઈ ગયું હતું. છેલ્લાં ઘણાં દિવસથી તેનો પરિવાર તેના ડીએનએ મેચ થવાની રાહ જોતો હતો. આખરે ડીએનએ મેચ થતા તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો અને પરિવારની ઈચ્છા અનુસાર તેના અંતિમ સંસ્કાર તેમના વતનમાં કરવામાં આવ્યા હતા.

અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું
પાયલનો મૃતદેહ ગુરૂવારે રાત્રે 2 વાગે અમદાવાદથી વતન મોકલવામાં આવ્યો હતો. પોલીસ વાહન, મામલતદારની જીપ, ઈનોવા અને એમ્બ્યુલન્સ સાથે કાફલો સવારે 8 વાગે રાજસ્થાનના ગોગુંદા ગામમાં આવેલી ખટીક કોલોનીમાં પહોંચ્યો હતો. અહીં સામાજિક રીતિ-રિવાજ મુજબ તેની અંતિમયાત્રા યોજાઈ હતી.

આ પણ વાંચો: Ahmedabad plane crash: જાણો અત્યાર સુધીમાં શું બન્યું

જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. પાયલનો મૃતદેહ ગોગુંદા આવી પહોંચતા આખો દલિતવાસ હિબકે ચઢ્યો હતો. તેની અંતિમયાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું હતું. ઉદેપુર ગ્રામ્યના ધારાસભ્ય ફૂલસિંહ મીણા, જિલ્લા ભાજપ પ્રમુખ પુષ્કરસિંહ તૈલી અને ગોગુંદા ગામના સરપંચ લક્ષ્મણસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકોએ મૃતક પાયલને અંતિમ વિદાય આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પહેલીવાર વિમાનમાં બેઠી અને પ્લેન ક્રેશ થતા મોત થયું
ઉલ્લેખનીય છે કે, પાયલ ખટીક હિંમતનગરના મહાવીરનગરમાં ગાયત્રી મંદિર રોડ પર આવેલા મીનાક્ષી વિલા ફ્લેટમાં રહેતી હતી. તેના પિતા ઓટોરિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમણે ભારે મહેનત કરીને પાયલને ભણાવી હતી. પાયલે બીટેક સુધીનો અભ્યાસ હિંમતનગર અને ઉદેપુરમાં પૂર્ણ કર્યો હતો અને એમટેક કરવા માટે લંડન જઈ રહી હતી ત્યારે વિમાન દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું હતું. 12 જૂને પરિવારજનો તેને અમદાવાદ એરપોર્ટ મૂકવા ગયા હતા. એર ઈન્ડિયાની ફ્લાઈટ લંડન તરફ ઉડાન ભરતી વખતે મેઘાણીનગરમાં ક્રેશ થઈ હતી. બુધવારે DNA ટેસ્ટ દ્વારા પાયલની ઓળખ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં દેવીપૂજક કિશોર મૃત્યુ પામ્યો છતાં વળતર ન મળ્યું










