Minority News: ગૌરક્ષાના નામે દેશમાં જાતિવાદી ગુંડાઓ દ્વારા મુસ્લિમો, દલિતોને માર મારવાની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ખાસ કરીને ભાજપસાશિત રાજ્યોમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. આવી જ એક ઘટનામાં ટોળાંએ એક મુસ્લિમ શખ્સને ગૌતસ્કર સમજીને માર મારી-મારીને તોડી નાખ્યો હતો પોલીસે આ મામલે 19 લોકો સામે FIR દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે.
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીંના અલીગઢ જિલ્લામાં કથિત ગૌરક્ષકોએ એક 45 વર્ષીય મુસ્લિમ શખ્સ પર ગૌતસ્કરીનો આરોપ લગાવી નિર્દયતાથી માર માર્યો. શરીફ કુરેશી હાલમાં ઘાયલ છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.
મામલો શું છે?
મીડિયા રિપોર્ટ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે શરીફ પોતાની મોટરસાઇકલ પર ભેંસનું માંસ લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેમને રોક્યા અને તેમના પર ગૌતસ્કરીનો આરોપ લગાવ્યો. એ નોંધવું જોઈએ કે ભારતમાં ગૌમાંસ વેચવા કે ખરીદવા પર પ્રતિબંધ છે. શરીફે આરોપ લગાવ્યો છે કે ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને માર મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેમણે શરીફને બચાવ્યા અને તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા. પોલીસના જણાવ્યા મુજબ, શરીફને ચહેરા, હાથ અને માથામાં ઈજા થઈ હતી. તે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચો: મુસ્લિમ યુવક-દલિત યુવતીના લગ્ન હિંદુ સંગઠને ન થવા દીધા
શરીફના નિવેદનના આધારે, પોલીસે હરદુઆગંજ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી. FIRમાં કુલ 19 લોકોના નામ છે, જેમાંથી સાતની ઓળખ થઈ ગઈ છે અને બાકીનાની ઓળખ હજુ બાકી છે. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે. સાથે જ, શરીફ પાસેથી મળેલા માંસના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
સર્કલ ઓફિસર રાજીવ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, બે આરોપીઓ શીલુ રાજપૂત અને અનુજની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. શરીફે તેના લાઇસન્સના આધારે 20-25 કિલો માંસ ખરીદ્યું હતું અને તેને પોતાની દુકાન પર લઈ જઈ રહ્યો હતો. શરીફની દુકાન હરદુઆગંજ વિસ્તારમાં છે. હુમલાખોરો પણ હરદુઆગંજના જ રહેવાસી છે.
શરીફ કુરેશીના પરિવારે શું કહ્યું?
શરીફ કુરેશી છેલ્લાં 20 વર્ષથી હરદુઆગંજ વિસ્તારમાં પોતાની દુકાન ચલાવી રહ્યાં છે. તે પરિણીત છે અને તેમને ચાર બાળકો છે. અહેવાલો અનુસાર, પરિવારના સભ્યો કહે છે કે કેટલાક લોકો છેલ્લાં કેટલાક સમયથી શરીફ પર નજર રાખી રહ્યા હતા. તેઓ તેમના આવવા-જવાના સમયથી વાકેફ હતા. આ લોકો મોકાની રાહ જોઈ રહ્યા હતા.
આ પણ વાંચો: પહેલાં ગુપ્તાંગ તપાસ્યું, ‘મુસ્લિમ’ હોવાનો ખ્યાલ આવતા હત્યા કરી!
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, શરીફના ભાઈ નદીમે કહ્યું, શનિવારે સવારે, મારો ભાઈ માંસ ખરીદવા ગયો હતો. તેની પાસે બધા દસ્તાવેજો હતા, પરંતુ જ્યારે તે પાછો ફરી રહ્યો હતો, ત્યારે કેટલાક લોકોએ તેને રસ્તામાં અટકાવ્યો. તેમણે તેના દસ્તાવેજો ફાડી નાખ્યા અને તેને માર મારવાનું શરૂ કર્યું. તેમણે તેના પર ગૌતસ્કરીનો આરોપ લગાવ્યો. તેઓએ તેના પર બંને હાથ અને પગથી હુમલો કર્યો અને તેની મોટરસાયકલ પણ તોડી નાખી.
નદીમે એમ પણ કહ્યું કે તેના ભાઈ પર હુમલો કરનારા કેટલાક લોકો બાઇક પર હતા અને કેટલાક કારમાં હતા. ઘટનાનો વીડિયો સામે આવ્યા પછી જ કેટલાક આરોપીઓની ઓળખ થઈ. નદીમે કહ્યું કે શરીફને કોઈના પ્રત્યે કોઈ ગંભીર દુશ્મનાવટ નહોતી.
આ પણ વાંચો: ગૌતસ્કર સમજી બે દલિત યુવકોને માથું મુંડી, 2 કિમી. સુધી ઘૂંટણિયે ચલાવ્યા










