“બધાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે…” આવો દાવો કોઈ કથિત વિધર્મીએ નહીં પરંતુ હિંદુ ધર્મમાં સૌથી વધુ આર્થિક તાકાત અને પાવર ભોગવતા સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ કર્યો છે. વીડિયો જૂનો છે પણ તે હાલ સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થતા હિંદુ ધર્મીઓની લાગણી દુભાઈ છે. વાયરલ આ વીડિયો રાજકોટ પાસેના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસજીનો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉત્પત્તિ, દેવો અને સંપ્રદાયની વ્યવસ્થા અંગે કેટલાક વિચિત્ર દાવા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જૂનો હોવાનું કહેવાય છે, પરંતુ હાલમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં સ્વામી નિત્યસ્વરૂપદાસજી કહી રહ્યા છે કે અનંત બ્રહ્માંડોમાં બ્રાહ્મણની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા તો સ્વામિનારાયણ ભગવાને અસંખ્ય ઊભા કરી દીધા છે. તેઓ એમ પણ કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના આવા અબજો મેનેજરો છે અને તેમના નાનામાં નાના મેનેજરો પાસે પણ લાખોની સંખ્યામાં અનુયાયીઓ હોય છે.
સ્વામી વધુમાં જણાવે છે કે સર્વશ્રેષ્ઠ અને પગભર મેનેજર મૂળ અક્ષર પછી આવે છે, ત્યારબાદ મહાપુરુષો અને પ્રધાન પુરુષો આ વ્યવસ્થાને આગળ વધારે છે. તેમના કહેવા મુજબ, ભગવાન સ્વામિનારાયણે શાખાઓ વધારતા વિરાટ પ્રધાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શંકર) જેવા દેવો બનાવ્યા. એટલું જ નહીં, આ શાખાઓ વધુ વધતાં ઇન્દ્ર અને તેત્રીસ કરોડ દેવતાઓ પણ તેમની શાખાઓના ભાગરૂપે અસ્તિત્વમાં આવ્યા. નિત્યસ્વરૂપદાસજી વીડિયોમાં એમ પણ કહેતા સંભળાય છે કે એક એક દેવની પાછળ લાખો અને કરોડોના ઝૂમખાં હોય છે, પરંતુ તેમનો ડાયરેક્ટ સ્વામિનારાયણ સાથે કોઈ સંપર્ક નથી હોતો.
ઉલ્લેખનીય છે કે નિત્ય સ્વરૂપ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા કથાકાર પણ છે. તાજેતરના સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના એક પછી એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે આ વધુ એક વીડિયો સામે આવતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. જો કે, આ વાયરલ વીડિયો જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમ છતાં, આ પ્રકારના નિવેદનોથી સંપ્રદાયના અનુયાયીઓમાં અને સામાન્ય લોકોમાં પણ ચર્ચા અને વિવાદનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી પર લોહાણા સમાજના ભેખધારી જલારામ બાપાનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો. જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા કેટલાક નિવેદનોને લઈને જલારામ બાપાના ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
Rajkot | સનાતન ધર્મ પર વધુ એક સ્વામિનારાયણ સંતનો બફાટ | Swami Narayan | Gujarat #Rajkot #SanatanDharm #Swaminarayan #NityaswarupDas #Gujarat #SandeshNews pic.twitter.com/CY3iSzeHkj
— Sandesh (@sandeshnews) March 30, 2025
જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતાના નિવેદનમાં એવો દાવો કર્યો હતો કે જલારામ બાપાને તેમના સદાવ્રત માટે ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. એટલું જ નહીં, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વીરપુર સાથે ગુણાતીતાનંદ સ્વામીનો એક ખાસ ઇતિહાસ જોડાયેલો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીની સેવા કરી હતી.
આ વિશે વાત કરતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે જલારામ બાપાએ કરેલી સેવાથી ગુણાતીતાનંદ સ્વામી ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેના કારણે જ તેમણે જલારામ બાપાને આશીર્વાદ આપ્યા હતા. જ્ઞાનપ્રકાશ સ્વામીનો દાવો એવો પણ હતો કે જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીની સેવા કરી હતી અને તેમને દાળ-બાટી ખવડાવી હતી.
Swaminarayan | સ્વામિનારાયણ સાધુ નિત્યસ્વરૂપ દાસે માગી માફી | Sanatan Dharm | Gujarat #Swaminarayan #SanatanDharm #NityaswarupDas #Apologizes #DisputeSpeech #Gujarat #SandeshNews pic.twitter.com/ImPZexyQoC
— Sandesh (@sandeshnews) March 31, 2025
જ્ઞાનપ્રકાશ સ્વામીના આ તમામ નિવેદનોને લઈને રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જલારામ બાપાના ભક્તોએ આ નિવેદનોને તેમનું અપમાન ગણાવ્યું હતું અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જ્ઞાનપ્રકાશ સ્વામીના આ દાવાઓએ વિવાદ જગાવ્યો હતો અને જલારામ બાપાના અનુયાયીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આ વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં વધુ એક સ્વામીજીનો વીડિયો વાયરલ થતા માંડ શાંત પડેલો વિવાદ ફરી ગરમાયો છે.
આ પણ વાંચો: સામાન અડતા દુકાનદારે માર્યો, દલિત બાળકે ગળેફાંસો ખાઈ લીધો