અમરેલીના લાઠી તાલુકાના જરખીયા ગામના દલિત યુવક નિલેશ રાઠોડની 15 જેટલા ભરવાડોએ કરેલી હત્યા મામલે પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા આજે અમરેલીના દલિત આગેવાનો દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી સામે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. એ દરમિયાન કાંતિભાઈ વાળા, વસંતભાઈ ચાવડા, દીપકભાઈ ઝાલા અને રમેશભાઈ ચૌહાણે શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા ઉપસ્થિત દલિત સમાજ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
મામલો શું હતો?
આજે 25 મે 2025ને રવિવારના રોજ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લાઠીના જરખીયા ગામના દલિત યુવક નિલેશ પરમારના પરિવારને ન્યાય અપાવવા મુદ્દે સમગ્ર અમરેલી જિલ્લામાંથી દલિત સમાજના 700થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. એ દરમિયાન અમરેલીના સામાજિક કાર્યકર કાંતિભાઈ વાળા, વસંતભાઈ ચાવડા, દીપકભાઈ ઝાલા અને રમેશભાઈ ચૌહાણે શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે હાજર પોલીસ અને દલિત સમાજના લોકોએ તેમને આત્મવિલોપન કરતા રોક્યા હતા. એ દરમિયાન પોલીસે આંદોલનકારીઓ ઉપર વોટરકેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ ચારેય કાર્યકરોને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને સારવાર દરમિયાન મુક્ત કરવામાં આવ્યા હતા.
ગુજરાતભરમાં હત્યાના પડઘા પડ્યાં
ઉલ્લેખનીય છે કે ગત 15 મે 2025નાં બપોરે લાઠીના જરખીયા ગામના દલિત યુવક નિલેશ રાઠોડે રોડ પર આવેલી દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના દીકરાને ‘બેટા’ શબ્દથી સંબોધન કર્યું હતું. જેના કારણે છોકરાના પિતા ચોથા ભરવાડે ઉશ્કેરાઈને નિલેશને જાતિસૂચક ગાળો ભાંડી માર માર્યો હતો. એ પછી 15 લોકોને બોલાવીને લાકડી અને કુહાડીથી હુમલો કર્યો હતો. જેમાં નિલેશને માથાના ભાગે કુહાડીના જીવલેણ ઘા વાગતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને આરોપીને કડક સજા મળે અને મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે માંગ ઉઠી છે.
આ પણ વાંચો: દારૂ પીવા પૈસા ન આપતા ગુંડાઓએ દલિત યુવકના કાન કાપી નાખ્યા
નિલેશનો મૃતદેહ અંતિમવિધિની રાહ જુએ છે
આજે મૃતક નિલેશ રાઠોડના પરિવારજનોને ન્યાય માટે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી 700થી વધુ દલિતો એકઠા થયા હતા. આંદોલનકારીઓએ રાજ્ય સરકાર સમક્ષ માંગણીઓ કરી હતી. જેમાં મૃતકના પરિવારમાંથી 1 વ્યક્તિને સરકારી નોકરી મળે, 5 એકર જમીન મળે, આરોપી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાય, તેમને પચાવી પાડેલી ગેરકાયદે જમીનો પરના બાંધકામો તોડી પાડવામાં આવે જેવી વિવિધ માંગ કરવામાં આવી છે. હાલ મૃતક નિલેશનો પરિવાર ન્યાયની આશાએ ભાવનગર હોસ્પિટલમાં તેના મૃતદેહના અંતિમ સંસ્કારની રાહ જોતો બેઠો છે.
ત્રણ દિવસ પહેલા નિલેશનું મોત થયું હતું
મૃતકના પરિવારજનોએ 16 મેના રોજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 15મી મેએ બપોરે બની હતી. ભરવાડોએ કરેલા હુમલામાં નિલેશ રાઠોડ ઇજાગ્રસ્ત થતાં પ્રથમ અમરેલી હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 3 દિવસ પહેલાં સારવાર દરમિયાન તેનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો.
પરિવારે લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે
ઘટનાની ગંભીરતા સમજી 10થી વધુ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ હત્યાની ઘટના બાદ અમરેલી રૂરલ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં મોટાભાગના આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ મૃતકની લાશ ભાવનગર હોસ્પિટલમાં છે, અને પરિવારે લાશ લેવાનો ઇનકાર કર્યો છે. હવે સમગ્ર ગુજરાતનો દલિત સમાજ મૃતક નિલેશ રાઠોડને ન્યાય અપાવવા તેની પડખે ઉભો રહી ગયો છે.
આ પણ વાંચો: અમરેલીમાં ભરવાડોએ કરેલા હુમલામાં જરખીયાના દલિત યુવકનું મોત