અમરેલી શહેરમાં દલિત યુવાન મહેશભાઈ રતિભાઈ ઝાલાની રાતના સમયે 01/10/2018 ના રોજ આજથી આઠ વર્ષ પહેલા અસામાજિક તત્વો દ્વારા છરીના ઘા મારી હત્યાના કરવામાં આવી હતી. આ ક્રૂર ઘટનાથી સમગ્ર અમરેલી પંથકના દલિતોમાં રોષ ફેલાયો હતો. હવે કોર્ટે આ કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતા મૃતકના પરિવારજનો અને દલિત સમાજે ન્યાય મળ્યાનો સંતોષ માન્યો છે.
ઘટના શું હતી?
આ ઘટનાની વિગત જોઈએ તો અમરેલી શહેરમાં અનુસૂચિત જાતિના 30 વર્ષના યુવાન મહેશભાઈ રતિલાલ ઝાલાની તારીખ ૧/૧૦/૨૦૧૮નાં રોજ રાત્રે પોણા બાર વાગે ત્રણ આરોપીઓ દ્વારા છરીના ઘા મારી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ મહેશભાઈ ઝાલાની હત્યા કરી નાસી છૂટ્યા હતા અને સુરતમાં સંતાઈ ગયા હતા. બીજી બાજુ આરોપીઓ ન પકડતા દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ધરપકડથી બચવા તમામ આરોપીઓની ગુનાના કામે તાત્કાલિક ધરપકડ કરી, ભોગ બનેલ પરિવારને ન્યાય મળે તે માટે ન્યાયીક કાનૂની કાર્યવાહી કરવા બાબતે અમરેલી જિલ્લા કલેકટર, ડી.એસ.પી. તેમજ મુખ્યમંત્રી, ડી.જી.પી. અને વડાપ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અમરેલી દલિત સમાજે ઉપવાસ આંદોલન કર્યું હતું
સમગ્ર અમરેલી અનુસૂચિત જાતિ સમાજ અને ભોગ બનનાર પીડિત પરિવાર સાથે માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર અને ધીરુભાઈ ખીટોલીયાની આગેવાનીમાં સરકારમાં ઉચ્ચ કક્ષાએ ન્યાય માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં, છાવણી નાખી આરોપીઓની ધરપકડની માગણી સાથે અમરેલી કલેકટર કચેરી સામે ભોગ બનેલ પરિવાર અને સમાજના આગેવાનોએ ઉપવાસ શરૂ કર્યા હતા.
આ પણ વાંચો: ‘આને પૈસાનો બહુ પાવર છે?’ કહી દલિત યુવક પર જાતિવાદીઓનો હુમલો
ગાંધી જયંતિની રાત્રે હત્યા કરી હતી
2જી ઓક્ટોબરને ગાંધી જયંતિની રાત્રે તા.૨/૧૦/૨૦૧૮ના રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૨૮/૨૦૧૮ થી મહેશભાઈ રતિલાલ ઝાલા નામના અનુસૂચિત જાતિના 30 વર્ષના યુવાનની ત્રણ વ્યક્તિઓ દ્વારા પેટ અને છાતીમા છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જેની ફરિયાદ મરનાર મહેશભાઈ ના પિતા રતિલાલભાઈ રામજીભાઈ ઝાલા દ્વારા નોંધાવવામાં આવેલ હતી. તારીખ ૧/૧૦/૨૦૧૮ના રોજ રાત્રે પોણા બાર વાગે અમરેલીના ચક્કરગઢ સર્કલ પર આવેલ દાનેવ પાનની દુકાન નજીક અનુસૂચિત જાતિ સમાજના 30 વર્ષનો યુવાન મહેશ રતિલાલભાઈ ઝાલાનું અમરેલીમાં રહેતા આરોપીઓ ચિરાગ ગિજુભાઈ ઠાકર, વનરાજ બાબુભાઈ ધાંધલ અને રણજીત ફતેસિંગ મોરી (તમામ રહે. અમરેલી) નામના શખ્સો દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
વારંવાર ફોન કરી આરોપીઓએ મૃતક યુવકને બહાર બોલાવ્યો હતો
આરોપીઓએ મહેશ ઝાલાના મોબાઈલ પર વારંવાર ફોન કરીને રાત્રે પોણા બાર વાગ્યે ચક્કરગઢ રોડ સર્કલ પર આવેલી દાનેવ પાનની દુકાને બોલાવ્યો હતો. જ્યાં અગાઉથી હાજર આરોપીઓએ મહેશભાઈ ઝાલાને મારી નાખવાનું કાવતરું ઘડી એકબીજાની મદદગારીથી છાતીમાં છરીના મરણતોલ ઘા મારી મોત નીપજાવેલ હતું. જે બાબતે આ ગુનાની ફરિયાદ મરનાર મહેશભાઈના પિતા રતિભાઈ ઝાલા દ્વારા અમરેલી સીટી પોલીસ સ્ટેશમાં સ્ટેશન ગુ.ર.નં ૧૨૮/૨૦૧૮ આરોપીઓ ચિરાગ ઠાકર અને બીજા બે વનરાજ ધાધલ અને રણજીત મોરી નામના શખ્શો વિરુદ્ધ આઈ.પી.સી. ૩૪,૫૦૪,૩૦૭,૩૦૨, અને એસસી-એસટી એક્ટ ૩(૧) (r)(s), ૩(૨)(૫) મુજબ નોંધાવેલ હતી.
મૃતકના પરિવારે ન્યાય માટે છેલ્લે સુધી લડત આપી
આ કેસ જિલ્લા સેસન્સ કોર્ટ અને સ્પેશલ એટ્રોસિટી કોર્ટ અમરેલી ખાતે ચાલી જતા તા. 30/06/2025 ના રોજ મુખ્ય આરોપી ચિરાગ ગિજુભાઈ ઠાકરને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે. આ કેસમાં મૃતકના પિતા અને ફરિયાદી રતિલાલભાઈ ઝાલાનું ચાલુ કેસમાં ઉંમરસહજ મોત થયું હતું. બાદમાં પરિવારે આ કેસમાં મક્કમતાથી લડત આપી, સતત જાગૃત રહી, કોર્ટમાં દરેક મુદતે હાજર રહી, કેસનું નિયમિત ફોલોઅપ લઈ, પોતે વ્યવસ્થિત મજબૂત જુબાની આપી અને સાક્ષીઓ પાસે પણ મજબૂત જુબાની અપાવડાવી તૈયાર કર્યા. મરનાર મહેશભાઈના ભાઈ દીપકભાઈ ઝાલા અને વિધવા હંસાબેન રતિલાલ ઝાલા દ્વારા કોઈપણ લોભ, લાલચમાં આવ્યા વગર કે ડર રાખ્યા વગર કેસ લડ્યા હતા અને આરોપીને સજા કરાવી હતી.
અમરેલી કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
અમરેલી જિલ્લામાં આ પહેલો કેસ છે, જેમાં દલિત સમાજના યુવકની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા થઈ હોય. એ રીતે આ કેસનો ચૂકાદો ઐતિહાસિક છે. અનેકવાર આરોપીઓ દલિત સમાજના લોકોની હત્યાના કેસમાં ફરીથી મારી નાખવાની ધમકી આપી કેસ રફેદફે કરાવવા પ્રયત્નો કરતા હોય છે. પણ મહેશ ઝાલાના પરિવારજનો ડગ્યા કે ડર્યા નહોતા. આખરે તેમને ન્યાય મળ્યો છે. આ સમગ્ર કેસમાં કાનૂની માર્ગદર્શન અને મદદ માનવાધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર પુરી પાડવામાં આવી હતી.
આ પણ વાંચો: ચોરીની શંકાએ અનાથ આદિવાસી બાળકીના ચહેરા પર ડામ દીધાં