અંકલેશ્વરમાં ભાજપના નેતાના પુત્રને 25 જેટલા વિદ્યાર્થીઓના ટોળાંએ કાર પર વસાવા લખેલું ન હટાવતા રસ્તામાં આંતરીને માર માર્યો હતો. આ મામલે ભારે હોબાળો મચી જતા ગઈકાલે 500થી વધુ લોકોનું ટોળું જીઆઈડીસી પોલીસ સ્ટેશને એકઠું થઈ ગયું હતું અને આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવા માંગ કરી હતી. આખરે પોલીસે તેમની માગ સ્વીકારીને કાર્યવાહી શરૂ કરી છે.
મામલો શું હતો?
આ ઘટનાની મળતી માહિતી મુજબ, અંકલેશ્વર જીઆઇડીસીમાં ઝઘડિયાના ભાજપના નેતાના પુત્રએ પોતાની ફોરચ્યૂનર કારની નંબર પ્લેટ પર ‘વસાવા’ લખ્યું છે. જેની સામે કેટલાક જાતિવાદી વિદ્યાર્થીઓની ગેંગને વાંધો હતો. આ મામલે અંકલેશ્વર જીઆઇડીસીના વિદ્યાર્થીઓના જૂથે નેતાના પુત્રને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ તેને પહેલાં ધામ રોડની પી.પી. સવાણી કોલેજમાં માર માર્યો હતો, ત્યારબાદ તે ઘરેથી પરત ફરતો હતો ત્યારે ફરી જીઆઇડીસીમાં આંતરીને માર માર્યો હતો. સોમવારે બનેલી આ ઘટનાની મારામારીનો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો: ભાજપ નેતાએ દલિત એન્જિનિયરને કેમેરા સામે જૂતાથી માર માર્યો
એ પછી મંગળવારે મોડી સાંજે આદિવાસી સમાજના 500થી વધુ લોકોનું ટોળું જીઆઇડીસી પોલીસ સ્ટેશને પહોંચી ગયું હતું અને આરોપીઓ સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. આખરે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતાં ટોળુ વિખેરાઇ ગયું હતું.
અરજી આપી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરીઃ ફતેસિંહ વસાવા
અગાઉ ઝઘડિયા બેઠક પરથી કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલાં અને હાલ ભાજપમાં જોડાયેલાં ફતેસિંહ વસાવાના જણાવ્યાં અનુસાર તેમનો પુત્ર તનુજ ધામ રોડ પાસે આવેલી પી.પી. સવાણી કોલેજમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તે કોલેજમાં ફોરચ્યૂનર કાર લઇને જાય છે અને તેની નંબર પ્લેટ પર ‘વસાવા’ લખેલું છે.
કોલેજમાં અભ્યાસ કરતાં અંકલેશ્વર જીઆઇડીસીના વિદ્યાર્થીઓનું જૂથ છેલ્લા ચાર મહિનાથી તેને નંબર પ્લેટ પરથી વસાવા શબ્દ દૂર કરવા માટે દબાણ કરી રહ્યું હતું. સોમવારના રોજ તનુજને જીઆઇડીસી ગ્રુપના 25 થી વધારે વિદ્યાર્થીઓએ કોલેજમાં માર માર્યો હતો. એ પછી તેમનો પુત્ર કોલેજથી કોસમડી સ્થિત ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે ફરી તેને અંકલેશ્વરની ESIC હોસ્પિટલ પાસે આંતરીને ગાડીમાંથી નીચે ઉતારીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી નહિ થતાં મંગળવારે ફરી તેને કોલેજમાં ધમકાવવામાં આવ્યો હતો.
પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી
ફતેસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, “મારા પુત્ર પર બે વખત હુમલો થતાં મંગળવારે અમે 500 લોકો જીઆઇડીસી પોલીસ સ્ટેશન આવ્યાં હતાં અને અરજી નહીં પણ એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. અમે કુશ ગઢીયા, ગોપાલ ભરવાડ, દીપ શિયાલ, મંથન પટેલ સહિતના ટોળા સામે ફરિયાદ આપી છે. પોલીસે એટ્રોસિટી એકટ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.”
આ પણ વાંચો: મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિત યુવકની ટોળાએ હત્યા કરી











