જાતિવાદના એપી સેન્ટર ઉત્તરપ્રદેશના કાનપુર (Kanpur) માં આંતરજાતીય લગ્નને લઈને વધુ એક મારામારીની ઘટના બની છે. અહીં કાનપુરના મહારાજપુરમાં જાતિ વિવાદે હિંસક વળાંક લીધો. રૈદાસ સમાજ (Dalit Community) ના એક યુવકે બે વર્ષ પહેલાં યાદવ સમાજ (OBC Community) ની છોકરી સાથે લગ્ન કર્યા હતા, જ્યારે તે પોતાના પરિવાર સાથે લગ્નની વિધિ પૂર્ણ કરવા માટે ગામમાં પહોંચ્યો, ત્યારે યાદવ સમાજના લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને હુમલો કરી દીધો હતો.
ઘટના લક્ખાપુરવા (Lakkhapurwa Village) ગામમાં બની હતી, જ્યાં દલિત યુવક અને તેના પરિવારને મંદિરમાં પૂજા કરતા અટકાવવામાં આવ્યા હતા. યાદવ સમાજના લોકોએ કહ્યું કે જ્યારે લગ્ન બે વર્ષ પહેલા થયા હતા, તો હવે ધાર્મિક વિધિઓ કરવાનો શો અર્થ છે. આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર લડાઈ થઈ હતી, જેમાં અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા.
પીડિત પક્ષ તરફથી જીતેન્દ્રએ જણાવ્યું કે તેના ભાઈના પ્રેમ લગ્ન થયા હતા અને તેમને એક બાળક પણ છે. પરિવારમાં લગ્નની વિધિ હજુ બાકી હતી, જેના માટે સંબંધીઓ પણ આવ્યા હતા. પરંતુ યાદવ સમાજના લોકોએ તેમને પૂજા કરતા અટકાવ્યા હતા, એટલું જ નહીં બધાંનો પીછો કરીને માર પણ માર્યો.
મહારાજપુર પોલીસે અડધો ડઝન લોકો સામે SC-ST એક્ટ અને હુમલાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જના જણાવ્યા અનુસાર, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા કોર્ટમાં પહોંચેલા મુસ્લિમ યુવકને હિંદુ સંગઠનોએ માર્યો