આપણો દેશ આઝાદ થયાને આજકાલ કરતા 77 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ દેશમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર થતા નથી. લોકો તંત્ર-મંત્ર દ્વારા પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે તાંત્રિક વિધિઓ કરી રહ્યાં છે. આવી જ એક ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું છે. મહિલાને બાળક થતું ન હોવાથી તે તાંત્રિક પાસે ગઈ હતી. તાંત્રિકે તેને વિધિ કરવાના નામે ટોઈલેટનું ગંદુ પાણી પીવડાવી ગળું દબાવ્યું હતું, જેના કારણે મહિલાનું મોત થઈ ગયું હતું. હવે પોલીસે તાંત્રિક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ભૂતપ્રેતનો વળગાડ ભગાડવાનું કહી 1 લાખમાં સોદો કર્યો
ઘટના ઉત્તરપ્રદેશના આઝમગઢના કંધારપુર પોલીસ સ્ટેશનના પહેલવાનપુર ગામની છે. બલિરામ યાદવની 35 વર્ષીય પુત્રી અનુરાધાના લગ્ન 18 વર્ષ પહેલાં નઇપુરા ગામના રહેવાસી રણજીત યાદવ સાથે થયા હતા. અનુરાધાને કોઈ સંતાન નહોતું. તે પોતાનાં પતિ સાથે હરિયાણામાં રહેતી હતી. થોડા દિવસ પહેલાં પતિ તેને તેનાં મામાના ઘરે મૂકીને હરિયાણા સારવાર માટે ગયો હતો. એ દરમિયાન અનુરાધાની માતા તેને ગામનાં એક તાંત્રિક પાસે લઈ ગઈ. તાંત્રિકે ભૂતપ્રેતનું નડતર હોવાનું કહી અનુરાધાને રૂપિયા 1 લાખમાં સાજા કરવાનો સોદો કર્યો હતો. પરિવારનાં સભ્યોએ જણાવ્યું હતું કે તેણે તાંત્રિકને 22,000 રૂપિયા આપ્યાં હતાં.
આ પણ વાંચો: ઈંડા ઉધાર ન આપતા દલિત પરિવાર પર 8 લોકોનો હુમલો, 7 ઘાયલ
મહિલાને શૌચાલયનું ગંદુ પાણી પીવડાવી ગળું દબાવતા મોત થયું
ત્રણ દિવસ પહેલા તાંત્રિકે ફોન કર્યો હતો અને મોડી સાંજે અનુરાધા તેની માતા સાથે તેનાં ઘરે પહોંચી હતી. તાંત્રિકે પોતાનાં ચાર-પાંચ સાથીઓ સાથે તંત્ર-મંત્રની શરૂઆત કરી હતી. એ દરમિયાન તેણે અનુરાધાના વાળ પકડ્યા અને તેને મારવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેને પ્રેતનો વળગાડ હોવાનું કહીને શૌચાલયમાંથી ગંદુ પાણી લાવીને પીવડાવી તેનું ગળું લાંબા સમય સુધી દબાવી રાખ્યું હતું. જેના કારણે અનુરાધાની હાલત ખરાબ થઈ ગઈ. જેના કારણે અનુરાધાને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લઈ જવી પડી હતી. જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. આ પછી તાંત્રિક મૃતદેહ લઈને તેનાં ઘરે આવ્યો હતો. મૃતદેહ મંદિરની સામે મૂકવામાં આવ્યો હતો. તેણે અનુરાધાની માતાને કહ્યું કે તે થોડી વારમાં ભાનમાં આવી જશે. ત્યારબાદ તે ભાગી છૂટ્યો હતો. જો કે, પોલીસ તેને ગમે ત્યાંથી પકડી લેશે તે ડરે તાંત્રિક જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
બહુજન સમાજે આ ઘટનામાંથી શું શીખ લેવી?
બહુજન સમાજે આ ઘટનામાંથી એટલું જ શીખવાનું કે, ભૂતપ્રેત, મંત્રતંત્ર, ભૂવાભારાડીથી કદી કોઈ મનોકામના પૂર્ણ થતી નથી. આ નર્યો ઢોંગ છે અને પૈસા કમાવાની સાધન છે. કહેવાતા તાંત્રિકો, બાવાઓ ભોળા લોકોની અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવીને વિધિના નામે તેમને છેતરતા હોય છે. જો કોઈ વ્યક્તિ વિચિત્ર વર્તન કરતું હોય, તો તેને માનસિક બિમારી હોવાની શક્યતા વધુ છે. વળગાડ જેવું કશું હોતું નથી. માટે વહેલીતકે તેને ડોક્ટર પાસે લઈ જઈને સારવાર કરાવવી જરૂરી છે. માટે આવા કહેવાતા ઢોંગી તાંત્રિકો, બાવા, સાધુઓથી દૂર રહો એમાં જ સૌની ભલાઈ છે.
આ પણ વાંચો: અમરેલીના જશવંતગઢમાં સવર્ણોએ ગટરના પાણી દલિતવાસમાં વાળ્યા
Hello Sir
આમાં મેં સ્ક્રીન પર SavvScore એપ ની જાહેરાત જોઈ… એ ટોટલી ફ્રોડ છે. એના દ્વારા સ્કેમર લોકો સુધી પહોંચે છે અને ફ્રોડ થાય છે… આ એપ playstore પર પણ ઉપલબ્ધ છે… તો request છે બધાને કે આવી કોઈ એપ ડાઉનલોડ નાં કરે અને સ્કેમર ને આમંત્રિત નાં કરે… Playstore પર આપેલા બધા review પણ ફેક છે… કોઈ પણ એપ ડાઉનલોડ કર્યા પહેલા એના વિશે યૂટ્યુબ કે ગૂગલ પર અધ્યયન કરી લેવું જરૂરી… આ પ્લેટફોર્મ પર પણ કોઈ એડ આપતા પહેલા એના વિશે જીણવટ થી અધ્યયન કરી લેવો જરૂરી… કેમ કે આ પ્લેટફોર્મ પર આપણા જ સમાજ ના લોકો છે… અને આમાં ઘણા લોકો ને તો ગુજરાતી પણ મુશ્કેલ થી ફાવતું હશે… પણ એ લોકો તમારા પર વિશ્વાસ રાખીને આગળ પ્રોસેસ પણ કરી શકે… તો કૃપા સમાચાર અને જાણવા જેવું આપવાની સાથે સાથે લોકોને સાક્ષર રાખવા અને સાવચેત અને સુરક્ષિત રાખવા માટે પણ મારી તમને વિનંતી છે…
જય ભીમ
🙏🏻☝️🙏🏻
અડીખમ સમાજ✊