ડૉ.બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં અનામત વ્યવસ્થા વંચિત, શોષિત, પીડિત લોકોના ઉત્થાન માટે દાખલ કરાવી હતી. પરંતુ સવર્ણ હિંદુઓએ કદી દલિતો, આદિવાસીઓ, ઓબીસીને તેનો પુરો લાભ લેવા દીધો નથી. ઉલટાનું જાહેરમાં અનામતને ધિક્કારીને આ જ લોકો છાનામાનાં નકલી દલિત, આદિવાસી, ઓબીસી પ્રમાણપત્રો કઢાવીને ગરીબોના હક ખાઈ જતા શરમાતા નથી. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. જ્યાં એસીપી તરીકે ફરજ બજાવતા બી.એમ.ચૌધરી નકલી આદિવાસી પ્રમાણપત્ર પર એસીપી સુધી પહોંચી ગયા હોવાનો કેસ દાખલ થયો હતો. હવે તેમની સામે ગુનો દાખલ થતા તેઓ ગાયબ થઈ ગયા છે.
સુરતમાં કે ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજાવતા બી.એમ.ચૌધરીએ 1993માં પીએસઆઇ પોસ્ટીંગ મેળવતી વખતે OBC હોવા છતાં ST(અનુસૂચિત જનજાતિ)નું જાતીય પ્રમાણ પત્ર મૂક્યું હતું. જે મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરાવામાં આવ્યો છે. ગુનો દાખલ થતાંની સાથે જ ACP ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ તેમને શોધી રહી છે.
ગાંધીનગરથી કાર્યવાહી થતા ભૂગર્ભમાં ઉતરી ગયા
ACP બી.એમ.ચૌધરીને રાજ્ય પોલીસ વડાએ 21 મે, બુધવારે ડિસમિસ ર્કરવાનો હુકમ કર્યો હતો. ACP બી.એમ. ચૌધરી વિરુદ્ધ જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી અને બઢતી મેળવવાના મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી છે. આ સમગ્ર કેસમાં સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ રાજ્ય તકેદારી આયોગ ગાંધીનગર સુધીની કાર્યવાહી બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે અધિકારી પાયાની ન્યાયિક તપાસની દિશામાં વધી રહ્યો છે.
મામલો ક્યાંથી શરૂ થયો હતો?
આ સમગ્ર મામલો 7 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો, જ્યારે આદિજાતિ વિકાસ ટ્રસ્ટ, ગોધરાના પ્રમુખ પ્રવીણભાઈ પારગી દ્વારા ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બાપુભાઈ ચૌધરીએ ખોટા પુરાવા ઊભા કરીને અને અધિકારીઓને ગેરમાર્ગે દોરીને પોતાને અનુસૂચિત જનજાતિનો જાહેર કરીને જાતિ પ્રમાણપત્ર મેળવ્યું છે. ફરિયાદને પગલે ગુજરાત તકેદારી આયોગના પત્ર અનુસાર આ મામલો તા. 23/03/2021ના રોજ નાયબ પોલીસ અધિક્ષક, વિજિલન્સ સેલ, ગાંધીનગરને તપાસ અર્થે સોંપાયો હતો. બાદમાં વિજિલન્સ સેલ, ગાંધીનગર દ્વારા ચૌધરીને પત્ર લખી જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હતું.
આ પણ વાંચો: એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આઘાતજનક ચૂકાદો
સમાજ કલ્યાણ અધિકારીને જાણ કરાઈ હતી
આ ફરિયાદના પગલે રાજ્ય સરકારે સુરત વિજીલન્સ સેલને તપાસ સોંપી હતી. વિજીલન્સ વિભાગે પોતાનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. બાદમાં આ મામલો 2024માં વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ સુધી પહોંચ્યો હતો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રામકુવા ગામે રહેતા તથા હાલ પીપલોદ ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નરોત્તમ ગામિતને આ બાબતે પત્ર દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
ચૌધરી સાહેબ એક પણ પુરાવો રજૂ કરી શક્યા નહીં
વિભાગીય વિશ્લેષણ સમિતિ, સુરત અને વિજિલન્સ સેલ, સુરત દ્વારા ફરીથી તપાસ હાથ ધરી અને અનેક વખત કુલ 15 વખત ચૌધરીને લેખિતમાં આર.પી.એ.ડી. પત્રો મોકલવામાં આવ્યા હતા. તેઓને શાળા છોડ્યાના પ્રમાણપત્ર, વયપત્રક, પિતાનું અને ભાઈ-બહેનનું એલ.સી., જમીનના દસ્તાવેજો, પેઢીનામું વગેરે તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા લખાયું હતું. છતાં, તા.25/10/2021, તા.12/11/2021, તા.06/05/2022, તા.04/07/2022, તથા તા.26/07/2022ના પત્રો પછી પણ તેઓએ કોઇ પુરાવા રજૂ કર્યા નહોતા. એમને વધુ મુદત આપવા છતાં કોઇ સહયોગ મળ્યો ન હતો.
વિજિલન્સ સેલ, સુરત દ્વારા વિવિધ તબક્કે – તા. 15/07/2021થી 30/09/2024 સુધીની અંદર કુલ 12 વખત તથા વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા 3 વખત એમ કુલ 15 વખત પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવી હતી. છતાં પણ બાપુભાઈ ચૌધરી દ્વારા જરૂરી દસ્તાવેજો કે પુરાવા રજૂ કરવામાં ન આવ્યા. તેથી, વિજિલન્સ સેલે સ્પષ્ટ અભિપ્રાય જાહેર કર્યો છે કે, બાપુભાઈ મોતીભાઈ ચૌધરીનું જિલ્લા પંચાયત સુરત દ્વારા તા.26/07/1990ના રોજ ઇસ્યુ થયેલું જાતિ પ્રમાણપત્ર રદ કરવું જોઈએ.
જવાબદાર અધિકારીઓએ શું કહ્યું?
એસીપી ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, વિભાગીય વિશ્લેષણ સમિતિ, સુરત દ્વારા તમામ દસ્તાવેજો, અરજદારના નિવેદનો તથા વિજિલન્સ સેલના તપાસ અહેવાલ આધારે પરિણામ પર પહોંચવામાં આવ્યું છે કે, બાપુભાઈ ચૌધરીએ ખોટું જાતિ પ્રમાણપત્ર મેળવી રાજ્યના પોલીસ વિભાગમાં બોગસ રીતે બઢતી મેળવી છે, આ રિપોર્ટના આધારે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.
આ પણ વાંચો: દલિતનો દીકરો જજ બનતા જાતિવાદીઓએ કાવતરું રચી સસ્પેન્ડ કરાવ્યો
સુરતના સંયુક્ત કમિશનરે વિભાગીય વિશ્લેષણ સમિતિના હુકમના આધારે આ મામલે વધુ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના આધારે આદિજાતિ વિકાસ ટ્રસ્ટના પ્રમુખે ફરીથી આરોપ લગાવ્યો કે, ACP ચૌધરીએ ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને નિમણૂક અને બઢતી મેળવી છે. આ કેસની તપાસ ગાંધીનગર વિજીલન્સ સેલને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારી ચૌધરીને જાતિ પ્રમાણપત્ર, એલ.સી., અને અન્ય આધારભૂત દસ્તાવેજો 10 દિવસની અંદર રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. જે યોગ્ય સમય મર્યાદામાં રજૂ ન કરતા આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: આદિવાસી મિત્રની ડિગ્રી પર સવર્ણ યુવક ડોક્ટર બની ગયો