Honor Killing: ભારતમાં જ્ઞાતિ-જાતિના વાડાઓને કારણે આંતરજાતિય લગ્નો કરતા યુગલોની હત્યાઓ વધી રહી છે. ગઈકાલે કર્ણાટકમાં એક લિંગાયત યુવતીની દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરવા બદલ તેના પિતાએ જ ગર્ભવતી હોવા છતાં હત્યા કરી નાખી હતી. આવી જ વધુ એક ઘટના યુપીમાંથી સામે આવી છે, જ્યાં એક મુસ્લિમ યુવતીએ દલિત યુવકને પ્રેમ કરતી હોવાથી તેના પિતા, ભાઈ અને ફુવાએ મળીને તેની ઘાતકી રીતે હત્યા કરી નાખી છે.
પરિવારના પુરૂષોએ હત્યા કરી કબ્રસ્તાનમાં દાટી દીધી
ઘટના યુપીના બાગપતની છે. જ્યાં સોનિયા નામની એક મુસ્લિમ યુવતીની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. હત્યારા બીજા કોઈ નહીં પરંતુ તેના સગા પિતા, ભાઈ અને ફુવા છે. પોલીસે તેના ભાઈની ધરપકડ કરતા આખો મામલો સામે આવ્યો હતો. આરોપીઓએ પહેલા સાનિયાના મોંમાં કપડું ઠૂંસી દીધું હતું, બાદમાં બધાંએ મળીને તેનું ગળું દબાવી દીધું હતું. સાનિયા પોતાનો જીવ બચાવવા તરફડિયા મારતી રહી પરંતુ પરિવારમાંથી કોઈનું પણ હૃદય પીગળ્યું નહોતું
આ પણ વાંચો: ‘મેરા સક્ષમ મર કે ભી જીત ગયા, મેરે પિતા-ભાઈ હાર ગયે..’
સગા પિતા, ભાઈ, ફુવાએ મળી હત્યા કરી
સાનિયાની ક્રૂરતાથી હત્યા કરનારાઓમાં તેના સગા પિતા, ભાઈ, પિતરાઈ ભાઈ, કાકા, ફુવા અને પિતરાઈ ભાઈનો સમાવેશ થાય છે. સાનિયાની હત્યા કર્યા પછી, પરિવારે તેણીને દફનાવી દીધી, અને દાવો કર્યો કે અચાનક બીમારીથી તે મૃત્યુ પામી છે. પરંતુ, જ્યારે પોલીસે સોનિયાના મૃતદેહને બહાર કાઢ્યો, ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બધું જ બહાર આવ્યું, અને સનસનાટીભરી હત્યા પ્રકાશમાં આવી.
દલિત યુવકને પ્રેમ કરવાની સજા મળી
તમને થતું હશે કે, સોનિયાએ એવું શું કર્યું હતું જેના કારણે તેના પોતાના જ પરિવારજનો જલ્લાદ બની ગયા અને તેને મોતને ઘાટ ઉતારી દીધી? સોનિયાનો એકમાત્ર ગુનો એ હતો કે તેણે પ્રેમમાં જાતિ-ધર્મ નહોતો જોયો. તે સાગર નામના એક દલિત યુવકના પ્રેમમાં પડી હતી. તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેના પરિવારે લગ્ન પહેલા જ તેને દફનાવી દીધી હતી.
હત્યા કરીને લાશ કબ્રસ્તાનમાં દાટી દીધી
આ સનસનાટીભર્યો કિસ્સો બાગપત જિલ્લાના દોઘટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પાલડા ગામમાં પ્રકાશમાં આવ્યો હતો. અહીં સોનિયા નામની એક યુવતીની હત્યા કરીને દફનાવી દેવામાં આવી હતી. સોનિયા તે જ ગામના રહેવાસી સાગરના પ્રેમમાં હતી. જોકે, સોનિયાના પરિવારે તેમના સંબંધનો વિરોધ કર્યો હતો. જ્યારે સોનિયા ન માની ત્યારે તેઓએ તેની હત્યા કરી નાખી.
આ પણ વાંચો: ક્યાંથી ભણે ગુજરાત? 2.40 લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડ્યું
પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી
આ ભયાનક ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સાગરના પિતાએ પોલીસને ફોન કરીને હત્યાની જાણ કરી. માહિતી મળતાં જ પોલીસ હરકતમાં આવી અને 26 જુલાઈ, 2025 ના રોજ, સાનિયાના મૃતદેહને કબ્રસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યો. આનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. પોલીસે આ કેસમાં સંડોવાયેલા સાનિયાના પરિવારના લોકોની ધરપકડ કરી. જોકે, તેનો પિતરાઈ ભાઈ આરિસ ભાગી ગયો હતો. પણ બાદમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. નોંધનીય છે કે પોલીસે આ કેસમાં છ આરોપીઓને જેલમાં ધકેલી દીધા છે.
દલિત યુવક સાગરને પણ માર માર્યો
સોનિયાના પરિવારે દલિત યુવક સાગરને પણ ખૂબ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જોકે, સાગર હિંમત હાર્યો નહોતો અને સોનિયાએ તેને ટેકો આપ્યો હતો. આખરે, પરિવારે તેમની પુત્રી સોનિયાની હત્યા કરી દીધી. પોલીસે આ કેસમાં મુખ્ય વ્યક્તિ રહેલા એરિસની ગાઝિયાબાદથી ધરપકડ કરી છે. તેના પર 25,000 રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. આ ઘટનાએ ઓનર કિલીંગને લઈને વધુ ચિંતા પેદા કરી છે.
આ પણ વાંચો: બહેને દલિત યુવક સાથે લગ્ન કરતા ભાઈઓએ 5 ગોળી મારી દીધી










