‘સૈરાટ’ ફિલ્મ જેવી ઘટનાઃ મુસ્લિમ પ્રેમિકાની હત્યા, દલિત પ્રેમી ગુમ

Honor Killing : દલિત યુવક અને મુસ્લિમ યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા. પણ યુવતીના પરિવારને સંબંધ મંજૂર નહોતો. એ પછી જે થયું તે ભયાનક હતું.
baghpat honor killing

Honor Killing : જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં ઓનર કિલીંગ(honor killing)ની એક એવી ઘટના સામે આવી છે, જેણે નાગરાજ મંજુળેની ફિલ્મ ‘સૈરાટ’ (Sairat movie)ની યાદ અપાવી દીધી છે. યુપીના બાગપત(baghpat)માં બનેલી આ ઘટના કોઈપણ સંવેદનશીલ માણસને હચમચાવી નાખે તેવી છે. સમાજની જાતિવાદી માનસિકતા અને નકલી આબરૂના નામે વધુ એક પ્રેમ યુગલનો જીવ લઈ લીધો છે. વાત સાનિયા(Sania) અને સાગર(sagar)ની છે. બંને એકબીજાને પ્રેમ કરતા હતા. સાનિયા મુસ્લિમ પરિવારમાંથી હતી અને સાગર દલિત સમાજમાંથી હતો. બંનેની અલગ જાતિ તેમના મોતનું કારણ બની ગઈ.

‘સૈરાટ’ ફિલ્મ જેવી ઓનર કિલીંગની ઘટના

આ ઘટના બાગપતના દોઘટ પોલીસ સ્ટેશનના પાલડા ગામની છે. સાનિયા ગામના એક વગદાર મુસ્લિમ પરિવારની દીકરી હતી. જ્યારે સાગર ગામના એક દલિત મજૂરનો પુત્ર હતો. સાગર હિમાચલ પ્રદેશમાં એક ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો અને તહેવારોમાં ગામમાં આવતો હતો. જ્યારે સાગર તહેવારમાં ગામમાં પરત ફર્યો ત્યારે તેની અને સાનિયાની આંખો મળી ગઈ. બંને વચ્ચે મળવાનું શરૂ થયું અને સમય જતાં ધીમે ધીમે તેમનો સંબંધ પ્રેમમાં ફેરવાઈ ગયો. પરંતુ સમાજ, ધર્મ અને જાતિના બંધનોમાં બંધાયેલા લોકો તેમના સંબંધને સ્વીકારી શક્યા નહીં.

ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પકડાઈ ગયા

મળતી માહિતી મુજબ, બંનેએ ઘણી વખત પરિવારથી છુપાઈને એકબીજાને મળવાનો અને ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લી વખત જ્યારે તેઓ ગામમાંથી ભાગી ગયા ત્યારે સાનિયાના પરિવારે તેમને રસ્તામાં જ પકડી લીધા હતા. એ પછી સાગરને ખૂબ માર મારવામાં આવ્યો અને અર્ધ-મૃત હાલતમાં ક્યાંક ફેંકી દેવામાં આવ્યો. જ્યારે સાનિયાને ઘરે લઈ જઈને પહેલા ઢોર માર મારવામાં આવ્યો અને પછી ઓશિકાથી મોં દબાવી ગૂંગળાવીને હત્યા કરી દેવામાં આવી.

આ પણ વાંચોઃ દલિત એન્જિનિયર યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં દાતરડાથી કાપી નાખ્યો

baghpat honor killing

હત્યા છુપાવવાનો પ્રયાસ કરાયો

સાનિયાની હત્યા પછી તેના મૃતદેહને ગામના કબ્રસ્તાનમાં ચૂપચાપ દફનાવી દેવામાં આવ્યો. ગામ મુસ્લિમ બહુમતી હોવાથી બે દિવસ સુધી કોઈએ કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નહીં અને મામલો સંપૂર્ણપણે દબાવી દેવામાં આવ્યો.

સાગરના પિતાએ પોલીસ ફરિયાદ કરતા ભાંડો ફૂટ્યો

આ બાજુ સાગરના કોઈ સમાચાર ન મળતા તેના પિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. ઘણી શોધખોળ પછી પણ પુત્ર ન મળતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે પોતાના જીવને પણ જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે મામલાની ગંભીરતાને સમજીને તપાસ શરૂ કરી. કેટલાક શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી. અંતે પૂછપરછ દરમિયાન જે ખૂલાસો થયો તેનાથી સૌ ચોંકી ગયા.

આ પણ વાંચોઃ પ્રેમ પ્રકરણમાં દલિત યુવકની ક્ષત્રિયોએ ગળું કાપી હત્યા કરી

સાનિયાની હત્યાની કબૂલાત કરી, સાગરનો હજુ કોઈ પત્તો નહીં

પોલીસે અટકાયતમાં લીધેલા કેટલાક શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન સમગ્ર હત્યા કેસના રહસ્ય પરથી પડદો ખૂલ્યો. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ સાનિયાની હત્યાની કબૂલાત કરી લીધી. કબૂલાત બાદ, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સાનિયાની કબર ખોદી મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ, દલિત યુવક સાગર હજુ પણ ગુમ છે અને તેના વિશે કોઈ પગેરું મળ્યું નથી. જેના કારણે મામલો વધુ પેચિદો બન્યો છે.

આ પણ વાંચોઃ દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીનું પિતાએ માથું વાઢી નાખ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x