જૂનાગઢમાં 11 થી 14 એપ્રિલ દરમિયાન બહુજન સાંસ્કૃતિક મેળો યોજાશે

જૂનાગઢમાં BSP દ્વારા આગામી 11 થી 14 એપ્રિલ દરમિયાન ભવ્ય બહુજન સાંસ્કૃતિક મેળાનું આયોજન કરાયું છે. ચાર દિવસ સુધી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે.
junagadh Bahujan Cultural Fair

સૌરાષ્ટ્રની ઐતિહાસિક ધરતી જૂનાગઢના ઇતિહાસમાં વર્ષ 2026નું આ વર્ષ એક સુવર્ણ પ્રકરણ સમાન સાબિત થવા જઈ રહ્યું છે. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી તેમજ સ્ત્રી શિક્ષણના પ્રણેતા અને સત્યશોધક સમાજના સ્થાપક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતીના પાવન અવસરને યાદગાર બનાવવા માટે બહુજન સમાજ પાર્ટી ગુજરાત દ્વારા એક અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. ‘બહુજન સાંસ્કૃતિક મેળા – 2026’ ના નામે ઓળખાનારો આ ચાર દિવસીય મહોત્સવ સોમનાથ સોસાયટી, બીલખા રોડ, પાદરીયા મુકામે યોજાશે.

આ મેળો માત્ર મનોરંજન કે મેળાવડો નથી, પરંતુ સમાજના દબાયેલા-કચડાયેલા વર્ગના ઉત્થાન માટે જે મહાપુરુષોએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું, તેમના બલિદાન અને ક્રાંતિકારી વિચારોને આધુનિક યુવા પેઢી સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ બની રહેશે.

junagadh Bahujan Cultural Fair

આ પણ વાંચો: મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?

જ્યોતિબા ફૂલેના જન્મદિનથી 14મી એપ્રિલ સુધી કાર્યક્રમ ચાલશે

આ સાંસ્કૃતિક ઉત્સવનો પ્રારંભ 11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિરાવ ફૂલેના જન્મદિવસથી થશે. પ્રથમ રાત્રિએ ‘ભીમ સંધ્યા’ અંતર્ગત ભવ્ય ભજન કાર્યક્રમ યોજાશે. જેમાં બહુજન સાહિત્યકાર વિશન કાથડ, વિખ્યાત ભીમ ભજનિક દિનેશ વાણવી અને ચંદ્રેશભાઈ પરમાર પોતાની કલા દ્વારા સમાજને જાગૃત કરશે. ત્યારબાદ 12 એપ્રિલે બીજી રાત્રે સાહિત્યકાર દિનેશ ગોહેલ, પ્રખ્યાત કલાકાર શોભનાબેન દાફડા અને ચંદ્રેશભાઈ પરમારના સૂર રેલાશે. ત્રીજા દિવસે એટલે કે 13 એપ્રિલની રાત્રે લોકસાહિત્યકાર રતિલાલ બારોટ, ભીમ ભજનિક અશોક શ્રીમાળી અને યુવા પ્રતિભા પ્રદીપ મહાવદીયા શ્રોતાઓને બહુજન મિશનરી ગીતો અને ક્રાંતિકારી પ્રસંગોથી મંત્રમુગ્ધ કરશે. આ તમામ રાત્રિ કાર્યક્રમો રાત્રે 10:00 વાગ્યે શરૂ થશે અને મોડી રાત સુધી જ્ઞાનની સરવાણી વહેશે.

junagadh Bahujan Cultural Fair

14મી એપ્રિલે ભીમ ગરબા યોજાશે

મેળાના સમાપન દિવસે એટલે કે 14 એપ્રિલના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે એક અનોખા ‘ભીમ ગરબા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં ગુજરાતભરના તમામ અગ્રણી મહિલા મંડળો, સામાજિક મહિલા સંગઠનો અને મહિલા નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. બાબા સાહેબે સ્ત્રીઓને જે અધિકારો આપ્યા છે, તેનું ઋણ અદા કરવાના પ્રતીક રૂપે આ ભીમ ગરબા રમાશે. ગરબાના માધ્યમથી સામાજિક એકતા, અખંડિતતા અને સમાનતાનો પાવન સંદેશ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવશે. આ કાર્યક્રમમાં ગરબા પ્રેમી ભાઈઓ અને બહેનો શિસ્તબદ્ધ રીતે જોડાઈને ઉત્સવની શોભા વધારશે.

junagadh Bahujan Cultural Fair

આ પણ વાંચો: એ પુસ્તક જે વાંચીને Dr. Ambedkar ચોધાર આંસુએ રડ્યા હતા

બહુજન સમાજ પાર્ટી દ્વારા આયોજન કરાયું

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બી.એન. મકવાણાજીના સીધા માર્ગદર્શન હેઠળ એક મજબૂત ટીમ કાર્યરત છે. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ધુણાભાઈ ભાંખોરજી, રમેશભાઈ પટેલ, અશોકભાઈ ચૌહાણ (એડવોકેટ – રિટાયર્ડ IPS) અને ભગુભાઈ પરમાર જેવા દિગ્ગજ આગેવાનો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજકોએ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના બહુજન પ્રેમી જનતાને અપીલ કરી છે કે, તેઓ આ મેળામાં માત્ર એક મુલાકાતી તરીકે નહીં પણ મિશનરી સાથી તરીકે જોડાય. આપના પરિવાર, મિત્રો અને સાથી કાર્યકર્તાઓને સાથે લાવી આ વિચારધારાના યજ્ઞમાં આહુતિ આપે.

junagadh Bahujan Cultural Fair

ચાર દિવસ ‘જય ભીમ, જય ફૂલે’નો નાદ ગુંજશે

જૂનાગઢના પાદરીયામાં યોજાનારો આ મેળો સામાજિક પરિવર્તનની એક નવી લહેર જગાવશે. મેળાના સ્થળે મહાપુરુષોના જીવનના મહત્વના પ્રસંગો દર્શાવતા પ્રદર્શનો, ભીમ સાહિત્યના સ્ટોલ્સ અને બહુજન સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ આકર્ષણો રાખવામાં આવ્યા છે. કાર્યક્રમનું સંચાલન કુશળ એનાઉન્સર ગુણવંત બારોટ દ્વારા કરવામાં આવશે, જ્યારે સમગ્ર આયોજનનું સંચાલન ચંદ્રેશભાઈ પરમાર સંભાળી રહ્યા છે. આ ચાર દિવસ દરમિયાન જૂનાગઢ ‘જય ભીમ’ અને ‘જય ફૂલે’ના નાદથી ગુંજી ઉઠશે. આ મહોત્સવ બહુજન સમાજની એકતાનું પ્રતીક બની રહેશે અને ભવિષ્યમાં આવા આયોજનો માટે પ્રેરણારૂપ બનશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફૂલે દંપતીને ‘ભારત રત્ન’ આપવાની માંગ તેજ બની

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
BALVANT H CHAVDA
BALVANT H CHAVDA
4 hours ago

Jay bhim namo badhay

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x