Ahmedabad News: અમદાવાદના વિરાટનગરમાં ગઈકાલે બજરંગદળના કાર્યકરોએ બે મુસ્લિમ યુવકોને કોઈ જ કારણ વિના ઢોર માર માર્યો હતો. વિરાટનગર વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરોએ મુસ્લિમ યુવકોને અહીં કેમ બેઠા છો? કહીને તેમના ફોન ચેક કરી ફટકાર્યા હતા. તોફાન મચાવ્યા પછી તેઓ રોડ પર બેસીને બસ રોકીને ટ્રાફિકજામ કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બજરંગદળ જેવા સંગઠનોની વધતી દાદાગીરી અને કાયદો વ્યવસ્થાની ઢીલી પકડ મુદ્દે ચર્ચા છેડી દીધી છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે બે મુસ્લિમ યુવકો ગેરેજમાં બાઈક લેવા માટે આવ્યા હતા. એ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ તેમને રોકીને તેઓ છોકરીની રેકી કરતા હોવાની શંકા રાખી ગડદાપાટુનો માર માર્યો હતો, જેમાં એક યુવકનું ટી-શર્ટ પણ નીકળી ગયું હતું. તો સામે બન્ને યુવકે પણ કેટલાક કાર્યકરો સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને પોલીસ કર્મચારીને ગાડીમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધા હતા. બનાવને કારણે રસ્તા પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. નિકોલ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: વાંસદામાં આદિવાસી વિદ્યાર્થીઓ મહિના પછી પણ પાઠ્યપુસ્તકોથી વંચિત
યુવકને ‘અહીં કેમ બેઠો કહી માર માર્યો?’
મળતી માહિતી મુજબ, ગોમતીપુરમાં રહેતો 23 વર્ષીય આયમઅલી શેખ એમબીબીએસનો અભ્યાસ કરે છે. 19 જાન્યુઆરીના બપોરના સમયે તે એક્ટિવા લઈને તેના મિત્ર નદીમ અંસારી સાથે વિરાટનગર બ્રિજના છેડે આવેલા ગેરેજ ખાતે ગયો હતો. જોકે, ગેરેજ બંધ હોવાથી થોડીવાર રાહ જોઈને તે વિરાટનગર બ્રિજની નીચે બેઠો હતો. આ સમયે બજરંગ દળના સાતથી આઠ કાર્યકરો આવ્યા હતા, જેમણે અહીંયા કેમ બેઠો છે? તેમ જણાવી બંનેના ફોન ચેક કર્યા હતા. બાદમાં બંનેને ગડદાપાટુનો માર માર્યો હતો, જેથી બંને ત્યાંથી ભાગી ગયા હતા અને 112 નંબર પર ફોન કરતા પોલીસની ગાડી પણ આવી હતી.

બજરંગ દળના કાર્યકરોએ પોલીસે સામે પણ મારામારી કરી
બંને યુવકો જ્યારે પોલીસને જે જગ્યાએ મારામારી થઈ તે બતાવતા હતા, ત્યારે બે-ત્રણ યુવકે તેમને પકડીને ગાળો આપી હતી અને મારામારી કરી હતી. આ અંગે આયમઅલીએ બાબા ગોસ્વામી, જીતુ ચૌહાણ, વિશાલ રાજપૂત, રવિન્દ્ર રાજપુત, સાહિલ ભદૌરીયા અને અન્ય ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: આંબેડકર હોલની દિવાલ તોડી જાતિવાદીઓએ અંદર દુકાનો બનાવી!
બજરંગ દળના કાર્યકરોએ પણ ફરિયાદ નોંધાવી
આયમ અલી સાથે જ્યારે મારામારી થઈ હતી, ત્યારે આયમ અલી અને તેના મિત્રએ પણ બજરંગ દળના કાર્યકરોને માર્યા હતા. આ અંગે બજરંગ દળના કાર્યકરોએ આયમ અને તેના મિત્ર વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવી છે. નિકોલ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે. પોલીસે કેટલાક આરોપીઓને રાઉન્ડ અપ પણ કરી લીધા છે.
બજરંગ દળના કાર્યકરોએ રોડ પર બેસી ટ્રાફિકજામ કર્યો
આ ઘટના દરમિયાન પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે બજરંગ દળના કાર્યકરોએ પોલીસને પણ ગાડીમાં બેસાડીને રવાના કરી દીધા હતા અને કાર્યકરો રસ્તા પર બેસી બસ રોકીને ચક્કાજામ કર્યો હતો. જેના કારણે ભારે ટ્રાફિકજામ થયો હતો અને લોકોના ટોળા પણ ભેગા થયા હતા.
આ મામલે ઝોન 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, બનાવ બનતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી છે.
આ પણ વાંચો: બગોદરામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને ફટકારતા હોસ્પિટલ ખસેડાયો











