જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં એક દલિત યુવકની સમોસાને લઈને હોટલ માલિક દ્વારા હત્યા કરી નાખવામાં આવી છે. મામલો બારાબંકીનો છે. જ્યાં એક દલિત યુવક હોટલમાં સમોસા લેવા માટે ગયો હતો. એ દરમિયાન તેના ભાવને લઈને માથાકૂટ થતા હોટલ માલિક અને તેના સાગરિતોએ દલિત યુવક પર લોખંડના સળિયા સહિતના હથિયારોથી જીવલેણ હુમલો કરી દીધો. આ હુમલામાં દલિત યુવક ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.
સમોસા માટે મામલો હત્યા સુધી પહોંચી ગયો
યુવકનું મોત થતા પરિવારજનો અને ગામલોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે મૃતક યુવકનો મૃતદેહ રસ્તા વચ્ચે મૂકીને રોડ રોકીને ચક્કાજામ કરી દીધો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ હોટલમાં તોડફોડ પણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ આસપાસના પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમજાવટ કરી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ એ પછી પણ મામલો શાંત ન થતાં પોલીસ સર્કલ ઓફિસર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું, ત્યારબાદ જ મૃતકના પરિવારજનો અને ઉશ્કેરાયેલા ટોળું શાંત પડ્યું હતું. હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: એક જાગૃત દલિત યુવકને સરપંચ બનતો રોકવા કેવા કાવાદાવા થયા?
બારાબંકીની કંચનપુર ચોકડી પાસેની ઘટના
આ ઘટના ગુરુવાર, 14 ઓગસ્ટ 2025 ના રોજ બારાબંકીના ટિકૈતનગર પોલીસ સ્ટેશનની કંચનપુર ચોકડી પર બની હતી. અહીં નાનાપુર માજરા મિયાંગજ ગામનો રહેવાસી 25 વર્ષીય દલિત યુવક સંદીપ સમોસા લેવા માટે એક હોટલમાં ગયો હતો. જ્યાં હોટલના માલિક બાબુલાલ સાથે પૈસાની લેવડદેવડને લઈને વિવાદ થયો હતો.
હોટલ માલિકે લોખંડના સળિયાથી જીવલેણ હુમલો કર્યો
આરોપ છે કે હોટલ માલિક બાબુલાલે સંદીપને લોખંડના સળિયાથી નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે તેની પીઠના હાડકાં તૂટી ગયા હતા અને તેના શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે પરિવારને ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ ઘટનાસ્થળે દોડી ગયા અને ઘાયલ સંદીપને પહેલા દરિયાબાદ પોલીસ સ્ટેશન લઈ ગયા, ત્યાંથી તેમને ટિકૈતનગર પોલીસ સ્ટેશન જવાનું કહેવામાં આવ્યું. તેમણે ટિકૈતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં.
મૃતકના પરિવારે મૃતદેહ રસ્તા વચ્ચે મૂકી રોડ બ્લોક કર્યો
એ દરમિયાન ગંભીર રીતે ઘાયલ સંદીપને તેનો પરિવાર પહેલા સીએચસી ટિકૈતનગર લઈ ગયો અને પછી એક ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કર્યો. જ્યાં સોમવાર, 18 ઓગસ્ટ 2025 ની રાત્રે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સંદીપના આવા અણધાર્યા મોત બાદ તેનો પરિવાર અને ગ્રામજનો ગુસ્સો ભરાયા હતા અને મંગળવાર 19 ઓગસ્ટની સવારે કંચનપુર નજીક સંદીપનો મૃતદેહ મૂકીને દરિયાબાદ-ટિકૈતનગર રોડ બ્લોક કરી દીધો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ હોટલમાં પણ તોડફોડ કરી હતી.
પોલીસે કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો
ઘટનાની જાણકારી મળતા જ દરિયાબાદ, ટિકૈતનગર અને બડોસરાય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરિસ્થિતિ વધુ વણસતી જોઈને CO પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. એ પછી મૃતક સંદીપના પરિવારજનો અને ગામલોકો શાંત થયા હતા. એ પછી પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
આ પણ વાંચો: પાટણના દાત્રાણામાં સરપંચ સહિત 14 લોકોએ દલિત પર હુમલો કર્યો
તમારી ઔકાત નબળા વર્ગો નાં શોષણ સુધી જ સીમિત છે?