ઉત્તરપ્રદેશના લખનઉમાં આવેલી એક કંપનીએ તેના દલિત કર્મચારીઓના નામ પર 100 કરોડથી વધુની બેનામી જમીન ખરીદી હોવાનું સામે આવ્યું છે. ઈન્કમ ટેક્સ વિભાગે હવે આ કંપની સામે કાર્યવાહી કરીને તેની 20 જેટલી સંપત્તિઓ જપ્ત કરી છે. લખનઉમાં આવકવેરા વિભાગે BBD ગ્રુપ સામે સકંજો કસ્યો છે અને બેનામી મિલકત પ્રતિબંધ કાયદા હેઠળ કાર્યવાહી કરીને કંપનીની અંદાજે રૂ. 100 કરોડથી વધુની મિલકતો જપ્ત કરી છે. આ મિલકતોમાં અયોધ્યા રોડની આસપાસ આવેલી ઘણી મહત્વપૂર્ણ જમીનોનો સમાવેશ થાય છે. આ જમીનો 2005 થી 2015 ની વચ્ચે લગભગ 8 હેક્ટરમાં ખરીદવામાં આવી હતી.
દલિત કર્મચારીઓના નામે 100 કરોડની જમીન ખરીદી
આવકવેરા વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે જે જમીનો ખરીદવામાં આવી હતી તે મુખ્યત્વે ઉત્તરધોના, જુગ્ગૌર, ટેરાખાસ, સરાયશેખ અને સેમરા ગામોમાં આવેલી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ તમામ જમીનો BBD ગ્રુપમાં કામ કરતા દલિત કર્મચારીઓના નામે નોંધાયેલી હતી. જેથી જો કોઈ કાર્યવાહી થાય તો પણ દલિત કર્મચારીઓ જેલમાં જાય અને કંપનીના માલિકોને કશું ન થાય.
આ પણ વાંચો:કૌભાંડી જજ યશવંત વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી થશે!
આ મિલકતોની કુલ કિંમત આશરે 100 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, જે બેનામી મિલકતોની વાત કરવામાં આવી રહી છે તેના વાસ્તવિક માલિકો બીબીડી ગ્રુપના વડા અલકા દાસ અને તેમના પુત્ર વિરાજ સાગર દાસ છે.
અયોધ્યા રોડ પરની અનેક મિલકતો જપ્ત કરાઈ
આ મિલકતો બે કંપનીઓ વિરાજ ઇન્ફ્રાટાઉન અને હાઇટેક પ્રોટેક્શન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે નોંધાયેલી હતી. જપ્ત કરાયેલી મિલકતોમાં લખનૌના ઝડપથી વિકસતા વિસ્તારોમાં સ્થિત અયોધ્યા રોડ પરના અનેક મહત્વપૂર્ણ પ્લોટનો સમાવેશ થાય છે. હાલમાં આ પ્લોટો પર મોટા પાયે બાંધકામ ચાલી રહ્યું છે, જે બીબીડી ગ્રુપના વિવિધ પ્રોજેક્ટ્સનો ભાગ હોવાનું કહેવાય છે.
આવકનો કાયદેસર સ્ત્રોત નહોતો તેવા કર્મચારીઓના નામે જમીન ખરીદી
બેનામી સંપત્તિ પ્રતિબંધ યુનિટ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી પહેલા આવકવેરા વિભાગે ઘણા મહિનાઓ સુધી વિગતવાર તપાસ અને પુરાવા એકત્ર કર્યા હતા. તપાસ દરમિયાન, એ સ્પષ્ટ થયું કે સંબંધિત મિલકતો એવા વ્યક્તિઓના નામે નોંધાયેલી હતી જેમની પાસે આવકનો કોઈ કાયદેસર સ્ત્રોત નહોતો. જેથી આટલી મોંઘી મિલકતો ખરીદવી શક્ય બને. આવકવેરા વિભાગે બેનામી મિલકત પ્રતિબંધ અધિનિયમ 1988 હેઠળ આ મિલકતો જપ્ત કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ડિમોલિશન અટકાવવા ભાજપ કોર્પોરેટરે 4 લાખ લીધા?