Dalit News: બેંગ્લોર યુનિવર્સિટી(Bangalore University)ના દલિત પ્રોફેસરો(Dalit professors)એ કુલપતિને પત્ર લખીને સામુહિક રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. તેમનો આરોપ છે કે નિમણૂકોમાં જાતિના કારણે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે અને તેમને સર્વિસના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ પત્ર 2 જુલાઈના રોજ કુલપતિ પ્રોફેસર ડૉ. જયકરા શેટ્ટી(Vice-Chancellor Professor Dr. Jayakara Shetty)ને લખાયો હતો. આ પત્રમાં 10 પ્રોફેસરોએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી શિક્ષણની સાથે વહીવટી ભૂમિકાઓ ભજવી રહ્યા છે, પરંતુ તેમને સાઈડલાઈન કરી દેવામાં આવી રહ્યા છે. તેમને ફક્ત સુપરવાઇઝરી કામ આપવામાં આવી રહ્યું છે. તેમણે યુનિ.ના આ પગલાને દલિત પ્રોફેસરો સામે ભેદભાવપૂર્ણ નીતિ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.
દલિત પ્રોફેસરોએ શું આરોપ લગાવ્યો?
પ્રોફેસરોએ પત્રમાં એમ પણ કહ્યું હતું કે અગાઉ યુનિવર્સિટી તેમને તેમના વહીવટી કાર્ય માટે અર્ન્ડ લીવ (EL) એન્કેશમેન્ટ અથવા વળતર આપતી હતી, જે હવે કોઈ કારણ વગર બંધ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટી દ્વારા અમારી ફરિયાદોને અવગણવામાં આવી રહી છે. દલિત પ્રોફેસરોએ કહ્યું છે કે, જો તેમની માંગણીઓ એક અઠવાડિયામાં પૂર્ણ નહીં થાય, તો તેઓ તેમના વહીવટી પદ પરથી સામુહિક રાજીનામું આપી દેશે. પત્ર પર સહી કરનારાઓમાં પ્રો. સોમશેખર સી (ડિરેક્ટર, આંબેડકર રિસર્ચ સેન્ટર), પ્રો. વિજયકુમાર એચ ડોડ્ડામણી (ડિરેક્ટર, બાબુ જગજીવન રામ રિસર્ચ સેન્ટર), પ્રો. નાગેશ પીસી (ડિરેક્ટર, સ્ટુડન્ટ્સ વેલ્ફેર), પ્રો. કૃષ્ણમૂર્તિ જી (સ્પેશિયલ ઓફિસર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ), પ્રો. સુદેશ વી (કોઓર્ડિનેટર, પીએમ-ઉષા) અને પ્રો. મુરલીધર બીએલ (ડિરેક્ટર, સેન્ટર ફોર ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીએ શિક્ષકની બોટલમાંથી પાણી પીતાં આંગળીઓ ભાંગી નાખી
અમારી સાથે એક સુનિયોજિત ષડયંત્ર ચાલે છેઃ દલિત પ્રોફેસરો
પ્રોફેસરો કહે છે કે તેમનું પગલું ફક્ત વ્યક્તિગત ફરિયાદો વિશે નથી, પરંતુ વાજબી માંગણીઓથી વંચિત કરી દેવા સામે છે. એક પ્રોફેસરે કહ્યું, ‘અમને યુનિવર્સિટી દ્વારા આ પદોનો સંપૂર્ણ ચાર્જ આપવામાં આવ્યો નથી અને અમે EL માટે હકદાર નથી. ભલે અમે કોઈપણ પુરસ્કાર વિના અમારો સમય આપી રહ્યા હોઈએ. આ દલિત પ્રોફેસરોને બાજુ પર રાખવાનો એક વ્યવસ્થિત પ્રયાસ છે. વારંવાર લેખિત ફરિયાદ છતાં કોઈ પ્રતિભાવ મળ્યો નથી.’
બેંગ્લોર યુનિ.એ ગોળગોળ જવાબ આપ્યો
બીજી તરફ, બેંગ્લોર યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, ‘યુનિવર્સિટી માને છે કે કોઓર્ડિનેટર, ડિરેક્ટર, સ્પેશિયલ અધિકારીઓ, મુખ્ય વોર્ડન અને સ્ટડી સેન્ટરના અધ્યક્ષ જેવા ફેકલ્ટી સભ્યો મહત્વપૂર્ણ વહીવટી ભૂમિકાઓ ભજવી રહ્યા છે, જે વિભાગના અધ્યક્ષોની જવાબદારીઓ સમાન છે. તેમની ભૂમિકાઓને આવશ્યક સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ તેમના વિભાગો અને કેન્દ્રોના કાર્ય માટે સમાન રીતે જવાબદાર છે.’
આમ યુનિવર્સિટીએ ગોળગોળ જવાબ આપ્યો છે, પરંતુ દલિત પ્રોફેસરો સાથે થઈ રહેલા ભેદભાવ બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. એનો એક અર્થ એવો પણ થઈ શકે કે, દલિત પ્રોફેસરોએ જે મુદ્દો ઉઠાવ્યો છે, તેમાં દમ છે. જો યુનિ. ખરેખર આ બાબતે પારદર્શક હોય, તો તેણે આ બાબતે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ. પણ હજુ સુધી એવું થયું નથી.
આ પણ વાંચો: પંજાબ સરકારે રાજ્યમાં દલિતોની રૂ. 68 કરોડની લોન માફ કરી