લોકોને મોહમાયા ત્યજી સાદું જીવન જીવવાની સલાહ આપતા કથિત સાધુ-સંતો જ્યારે તેમને પોતાને ધન-વૈભવનો ત્યાગ કરવાનો આવે ત્યારે કેવી ગંદી રમતો રમતા હોય છે તેના અનેક દાખલા આપણે જોયા છે. કહેવાતા સાધુ-સંતો ગાદીઓના વારસ બનવા માટે વિરોધીઓ પર હુમલા કરતા પણ ખચકાતા નથી. કેટલાક તેનાથી પણ આગળ વધી જઈને વિરોધીઓ સામે કોર્ટે ચડે છે. તો કોઈ વળી વિરોધીઓના ચરિત્ર પર હુમલો કરે છે.
અમદાવાદના ભારતી આશ્રમનો વિવાદ હોય કે પછી સતાધારની જગ્યાનો મામલો હોય, આ દરેક મામલામાં કહેવાતા સંતો ટ્રસ્ટની માલિકીની કરોડોની સંપત્તિના વારસદાર બનવા માટે રાજકારણીઓને પણ શરમાવે તેવા કરતૂતો કરે છે. આવો જ એક વિવાદ જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરનો છે, જે ફરીથી ચર્ચામાં છે.
જૂનાગઢ ગિરનાર ક્ષેત્રની સાન્નિધ્યમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિરના મહંતનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેમાં બનાસકાંઠા અને ગીર સોમનાથ જિલ્લાના મહંતોએ પુરાવા સાથે કલેક્ટરને પત્ર દ્વારા માંગ કરી છે કે હાલના મહંત હરીગીરીની મુદત આગામી તા. 31 જુલાઇના પૂર્ણ થતી હોવાથી, નવા મહંતની નિમણૂક સરકારી નિયમ મુજબ નહીં પરંતુ ગુરૂ શિષ્ય પરંપરા પ્રમાણે કરવામાં આવે.
ગીર સોમનાથના ધોકડવાના બાલા હનુમાનજી મંદિરના મહંત કૌશિકપરી અને ડીસાના ધનાવાડા મંદિરના મહંત અમરગીરી દ્વારા જૂનાગઢ કલેકટર અનીલ રાણાવસીયાને લેખિત પત્ર દ્વારા જણાવાયું છે કે ગુરૂ શિષ્યની પરંપરાનો સિલસિલો 60 વર્ષથી ચાલ્યો આવે છે. જયારે છેલ્લા મહંત હરિગીરીની નિમણૂંક ગુરૂ શિષ્યની પરંપરા મુજબ કરવામાં આવી નથી. કેમ કે તેમની નિમણૂંક તત્કાલિન કલેક્ટરે કરી હતી. આ મહંતનું કહેવું છે કે, તેમની નિમણૂંકથી જગ્યાના સીધી લીટીના કાયદેસર વારસદાર હકકનો ભંગ થયો છે. કાયદેસર વારસાઇ હકક દર વખતે આપની કચેરીમાં જમા કરીએ છીએ. હરીગીરીની નિમણૂંક જ ગેરકાયદેસર છે. તેને હવે હટાવી ગુરૂ શિષ્યની પરંપરા જાળવી નવા મહંત મૂકવા જોઇએ.
આ પણ વાંચો: પેટ માટે રોટલો, રોટલા માટે જમીન, જમીન માટે ઝૂઝવાનું
ઉલ્લેખનીય છે કે, ભવનાથ મંદિરના મહંત હરીગીરી અનેક વિવાદોમાં સપડાયેલા છે. અગાઉ અન્ય સાધુઓને જાણ કર્યા વિના તેમને તત્કાલીન કલેકટર રચીત રાજે ગાદીના મહંત પદે બેસાડી દીધા હતા. જે મુદ્દો છેક ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. ખુદ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ આ નિમણૂક સામે વાંધો લીધો હતો. હવે હરીગીરીની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે ફરી એકવાર આ ગાદી પર તેમના વિરોધી સંતોએ ડોળો જમાવ્યો છે.
ભવનાથ મંદિરના મહંતની નિમણુંક માટે કલેકટર દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. કેટલા સમય સુધી મહંતની નિમણૂંક કરવાની જાહેરાત આપવામાં આવે છે. મહંત તરીકે જે કોઇ લાયક હોય તેણે તેના આધાર પુરાવા સાથે કલેકટર સમક્ષ પોતાનો દાવો રજૂ કરવાનો હોય છે. વર્તમાન મહંત હરીગીરીની ખોટી રીતે નિયુકિત કરવામાં આવી હોવાના આક્ષેપો લાગ્યા હતા.
ગિરનાર પર્વત પરના અંબાજી મંદિર(જે વાસ્તવમાં એક બૌદ્ધ ગુફા છે)ના મહંત તનસુખગીરીના નિધન બાદ ત્યાં મહંતની નિમણૂંક માટે વિવાદ થયો હતો અને સરકારે વહીવટદારની નિયુક્તિ કરી દીધી હતી. હાલ ભવનાથ મંદિરના મહંતની મુદત પૂર્ણ થવાના આરે છે ત્યારે ફરી વિવાદના બીજ રોપાય રહ્યા છે. સરકાર હાલ મહંતની નિમણૂંક કરવાને બદલે વહીવટદારની નિયુકિત કરે તેવી શક્યતા છે. જેથી સાધુઓએ અત્યારથી જ સરકાર સામે મોરચો માંડી દીધો છે.
હાલ નવા મહંતની નિયુકિત માટે કલેકટર દ્વારા કોઇ જ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. મતલબ કે મુદત પૂર્ણ થયા બાદ વહીવટદાર નિયુક્ત કરવામાં આવશે તે નક્કી લાગી રહ્યું છે. તેથી અન્ય જગ્યાના સાધુઓ દ્વારા ગુરૂ શિષ્યના પરિવારના આધાર પુરાવાઓ કલેકટર સમક્ષ રજૂ કરાયા છે. તેને તપાસીને નિર્ણય કરવામાં આવે અને મહંત તરીકે હરીગીરીને રીપીટ ન કરવાની માંગ ઉઠી છે. જેનો વિવાદ શરૂ થઇ ચુકયો છે.
આ વિવાદ પરથી એટલો ખ્યાલ ચોક્કસ આવે છે કે, કહેવાતા આ સાધુસંતો પોતે દૂધે ધોયેલા નથી. દુનિયાને લોભ-લાલચ ત્યાગવાની સલાહો આપતા આ કથિત સાધુસંતો સ્વયં ભોગવિલાસ ત્યજી શકતા નથી. એસી ગાડીઓના કાફલામાં ફરતા આ સંતોનું આંતરિક જીવન કેટલું ભપકાદાર અને ભોગવિલાસભર્યું હોય છે તે જો તેમના ભોળા ભક્તો સામે ખૂલી જાય, તો આ ગાદીઓમાં વિશ્વાસ ધરાવતા લાખો લોકોની આસ્થા ડગી જાય તેમ છે.
આ પણ વાંચો: ‘પદ્મશ્રી’ સ્વામી પ્રદિપ્તાનંદ સામે બળાત્કારનો કેસ નોંધાયો