ભાજપના નેતાઓ જાહેરમાં દલિતોના હિતોની અને મહિલાઓના સન્માનની વાતો કરતા હોય છે, પરંતુ તેમની કથની અને કરણીમાં કેટલું મોટું અંતર હોય છે તે દર્શાવતી એક ઘટના સામે આવી છે. જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં ભાજપના એક નેતાએ તેની કારને રસ્તો ન આપતા દલિત પરિવાર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, તેણે દલિત પરિવારની મહિલાઓના કપડા પણ ફાડી નાખ્યા હતા. આ મામલે ભીમ આર્મીના કાર્યકરો અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા, અને જ્યાં સુધી કેસ ન નોંધાયો ત્યાં સુધી ત્યાં હાજર રહ્યા હતા. આખરે પોલીસે ભાજપના જિલ્લા મંત્રી અને તેના ભાઈ સામે કેસ નોંધ્યો હતો.
ભાજપના જિલ્લા મંત્રી અને તેના ભાઈની દાદાગીરી
મૈનપુરીના કિશની વિસ્તારના ભાજપના જિલ્લા મંત્રી અને તેમના ભાઈ પર દલિત પરિવાર પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે. પીડિત દલિત પરિવારે કહ્યું કે ભાજપના માથાભારે નેતાએ મહિલાઓના કપડાં પણ ફાડી નાખ્યા હતા. ભાજપ નેતાની કારને રસ્તો ન આપવાથી આ સમગ્ર વિવાદ થયો હતો. આ કેસમાં પોલીસે ભાજપ જિલ્લા મંત્રી અને તેના ભાઈ સામે કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: જિગ્નેશ મેવાણીએ ‘ધડક 2’ ને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી
કારને સાઈડ ન આપતા હુમલો કર્યો
મૈનપુરીના ઈલાઉ પોલીસ સ્ટેશનના પરિગવા ગામનો દલિત પરિવાર પોતાની ઈકો કારમાં બેસીને કુમહૌલ ગામમાં યોજાયેલા એક ભંડારામાં ભોજન લેવા માટે જઈ રહ્યો હતો. એ દરમિયાન શમશેરગંજ રોડ પર બોઝા ગામ પાસે હરિઓમ દુબે અને અંકિત દુબેએ તેમની કારને તેમની કારને સાઈડ ન મળતા દલિત પરિવારની ઈકો કાર સામે પોતાની કાર ઉભી રાખીને રોકી હતી. આરોપીઓએ જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરીને તેમના પર હુમલો કર્યો હતો.
ભાજપ નેતા હાથમાં પિસ્તોલ લઈને આવ્યા
હુમલા દરમિયાન તેમણે 6-7 અજાણ્યા લોકોને બોલાવ્યા હતા અને બધાંએ મળીને લાકડીઓ અને લાતોથી દલિત પરિવાર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ કારમાં બેઠેલી મહિલાને બહાર કાઢીને તેના કપડાં ફાડી નાખ્યા હતા. જ્યારે અન્ય લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને પણ માર મારવામાં આવ્યો. હુમલાખોરો હાથમાં પિસ્તોલ લઈને આવ્યા હતા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા. ત્યાં હાજર લોકોએ દરમિયાનગીરી કરીને તેમને બચાવ્યા હતા. પીડિતાનો પરિવાર મોડી સાંજે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને એસપી સિટી અરુણ કુમાર સિંહને ફરિયાદ કરી હતી. એસપી સિટીએ ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ લલિત ભાટીને તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દલિતોની 100 વર્ષ જૂની ચાલી અદાણી-પોલીસે તોડી પાડી
દલિત અત્યાચારની મોટાભાગની ઘટનાઓમાં થાય છે તેમ, આ ઘટનામાં પણ આરોપીઓએ દલિત પરિવારને માર માર્યા પછી ક્રોસ ફરિયાદ નોંધાવી હતી. ભાજપના જિલ્લા મંત્રી હરિઓમ દુબેના ભાઈ અંકિત દુબેએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમના પર હુમલો કરવાનો અને તેમની સોનાની ચેઇન તોડીને છીનવી લેવાનો આરોપ લગાવ્યો છે.
સપાના ધારાસભ્યની દરમિયાનગીરી બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ
દલિત પરિવાર પર હુમલાના સમાચાર મળતાં તેમના સંબંધીઓ અને કુમહૌલના 100થી વધુ લોકો બપોરે 3 વાગ્યાથી મોડી રાત સુધી પોલીસ સ્ટેશનના ગેટ પર ઉભા રહ્યા હતા. આઝાદ સમાજ પાર્ટીના પ્રદેશ સચિવ આલોક યાદવ અને જિલ્લા પ્રમુખ ઓપી સાગર પણ બપોરથી મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં ખડે પગે રહ્યા અને કાર્યવાહીની માંગ કરતા રહ્યા.
જ્યારે રાત્રે 10 વાગ્યા સુધી કેસ નોંધવામાં આવ્યો ન હતો, ત્યારે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય બ્રિજેશ કથેરિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે ઈન્ચાર્જ પીઆઈ લલિત ભાટી પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એફઆઈઆર નોંધાયા પછી જ ધારાસભ્ય પોલીસ સ્ટેશનથી પાછા ફર્યા હતા. પોલીસે ભાજપના જિલ્લા મંત્રી હરિ ઓમ દુબે, તેના ભાઈ અંકિત દુબે અને 6-7 અજાણ્યા લોકો સામે એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં MGNREGA યોજના પણ મજૂરોને રોજગારી ન અપાવી શકી?