મધ્યપ્રદેશના ગુનામાં ભાજપના નેતા મહેન્દ્ર નાગરે કથિત રીતે એક ખેડૂતને ટ્રેક્ટરથી કચડી નાખ્યો. એ પછી તેના પર થાર કાર ચડાવી દીધી. આરોપ છે કે, એ પછી પણ તેને સંતોષ ન થતા તેણે ખેડૂતને એક કલાક સુધી હોસ્પિટલે જવા દીધો નહોતો. આખરે ખેડૂતનું મોત થઈ ગયું. મૃતકની ઓળખ રામસ્વરૂપ ધાકડ તરીકે થઈ છે. આ કેસ જમીન વિવાદ સાથે સંબંધિત છે. પીડિત પરિવારનો આરોપ છે કે ભાજપ નેતા મહેન્દ્ર નાગર આ વિસ્તારના નાના ખેડૂતોને તેમની જમીન વેચવાની ધમકી આપી રહ્યો હતો. જ્યારે રામસ્વરૂપે પોતાની જમીન વેચવાનો ઇનકાર કર્યો, ત્યારે ભાજપ નેતા અને તેના સાથીઓએ પહેલા તેને માર માર્યો અને પછી તેના પર ટ્રેક્ટર અને થાર ગાડી ચડાવી દઈને હુમલો કર્યો હતો.
ગુનાના ગણેશપુરા ગામની ઘટના
આ સમગ્ર ઘટના ફતેહગઢ પોલીસ સ્ટેશનના ગણેશપુરા ગામમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે ખેડૂત રામસ્વરૂપ ધાકડ તેની પત્ની સાથે તેના ખેતરમાં જઈ રહ્યા હતા. ફરિયાદ મુજબ, ભાજપ નેતા મહેન્દ્ર નાગર અને તેના સાથીઓએ રસ્તામાં રામસ્વરૂપને ઘેરી લીધો, તેના પર લાકડીઓથી હુમલો કર્યો અને બાદમાં થાર જીપથી કચડી નાખ્યો. જ્યારે રામસ્વરૂપની પુત્રીઓએ તેમના માતાપિતાની મદદ માટે બૂમો સાંભળી અને તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો.
આ પણ વાંચો: ભાજપ કાર્યકરે દર્દીને 10 રૂપિયાનું બિસ્કિટ આપ્યું, ફોટો પાડી પાછું લઈ લીધું
મૃતક ખેડૂતની પુત્રીએ શું કહ્યું?
ખેડૂત રામસ્વરૂપની પુત્રીએ કહ્યું, “હું મારા પિતાને બચાવવા ગઈ હતી. તેમણે મારા પર હુમલો કર્યો, મને માર માર્યો અને મારા કપડાં પણ ફાડી નાખ્યા. મારા માતાપિતા ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓ બહાર આવ્યા અને તેમના પર હુમલો કરી દીધો. અવાજ સાંભળીને, અમે તેમને બચાવવા ગયા. જ્યારે મારી માતાએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે મારા પિતા પર તેમની કાર ચડાવી દીધી.”
20 લોકોએ એક કલાક સુધી હવામાં ગોળીબાર કર્યો
પરિવારે જણાવ્યું કે, આરોપીઓએ તેમને ડરાવવા માટે અનેક રાઉન્ડ ગોળીબાર પણ કર્યા હતા. પીડિતાના ભાઈ રામકુમારે જણાવ્યું કે હુમલો લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યો હતો. તેમણે કહ્યું, તેમણે બંને છોકરીઓના કપડાં ફાડી નાખ્યા અને લગભગ 20 લોકો હવામાં ગોળીબાર કરી રહ્યા હતા, જેનાથી અમે ડરી ગયા. તેઓ લગભગ એક કલાક સુધી તેમને મારતા રહ્યા. એ પછી, આરોપીઓએ મારા પિતા પર ટ્રેક્ટર અને પછી એક કાર ચડાવી દીધી.
ઘાયલ ખેડૂતને બંદૂકના નાળચે એક કલાક પકડી રાખ્યો
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલ ખેડૂતને લગભગ એક કલાક સુધી હોસ્પિટલ લઈ જવા દેવામાં આવ્યો ન હતો, કારણ કે આરોપીઓએ તેને બંદૂકના નાળચા સામે રાખ્યો હતો. જ્યારે રામસ્વરૂપને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું.
આ પણ વાંચો: કડીમાં ઠાકોર યુવકે 13 વર્ષની દલિત દીકરીનું જીવવું હરામ કરી નાખ્યું
ભાજપ નેતા સહિત 14થી વધુ લોકો સામે ફરિયાદ
આ મામલે ભાજપના નેતા મહેન્દ્ર નાગર, તેના પરિવારની ત્રણ મહિલાઓ અને 14 અન્ય લોકો સામે હત્યા અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફતેહગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જયનારાયણ શર્માએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ભાજપ નેતાનો આખા ગામમાં આતંક
મીડિયા રિપોર્ટ મુજબ, ગણેશપુરાના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ભાજપ નેતા મહેન્દ્ર નાગરે ગામમાં એવો આતંક મચાવ્યો છે કે કોઈ તેની વિરુદ્ધ બોલવા તૈયાર નથી. તેમણે કહ્યું કે ભાજપ નેતા લાંબા સમયથી નાના ખેડૂતોને ધમકાવી રહ્યો હતો. જ્યારે કોઈ ખેડૂત તેનો વિરોધ કરે છે, ત્યારે તેની સાથે દાદાગીરી કરવામાં આવે છે. ગામના લગભગ 25 ખેડૂતોને તેમની જમીન ઓછી કિંમતે વેચીને ગામ છોડી દેવાની ફરજ પાડવામાં આવી હતી. જોકે, જ્યારે રામસ્વરૂપ ધાકડે તેનો વિરોધ કર્યો, ત્યારે તેમના પર હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દલિતો હિંદુ બની મંદિરમાં દર્શન કરવા ગયા, સવર્ણોએ ફટકાર્યા











Users Today : 40