બનાસકાંઠાના ઉણ ગામે પ્રેમ લગ્ન કરનાર દીકરીને પરત લાવવાના નામે ચૌધરી અને રબારી સમાજ આમને-સામને આવી ગયા છે. પ્રેમલગ્ન જેવા વ્યક્તિગત વિષયને જ્ઞાતિગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દેવામાં આવતા ભારે તંગદિલી સર્જાઈ છે. ચૌધરી સમાજના ઉશ્કેરાયેલા લોકોએ ઉણ ગામે તોફાન મચાવ્યું હતું. અનેક કારના કાચ તોડી નાખ્યા હતા. ટોળું હિંસક બનતા હાઈવે ચક્કાજામ કર્યો હતો. પોલીસે ટિયર ગેસના સેલ છોડી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો છે. હાલ પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાનું શરૂ કર્યું છે.
રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના કિસ્સામાં જે રીતે રબારી સમાજની દીકરીને પરત મેળવવામાં આવી, તેના પ્રત્યાઘાત રૂપે હવે ચૌધરી સમાજે પણ પોતાની દીકરી કંકુ ચૌધરીને પરત લાવવા માટે મોરચો માંડ્યો છે. આજે ભાભરના રુણી ગામે આંજણા ચૌધરી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સંમેલનમાં સમાજની પ્રેમલગ્ન કરનાર દીકરીને પરત લાવવાની વાત થઈ હતી. એ પછી લોકોના આક્રોશને કારણે સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી અને યુવાનો ઓગડના ઉણ ગામે પહોંચી ગયા હતા. જ્યાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી અને બંને સમાજ સામસામે આવી ગયા હતા.

મામલો શું હતો?
આ સમગ્ર વિવાદની શરૂઆત રાધનપુરની જાણીતી ગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્નથી થઈ હતી. કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક અશોક સાથે લગ્ન કર્યા હતા, જે બાદ ભારે હોબાળો થયો હતો. રબારી અને ચૌધરી સમાજના વડીલો અને આગેવાનોની સમજાવટ અને મધ્યસ્થી બાદ કિંજલ રબારીને તેના પિયર પક્ષ એટલે કે રબારી સમાજને પરત સોંપવામાં આવી હતી. આ ઘટનાએ એક નવો ચીલો ચાતર્યો અને ચૌધરી સમાજમાં એવી લાગણી જન્મી કે જો રબારી સમાજની દીકરી પરત જઈ શકે, તો ચૌધરી સમાજની દીકરી કેમ નહીં?
આ પણ વાંચો: ‘પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં પડે અને છેલ્લે ડેમમાં પડે…’
આ લાગણી સાથે ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો કિસ્સો સપાટી પર આવ્યો. કંકુ ચૌધરીએ આશરે દોઢ-બે વર્ષ પૂર્વે ઉણ ગામના મહાદેવ રબારી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ દંપતીને સંતાનમાં એક પુત્ર પણ છે. જોકે, કિંજલ રબારીના કિસ્સા બાદ ચૌધરી સમાજે પણ કંકુને પરત મેળવવાની જીદ પકડી છે.
આજે યોજાયેલા મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત રાજસ્થાનથી પણ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સંમેલન દરમિયાન સમાજના સન્માન અને પરંપરાની દુહાઈ આપીને કંકુને પરત લાવવા માટે રબારી સમાજ સમક્ષ માંગણી મૂકવાનો સુર વ્યક્ત થયો હતો. 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ જાહેર કર્યું હતું કે, આગામી પાંચ દિવસમાં રબારી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને દીકરીને સુરક્ષિત રીતે પરત લાવવાના પ્રયાસો કરવામાં આવશે. જો પાંચ દિવસમાં સકારાત્મક પરિણામ નહીં મળે, તો સમાજ દ્વારા આગળની રણનીતિ ઘડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

જોકે, સંમેલન પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ વણસી હતી. પોલીસના જણાવ્યા મુજબ, સંમેલન પૂરું થતાં મોટાભાગના લોકો શાંતિપૂર્વક વિખેરાઈ ગયા હતા, પરંતુ 30 ટકા જેટલા અસામાજિક કે ઉશ્કેરાયેલા તત્વો, જેઓ કોઈપણ જવાબદાર આગેવાનના નિયંત્રણમાં નહોતા, તેઓ સીધા જ ગાડીઓ લઈને ઉણ ગામ પહોંચી ગયા હતા. ઉણ ગામમાં જે યુવક સાથે કંકુએ લગ્ન કર્યા છે તેના ઘરે જઈને આ ટોળાએ ભારે હંગામો મચાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, તે ઘરે કંકુ, તેનો પતિ કે અન્ય કોઈ સભ્ય હાજર નહોતું.
આ પણ વાંચો: શરમજનક! એક ડોલ પાણીમાં માત્ર બે પેકેટ દૂધ નાખી બાળકોને પીવડાવ્યું
ત્યાં માત્ર એક વૃદ્ધ અને દિવ્યાંગ માતા એકલી હતી. આ સ્થિતિમાં પણ ટોળાએ ‘દીકરી આપો’ ના નારા લગાવીને ઘર પાસે ઊભેલા વાહનોના કાચ તોડી નાખ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં, આક્રોશિત ભીડે 3 કિલોમીટર લાંબો હાઈવે બ્લોક કરી દીધો હતો, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને નિર્દોષ મુસાફરો ફસાઈ ગયા હતા.
આ ઘટનાના જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, તે હૃદયદ્રાવક છે. વાહનોની તોડફોડ અને ઉશ્કેરાયેલી ભીડને જોઈને એવું લાગે છે કે કાયદાનો ડર જાણે સાવ ઓગળી ગયો છે. બનાવની જાણ થતાં જ ડી.વાય.એસ.પી. અને પી.આઈ. સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પી.આઈ. કે.બી. દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. તોફાની તત્વોને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હોવાના અહેવાલો છે.
આ પણ વાંચો: ગાયિકા કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતા હોબાળો, કિંજલે કહ્યું, ‘મારા પતિને કંઈ થયું તો…’
સૌથી મહત્વનો અને માનવીય પાસું એ છે કે, જે દીકરી માટે આટલું મોટું મહાભારત રચાઈ રહ્યું છે, તે કંકુ ચૌધરી પોતે શું ઈચ્છે છે તેની તો કોઈ વાત પણ કરતું નથી. કંકુએ અગાઉ પણ સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે તે તેના પતિ અને બાળક સાથે અત્યંત સુખી છે. તે પોતાની મરજીથી આ લગ્નજીવન જીવી રહી છે. ભારતીય બંધારણની કલમ 21 વ્યક્તિગત સ્વતંત્રતાની ગેરંટી આપે છે, જેમાં પુખ્ત વયની વ્યક્તિને પોતાની મરજી મુજબ જીવનસાથી પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમ છતાં, સમાજના કેટલાક કહેવાતા ‘ઠેકેદારો’ આ બંધારણીય અધિકારને નેવે મૂકીને પોતાની જ્ઞાતિનું વર્ચસ્વ સાબિત કરવા માટે હિંસાના માર્ગે વળ્યા છે. જો દીકરી પોતે જ પરત આવવા માંગતી ન હોય, તો તેને બળજબરીથી પરત લાવવાના પ્રયાસો માત્ર ગેરકાયદેસર જ નહીં, પણ અમાનવીય પણ છે.
આ પ્રકારની ઘટનાઓથી સમાજમાં જ્ઞાતિવાદના ઝેર વધુ ઊંડા ઉતરે છે. જો આજે એક સમાજ પ્રેમલગ્ન કરનાર દીકરીને પરત લાવવાની વાત કરશે, તો આવતીકાલે બીજો સમાજ પણ એવું કરશે. આ પરંપરા સામાજિક વિખવાદ અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે. સામાજિક એકતા અને શાંતિ જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે. હવે સમય પાકી ગયો છે કે પોલીસ અને વહીવટી તંત્ર આવા કિસ્સાઓમાં કોઈની પણ શેહ-શરમ રાખ્યા વિના કાયદાનું કડક પાલન કરાવે.
આ પણ વાંચો: કિંજલ રબારીની પ્રેમલગ્નના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ‘ઘરવાપસી’














