દેશમાં દલિતો પર અત્યાચાર અને હત્યાની ઘટના સામાન્ય બની ચૂકી હોય તેવી સ્થિતિ છે. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણેથી સતત આવી કોઈને કોઈ ઘટના સામે આવતી રહે છે. જો કે, છત્તીસગઢના મહાસમુંદમાં જે ઘટના બની છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. જ્યાં એક દલિત આધેડને ગામલોકોએ ચોર સમજીને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મૃતકની ઓળખ 50 વર્ષીય કૌશલ સહીસ તરીકે થઈ છે, જે બાગબાહરા તાલુકાના મોહબા ગામના રહેવાસી હતા. તેમનો મૃતદેહ 25 ઓક્ટોબરની સવારે ગામથી 500 મીટર દૂર સ્મશાન નજીક મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટના પતેરાપલી ગામમાં બની હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, 25 ઓક્ટોબરના રોજ સવારે લગભગ 10 વાગ્યે કેટલાક ગ્રામજનોએ કૌશલને રેલ્વે ટ્રેક પાસે વીજળીના તાર સળગાવીને તેમાંથી તાંબુ અલગ કરતા જોયા હતા. ગામલોકોએ ઘટનાસ્થળે પહોંચીને તેમને પકડી લીધા અને હાથ બાંધીને તેમને ગામમાં લાવ્યા. બાદમાં સરપંચને તેની જાણ કરી લીધી. ગામલોકોએ તેને ચોર સમજીને માર મારવાનું શરૂ કર્યું. કૌશલ વારંવાર વિનંતી કરતો રહ્યો, “મને છોડી દો, મને ન મારો,” પરંતુ કોઈએ તેનું સાંભળ્યું નહીં. ટોળાએ તેને લાત અને મુક્કા માર્યા, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેઓ તેને રેલવે ટ્રેક પરથી ખેંચીને પતરેપાલી ગામના મહાવીર ચોક સુધી લઈ ગયા અને ફરીથી તેના પર હુમલો કર્યો.
આ પણ વાંચો: દલિત યુવકને લાકડી-દંડાથી માર મારી જાતિવાદીઓએ પતાવી દીધો
કૌશલ સહીસ દલિત સમાજનો હતો. ટોળાનો ગુસ્સો એટલો તીવ્ર હતો કે કોઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં. દરમિયાન, ગ્રામજનોએ તેના પરિવારને ફોન કરીને કહ્યું કે જો તેઓ ૨૫,૦૦૦ રૂપિયા આપે તો કૌશલ જીવતો રહી જશે, પરંતુ પરિવારે કહ્યું કે તેમની પાસે એટલા પૈસા નથી. પૈસા ન મળતા ટોળાએ ફરીથી કૌશલને માર માર્યો, જેનાથી તેનું સ્થળ પર જ મોત થયું. ત્યારબાદ ગામલોકોએ તેના મૃતદેહને નજીકના સ્મશાન ઘાટ પાસે ફેંકી દીધો અને ભાગી ગયા.
ગામલોકોએ પોલીસને પણ જાણ ન થવા દીધી
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરપંચ અને ગ્રામજનોએ પોલીસથી આખી ઘટના છુપાવી રાખી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા પછી પોલીસ અધિકારી શરદ દુબેએ સરપંચ હેમંત ચંદ્રકરને ઘટના વિશે પૂછપરછ કરી હતી, પરંતુ હેમંતે સ્પષ્ટપણે ઇનકાર કર્યો કે તેમને આ ઘટનાની જાણ નથી. સરપંચની જેમ ગ્રામજનો પણ આ મામલે ચૂપ રહ્યા.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીની સવારે સાઈકલ લઈને સ્કૂલે ગઈ, સાંજે ખેતરમાંથી લાશ મળી
ગામલોકોએ માર મારતા ઘટના સ્થળે જ મોત થયું
મહાસમુંદ પોલીસ સ્ટેશનના પ્રભારી શરદ દુબે પોલીસની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન, ફોરેન્સિક ટીમને મૃતકના શર્ટ અને પેન્ટ પર માટીના નિશાન મળ્યા, જે સૂચવે છે કે તેને જમીન પર ઢસડવામાં આવ્યા હતા. મૃતકના હાથ પર ઘસાવાના નિશાન પણ મળી આવ્યા હતા. તેના માથા નીચેની માટી ભીની હતી અને તેનું મોઢું પાણીથી ભરેલું જોવા મળ્યું. જેના પરથી પોલીસને શંકા છે કે, ઘાયલ અવસ્થામાં તેનું મોત થઈ ગયા બાદ કોઈએ તેને પાણી પીવડાવી ભાનમાં લાવવા પ્રયત્ન કર્યો હતો. તપાસ દરમિયાન મળેલા પુરાવા સૂચવે છે કે કૌશલ સહીસનું મોત હુમલા અને આંતરિક ઇજાઓને કારણે થયું હશે.
પોલીસે શું કહ્યું?
આ મામલે એડિશનલ એસપી પ્રતિભા પાંડેએ મીડિયાને જણાવ્યું હતું કે કૌશલ સહીસની લાશ મળી ગઈ છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળ અને લાશનું નિરીક્ષણ કર્યું હતું. બે ડોક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ કર્યું હતું. પરિવારના સભ્યોની પૂછપરછના આધારે વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અન્ય પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
દરમિયાન, હત્યાની શંકાના આધારે પોલીસ પતરેપાલી ગ્રામ પંચાયતના સરપંચના પતિ હેમંત ચંદ્રકર, તેના ભત્રીજા અને ગામના કોટવાળની પૂછપરછ કરી રહી છે. હાલ આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે
આ પણ વાંચો: સવર્ણ મહિલાઓની સતામણીથી દલિત કિશોરે ઝેર પી આપઘાત કર્યો












Users Today : 1724