કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દલિતો-આદિવાસીઓના હકોને લઈને મોટી-મોટી વાતો કરે છે પરંતુ ખુદ તેમના જ પક્ષના નેતાઓ આદિવાસીઓના હકો પર કેવી રીતે તરાપ મારે છે તેની આ વાત છે. મામલો આદિવાસી સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતા મધ્યપ્રદેશનો છે. અહીંના પન્ના જિલ્લામાં આદિવાસી મહિલાઓની જમીન પર કોંગ્રેસના બ્રાહ્મણ નેતાએ નકલી પુત્ર ઉભો કરીને કબ્જો કરી લીધો હતો.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસના પૂર્વ મહામંત્રી શ્રીકાંત દીક્ષિત અને તેમના સાથી અનુપમ ત્રિપાઠી પર ગંભીર આરોપ લાગ્યા છે. અરજીકર્તા બે આદિવાસી બહેનોના જણાવ્યા મુજબ, તેમના પિતાના અવસાન બાદ પરિવારની જમીન પર કબજો મેળવવા માટે કોંગ્રેસના બંને નેતાઓએ મિલીભગત કરી ‘નકલી પુત્ર’ ઉભો કર્યો હતો અને એના નામે જમીનના દસ્તાવેજો બનાવડાવી જમીન હડપી લીધી હતી. આ મામલાની ફરિયાદ વર્ષ 2022માં કરવામાં આવી હતી, જેના આધારે કલેક્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં કૌભાંડ સાબિત થતાં હવે કલેક્ટર કચેરીએ કોંગ્રેસ નેતાને નોટિસ ફટકારી છે અને બંનેને 15 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે હાજર થવાનો આદેશ કર્યો છે. હાજર ન રહેવા પર એકતરફી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઘટના સામે આવતા જ જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે.
અંધ માતાની પિતાવિહોણી દીકરીઓની જમીન પડાવી
ઘટના પન્ના જિલ્લાના અમાનગંજ તાલુકાના જૈતુપુર ગામની છે. અરજીકર્તા બે બહેનોના જણાવ્યા અનુસાર તેમના પિતાનું જાન્યુઆરી 2022માં અવસાન થયું હતું. માતા દ્રષ્ટિહીન હોવાના કારણે પરિવારની જવાબદારી બંને બહેનો પર હતી. પરિવારમા પુત્ર ન હોવાથી ગામના જ કેટલાક લોકો એ બાબતનો ગેરફાયદો ઉઠાવી ગયા.
ફરિયાદ મુજબ, પૂર્વ કોંગ્રેસ મહામંત્રી શ્રીકાંત દીક્ષિત અને તેમના સાથી અનુપમ ત્રિપાઠીએ ષડયંત્ર રચી તેમના પિતાના નામ સાથે મેળ ખાતા એક વ્યક્તિને “નકલી પુત્ર” બનાવી દીધો હતો. એ નકલી પુત્રના નામે કાગળો તૈયાર કરીને તેમણે આદિવાસી બહેનોની જમીન પર કબ્જો જમાવી લીધો હતો. આ જમીન કાયદાકીય રીતે આ આદિવસી બહેનોની માલિકીની હતી.
આ પણ વાંચો: આદિવાસી દંપતી કમાવા શહેર ગયું, જાતિવાદીઓએ ઘર-જમીન વેચી મારી
ફરિયાદ નોંધાતા જ કલેક્ટરે આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી હતી. લાંબી પ્રક્રિયા બાદ મળેલી તપાસ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી આદિવાસી બહેનો સાથે છેતરપિંડી કરી છે.
15 સપ્ટેમ્બરે કલેક્ટર કચેરીમાં હાજર થવા આદેશ
કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા નોટિસમાં જણાવાયું છે કે શ્રીકાંત દીક્ષિત અને અનુપમ ત્રિપાઠીને 15 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 11 વાગ્યે કલેક્ટર કચેરીએ વ્યક્તિગત રીતે હાજર થવાનું રહેશે. જો તેઓ હાજર નહીં રહે તો કેસની સુનાવણી એકતરફી રીતે કરી અંતિમ ચુકાદો અપાશે.
આ બનાવથી જિલ્લા સ્તરે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. કોંગ્રેસ પક્ષના પૂર્વ મહામંત્રી હોવાને કારણે આ મામલો રાજકીય રંગ પણ પકડી રહ્યો છે. સ્થાનિક સ્તરે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે આદિવાસી સમાજના અધિકારો માટે ખાસ કાયદા અમલમાં છે, ત્યારે પણ આવા કૌભાંડ કેમ બને છે? કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ એકબાજુ આદિવાસીઓના હકો બચાવવાની વાતો કરે છે, પરંતુ તેમના જ પક્ષના નેતાઓ આ રીતે કાવતરા રચી ગરીબ આદિવાસીઓના હક છીનવી જાય છે.
કોંગ્રેસના નેતાઓની કથની-કરણીમાં ફરક
આદિવાસી જમીન પર સવર્ણો અને પ્રભાવશાળી લોકો દ્વારા ગેરકાયદે કબજાના બનાવો નવા નથી. મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં અગાઉ પણ આવા કેસો નોંધાયા છે. સરકાર દ્વારા બનવાયેલા કાયદા મુજબ, આદિવાસી જમીન કોઈ અન્ય સમુદાયને વેચી શકાતી નથી અને જો વેચાય તો તે અમાન્ય ગણાય છે. તેમ છતાં, નકલી દસ્તાવેજો અને રાજકીય પ્રભાવથી આવી જમીનો હડપાય છે. આ કેસ હવે કલેક્ટર કચેરીમાં ચાલી રહ્યો છે. પીડિત બહેનોને આશા છે કે તેમને ન્યાય મળશે અને તેમની જમીન પરનો કબજો પાછો અપાશે. બીજી બાજુ, આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી આગળ વધી શકે છે.
આ સમગ્ર મામલો એ સાબિત કરે છે કે આદિવાસી સમાજ આજે પણ પોતાના મૂળભૂત અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યો છે. ભલે કાયદા કડક છે, પરંતુ જ્યારે સુધી પ્રશાસન ત્વરિત અને પારદર્શક કાર્યવાહી નહીં કરે, ત્યારે સુધી આદિવાસીઓ પરના અતિક્રમણો અટકશે નહીં.
આ પણ વાંચો: ભાજપના નેતાએ દલિત પરિવારની જમીન પર રાતોરાત ઘર બનાવી દીધું