રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે અને સરકારના કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને વરઘોડા તો નીકળશે જ ના સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે તેવો આક્ષેપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા(Amit Chavda)એ કર્યો છે. ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના વિસ્તારમાં જ 1795 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી જે જવાબો મળ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન રહ્યું નથી. ગુજરાત વિધાનસભામાં સરકાર ધ્વારા રજૂ કરાયેલા ક્રાઇમના આંકડા રાજ્યની વાસ્તવિક સ્થિતિને રજૂ કરે છે. સુરત શહેર-જિલ્લા અને નવસારી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં જે ગુના નોંધાયા છે, તે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી(minister Harsh Sanghvi)નો વિસ્તાર છે, ભાજપના સાંસદ સી આર પાટીલ(BJP MP C R Patil)નો મત વિસ્તાર છે. તેમાં રોજ એક મહિલા પર અત્યાચાર થાય છે, તો ૭ ચોરી અને ૧ અપહરણ તેમજ બે છેતરપિંડીના ગુના નોંધવામાં આવે છે. આ આંકડાં જ સાબિત કરે છે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોતાના જ વિસ્તારમાં જાળવવામાં નિષ્ફળ ગયા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જન્મતા દરેક બાળક માથે રૂ. 66000નું દેવું
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે રાજ્યમાં ઠેરઠેર નાની નાની માસૂમ બાળકીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે, રાજ્યમાં ભૂમાફીયાઓ-ખનન માફિયાઓ બેફામ થઈ લોકોને રંજાડી રહ્યા છે, ક્યાંક માથાભારે રાજકીય લોકો જેના સત્તા પક્ષ સાથે જોડાણ છે એ લોકોને દબાવી રહ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું વર્ણન કરતા અમિત ચાવડાએ કહ્યું કે અમદાવાદ હોય, સુરત હોય કે રાજકોટ હોય, ગુંડા તત્વો, અસામાજિક તત્વો, બુટલેગરો ખુલ્લેઆમ રોડ ઉપર દાદાગીરી કરે છે, ખુલ્લી તલવારો, લાકડીઓ, હથિયારો સાથે રસ્તા પર તોડફોડ કરી સામાન્ય નાગરિકો અને તેમના જાન માલ પર હુમલા થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જે સ્પષ્ટ કરે છે ગુંડા તત્વોમાં રાજ્ય સરકાર કે પોલીસનો કોઈ ડર રહ્યો નથી, કાયદો વ્યવસ્થા અને પ્રશાસનનો આવા અસામાજિક તત્વો પર કોઈ અંકુશ રહ્યો નથી.
ગુજરાતમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે વિધાનસભા ખાતે પ્રેસ મિડિયાને સંબોધન. pic.twitter.com/oo6vWVuRGt
— Amit Chavda (@AmitChavdaINC) March 17, 2025
અમિત ચાવડાએ જણાવ્યું જે ખુદ રાજ્ય સરકારના જાહેર કરેલા ગુનાના આંકડા અને રાજ્યની હાલની સ્થિતિ જ દર્શાવે છે કે સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્ય પોલીસ વડા ધ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક આદેશને ટાંકીને અમિત ચાવડાએ જણાવ્યું કે જ્યારે સરકાર અને પોલીસની પોલ ખુલી ત્યારે સફાળી જાગેલી સરકાર બૂટલેગરો અને હિસ્ટ્રીશીટરો સામે કાર્યવાહી કરવાની વાત કરી રહી છે ત્યારે તેમાં ભાજપના બુટલેગર કેટલા, ભાજપના નેતાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા, ભાજપનો ખેસ પહેરેલા બૂટલેગરો કેટલા એની પણ યાદી જાહેર કરવી જોઈએ જેથી જેટલું લીસ્ટ અસામાજિક તત્વો અને બુટલેગરનું નીકળશે એના કરતા વધુ ભાજપનો ખેસ પહેરેલા અસામાજિક તત્વો વધુ હશે.
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે આ બુટલેગરો અને અસામાજિક તત્વોની તપાસ કરવામાં આવે તો ખબર પડે કે કયા રાજકીય નેતાઓના ઇશારે આ લોકો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી રહ્યા છે અને રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ કેમ વધ્યું છે.
આ પણ વાંચોઃ ‘ગુજરાતમાં 40 ટકા બાળકો કુપોષિત, અધિકારીઓ 16,000ના સૂકામેવા ખાઇ ગયા’