ભાજપનું જે પણ રાજ્યોમાં શાસન છે ત્યાં દલિતો પર ખૂલ્લેઆમ જાતિવાદી તત્વો અત્યાચાર કરે છે અને પોલીસ સવર્ણ જાતિના આરોપીઓ વિરુદ્ધ ભાગ્યે જ કડક કાર્યવાહી કરે છે. પરિણામે જાતિવાદી તત્વો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના દલિત સમાજ પર અત્યાચાર કરવા ઉતરી આવે છે. લગ્નની સિઝન ફરી શરૂ થઈ ચૂકી છે ત્યારે ફરી દલિત વરરાજાને ઘોડી પર બેસવા ન દેવા, ડીજે વગાડવા ન દેવું કે ધામધૂમથી જાન ન કાઢવી જેવી બાબતો પણ સવર્ણ ગુંડાઓએ દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું છે. આવી જ એક ઘટના ભાજપ સાશિત હરિયાણામાં બની ગઈ. જ્યાં સવર્ણ ગુંડાઓએ એક દલિત કન્યાની જાન બગી પર આવશે તો હુમલો કરીશું તેવી ધમકી આપતા કન્યાના પિતાએ પોલીસ સુરક્ષા માંગવી પડતી હતી. એ પછી બે પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે જાન માંડવા સુધી પહોંચી હતી.
મામલો પંચકુલાના મૌલી ગામનો છે. જ્યાં પોલીસ સુરક્ષા હેઠળ દલિત પરિવારની દીકરીના લગ્ન વિધિવત રીતે સંપન્ન થયા. અંબાલા જિલ્લાના તંડવાળી ગામના વરરાજા રબલ આઝાદ પરંપરાગત રીતે બગી અને ઘોડી પર સવાર થઈને ઢોલ અને ડીજે સાથે જાન લઈને પરણવા પહોંચ્યા હતા. જાતિવાદી ગુંડાઓની ધમકીને કારણે લગ્ન સમારોહમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ કારમાંથી ઉતરી સીધી દલિત વરરાજાના માથે બંદૂક તાકી દીધી
એક અઠવાડિયા પહેલા જ્યારે સવર્ણ ગુંડાઓએ એ વાત સાંભળી કે ગામના દલિત પરિવારની દીકરીના ઘરે વરરાજા ઘોડી પર બેસીને આવશે, ત્યારે તેમણે તેની સામે વાંધો વ્યક્ત કર્યો હતો. ઘોડી પર બેસવાને પોતાના બાપદાદાની જ જાગીર સમજતા લુખ્ખા તત્વો એ ભૂલી ગયા કે બંધારણના શાસન હેઠળ ચાલતા ભારત દેશમાં ઘોડી પસ બેસવું એ માત્ર તેમના બાપદાદાની જાગીર નથી.પરિણામે આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. એ પછી રાયપુર રાની પોલીસે બંને પક્ષોની પંચાયત બોલાવી અને તેમની સાથે વાત કરીને ઉકેલ શોધી કાઢ્યો અને જાન બગી પર બેસીને જ આવશે તેમ નક્કી કર્યું.
જો કે એ પછી પણ જ્યારે વરરાજા બગીમાં બેસીને માંડવા તરફ જઈ રહ્યા હતા ત્યારે કેટલાક જાતિવાદી ગુંડાઓએ દાદાગીરી કરીને જાનને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે કડક કાર્યવાહી કરી લુખ્ખા તત્વોને ભગાડી દીધા હતા.
આ પણ વાંચોઃ 5 પોલીસ સ્ટેશનના કાફલા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો
આ પણ વાંચોઃ દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારી લુખ્ખા તત્વો ઘોડી સાથે લઈ ગયા
પંચાયતમાં સર્વસંમતિ સધાયા બાદ ગઈકાલે રવિવારે નિર્ધારિત કાર્યક્રમ મુજબ ખૂબ જ ધામધૂમથી લગ્નનું આયોજન કરવામાં આવ્યું. લગ્નની જાન નાચતા-ગાતા કન્યાના દરવાજે પહોંચી અને ધામધૂમથી વરકન્યાએ મહેમાનો, પરિવારજનો અને પોલીસની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન કરી હતી.
લગ્ન દરમિયાન પંચકુલા પોલીસના ઘણા વરિષ્ઠ અધિકારીઓ, ચંદીમંદિરના એસએચઓ રામપાલ, રાયપુરરાણી સોમવીર ઢાકાના એસએચઓ, મૌલી ચોકીના ઈન્ચાર્જ રવિ પ્રકાશ અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.
આખા મામલામાં દલિત અધિકાર મંચ પંચકુલાના એડવોકેટ રણધીર સિંહ સાથી, ગામના પૂર્વ સરપંચ લક્ષ્મણ બટોડ, મહિપાલ, વેદ પ્રકાશ, પ્રેમચંદ, પવન રંધાવા સહિત અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. શાંતિપૂર્ણ કાર્યક્રમ યોજવામાં પોલીસ વહીવટીતંત્રના સહકારની પણ લોકોએ પ્રશંસા કરી હતી.
આ પણ વાંચોઃ 4 પોલીસ સ્ટેશનની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો