બે માછલી વધુ લઈ લેવાથી શું થઈ શકે? જો તમે યુપીમાં હો તો આ સવાલનો જવાબ હુમલો થઈ શકે તેમ આપી શકાય. જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત યુપીમાં એક દલિત દંપતીને જાતિવાદી તત્વોએ માત્ર એટલા માટે માર માર્યો, કેમ કે માછલીની વહેંચણી દરમિયાન તેમને થોડી વધુ માછલી વધુ આવી ગઈ હોવાની જાતિવાદી તત્વોને આશંકા હતી.
મામલો ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો છે. અહીંના કંધઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આશાપુર વારી કલાં ગામમાં માછલીની વહેંચણી બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ગામના કેટલાક જાતિવાદી માનસ ધરાવતા તત્વોએ એક દલિત દંપતીના ઘરમાં ઘૂસીને તેમની સાથે મારામારી કરી અને જાતિસૂચક અપશબ્દો બોલી સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો.

મામલો શું હતો
આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, આશાપુર વારી કલાં ગામના રહેવાસી આનંદ રાવ અને તેમની પત્ની કુસુમ શનિવારે બપોરનું ભોજન પતાવીને પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન ગામનો યુવક ધર્મેશ ગુપ્તા પોતાના અન્ય ત્રણ અજાણ્યા સાથીઓ સાથે લાકડીઓ-હથિયારો સાથે આનંદ રાવના ઘરે ધસી આવ્યો હતો.
આ પણ વાંચો: ભાજપને અન્ય તમામ પક્ષો કરતા 10 ગણું વધુ દાન મળ્યું!
આ હુમલા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જાણવા મળ્યું છે કે માછલી પકડ્યા બાદ તેની વહેંચણી કરવામાં આવી રહી હતી, જેમાં આનંદ રાવના ભાગે માત્ર બે માછલીઓ વધારે આવી ગઈ હતી. જેને લઈને આરોપી ધર્મેશ ગુપ્તાએ પોતાની ટોળકી સાથે મળીને દલિત પરિવારને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને તેમના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.
જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો
પીડિત કુસુમે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, ધર્મેશ અને તેના સાથીઓએ ઘરમાં ઘૂસતાની સાથે જ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. જ્યારે દંપતીએ તેમને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો અને ગાળો આપવાનો વિરોધ કર્યો, ત્યારે આરોપીઓએ ‘તમારી હિંમત કેવી રીતે થઈ અમારી સામે બોલવાની’ તેમ કહીને હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે દંપતીના ચીસ પાડવા છતાં કોઈ તેમને બચાવવા હિંમત કરી શક્યું ન હતું.

આ પણ વાંચો: બેંકોએ 3 વર્ષમાં મિનિમમ બેલેન્સ પેનલ્ટી તરીકે રૂ. 19,000 કરોડ વસૂલી લીધાં
હુમલાખોરો ત્યાંથી ફરાર થયા બાદ, લોહીલુહાણ હાલતમાં કુસુમે હિંમત ભેગી કરી તુરંત ‘ડાયલ 112’ પર પોલીસને જાણ કરી હતી. કંધઈ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાની ગંભીરતા સમજી તત્કાલ આશાપુર વારી કલાં પહોંચી હતી. પોલીસે જોયું કે આનંદ રાવ અને કુસુમ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક પોલીસ વાનમાં જ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) નારાયણપુર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાલ તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.
આરોપીઓ સામે SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આ ઘટના અંગે પત્રકારો સાથે વાત કરતા પોલીસ અધિકારી મનોજ રઘુવંશીએ જણાવ્યું હતું કે, “ગામમાં માછલીની વહેંચણી જેવી બાબતે દલિત દંપતી પર હુમલો થયો હોવાની ફરિયાદ મળી છે. અમે પીડિત મહિલાની ફરિયાદના આધારે આરોપી ધર્મેશ ગુપ્તા અને અન્ય ત્રણ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ SC/ST એક્ટ હેઠળ એફઆઈઆર (FIR) નોંધી લીધી છે.”
આ પણ વાંચો: ઉનાના નેસડામાં જમીન માટે ભાઈઓએ બહેનનું ગળું દબાવી હત્યા કરી











