Dalit News: જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાંથી એક આભડછેટની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંના કાશીપુર હોલાગઢ વિસ્તારમાં એક ભૂંડ દ્વારા ખેતરમાં પાણી પીવા જેવી સામાન્ય બાબતે દલિત પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ પિતા-પુત્રને બેરહેમ માર માર્યો એટલું જ નહીં, પણ તેમના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી અને તેમની મિલકતોને પણ આગ લગાડી દીધી હતી.
પાલતુ ભૂંડે ખેતરમાંથી પાણી પીતા મારામારી
આ ઘટનાની મળતી માહિતી મુજબ, પીડિત બબ્લુ સરોજ અને તેનો પુત્ર નીરજ સરોજ પોતાના રોજિંદા વ્યવસાયના ભાગરૂપે પાલતુ ભૂંડ ચરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન માર્ગમાં આવતા એક ખેતરમાં તેમના એક ભૂંડે પાણી પી લીધું હતું. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર જાતિવાદી તત્વો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે બબ્લુ અને તેના પુત્ર સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી અને ભૂંડને અંકુશમાં ન રાખવા બદલ તેમને ધમકાવ્યા. વિવાદ એટલો વકર્યો કે હુમલાખોરોએ માનવતા નેવે મૂકીને પિતા-પુત્ર પર લાકડીઓ અને પાઈપો વડે તૂટી પડ્યા. પિતા-પુત્ર પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યા, પરંતુ હુમલાખોરોનો આક્રોશ હજુ શમ્યો નહોતો.

આ પણ વાંચો: “15 દિવસમાં આરોપીને પકડો”, ભરત સોંદરવાના મોત મુદ્દે દલિતોમાં રોષ
દલિત પરિવારના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી, આગ લગાવી
હુમલાખોરો હથિયારો સાથે બબ્લુ સરોજના ઘર સુધી પહોંચી ગયા હતા. તેમણે ઘરના દરવાજા તોડી નાખ્યા અને અંદર રહેલા સભ્યો પર હુમલો કર્યો. આ દરમિયાન હુમલાખોરોએ સતત જાતિસૂચક અપશબ્દોનો પ્રયોગ કરીને આખા પરિવારને અપમાનિત કર્યો હતો. ઘરમાં રહેલા સામાનની તોડફોડ કરવામાં આવી અને પરિસ્થિતિ વધુ વણસી ત્યારે હુમલાખોરોએ ઘરની બહાર ઉભેલી મોટરસાઈકલ પર પેટ્રોલ છાંટી તેને આગ લગાવી દીધી હતી. ભડકે બળતી બાઈક અને ઘરમાં ચાલતી તોડફોડ વચ્ચે પીડિત પરિવાર જીવ બચાવવા આજીજી કરતો રહ્યો. હુમલાખોરોએ ત્યાં ઉભેલા માલવાહક વાહન પર પણ ભારે પથ્થરમારો કર્યો હતો, જેનાથી વાહનને મોટું નુકસાન થયું છે.
એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ
આ હિંસક હુમલામાં બબ્લુ સરોજ અને તેના પુત્રને ગંભીર ઈજાઓ થઈ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિતની ફરિયાદના આધારે પોલીસે ગોવિંદ પટેલ ઉર્ફે ગુંડે, વિનોદ પટેલ ઉર્ફે બલ્લે, રમેશ પટેલ ઉર્ફે સરદાર, રાજારામ પટેલ અને વિનોદ પટેલ ઉર્ફે અગ્ગૂ નામના પાંચ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધી છે. પોલીસે આ તમામ વિરુદ્ધ આઈપીસીની ગંભીર કલમો તેમજ એસસી/એસટી (એટ્રોસિટી) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હુમલામાં સામેલ અન્ય કેટલાક અજ્ઞાત શખ્સોની ઓળખ કરવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: હોળીમાં DJ પર ગમતું ગીત વગાડવાના વિવાદમાં દલિત આધેડની હત્યા

સામાજિક અસમાનતા અને સુરક્ષાનો સવાલ
આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ દલિતોને નાની બાબતોમાં નિશાન બનાવવામાં આવે છે. એક ભૂંડે સવર્ણોના ખેતરમાંથી પાણી પીધું એમાં પિતા-પુત્રનો કોઈ ગુનો નહોતો, તેમ છતાં તેમની મિલકતો સળગાવી દેવામાં આવી.
હુમલાખોરોનો ઉદ્દેશ્ય માત્ર ખેતરની રક્ષા કરવાનો નહીં, પરંતુ દલિત પરિવારને શારીરિક અને આર્થિક રીતે પાયમાલ કરવાનો અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો હતો. જ્યારે કોઈ મિલકત સળગાવવામાં આવે અને ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવે, ત્યારે તે સામાજિક સદભાવના પર મોટો પ્રહાર છે. હાલમાં ગામમાં તણાવપૂર્ણ શાંતિ છે. સ્થાનિક લોકો અને દલિત સંગઠનોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ જાતિવાદી તત્વ આવી હિંમત ન કરે.
આ પણ વાંચો: દલિત યુવકની જાનમાં ફટાકડા ફોડવા મુદ્દે લાકડીઓ-દંડાથી હુમલો











