સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં એક રબારી પરિવાર તેમના ઘરે વીજળીનું મીટર ચેક કરવા આવેલા વીજ કંપનીના દલિત કર્મચારીને તેમના ઘરમાં ઘૂસવાની મનાઈ ફરમાવી રહ્યા છે. રબારી પરિવાર દલિત અધિકારીને કહેતો જણાય છે કે, અમને તમે અમારા ઘરમાં આવો તેની સામે વાંધો છે, તમારે મીટર ચેક કરવું હોય તો અહીંથી કરો, બાકી ઘરમાં અંદર જવા દેવામાં નહીં આવે. આ મામલે રબારી પરિવારના પડોશી પણ તેના સમર્થનમાં આવતા જણાય છે. આ વીડિયો ગુજરાતના ક્યા વિસ્તારનો છે તે ખ્યાલ આવતો નથી અને ખબરઅંતર.ઈન પણ સમગ્ર મામલે કોઈ પુષ્ટિ કરતું નથી.
અમદાવાદના એડવોકેટ સુબોધ કુમુદે તેમના ફેસબૂક એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં એક રબારી પરિવાર તેમના ઘરે વીજળીનું મીટર ચેક કરવા માટે આવેલા વીજ કંપનીના દલિત કર્મચારીને ઘરમાં ન ઘૂસવા અને બહાર ઉભા રહીને જ દૂરથી મીટર ચેક કરવા માટે કહેતા હોય તેમ સ્પષ્ટ જણાય છે. જ્યારે વીજ કર્મચારી તેમને આમ કરવા પાછળનું કારણ પૂછે છે ત્યારે તે યુવક અને એક મહિલા તથા યુવતી સ્પષ્ટ જવાબ આપી શકતા નથી. આ વીડિયો ખુદ વીજ કર્મચારીએ ઉતાર્યો હોય તેમ લાગે છે. જો કે ખબરઅંતર.ઈન પાસે તે ક્યા વિસ્તારનો છે તેની કોઈ માહિતી આવી શકી નથી, તેથી ખબરઅંતર.ઈન તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: બાઈકની હેડલાઈટ ચહેરા પર પડતા દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર્યો
એડવોકેટ સુબોધ કુમુદે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે, દયા આવે એવી ઘટના. વીજળીનું બિલ બનાવવા વીજ વિભાગનો અધિકારી આ ભાઈના ત્યાં જાય છે પણ એ અનુ. જાતિ પૈકી વણકર જ્ઞાતિનો હોઈ પેલા ભાઈ અને એનો પરીવાર એને મીટર ચેક કરવા દેતા નથી. આમાં દયા આ પરિવારની આવે છે. કેટલો અભણ, લાચાર અને માનસિક રીતે ખાલી ખોખું બની ગયેલો પરીવાર છે આ? માનસિક પછાતપણું કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ છે આ. અધિકારીઓ કામ કેવી રીતે કરશે જો આમ જાતિ જોઈને બધા જાતે સાહેબ બનશે તો? ખરેખર આમને શિક્ષણની જરૂર છે. પણ સરકાર તો શાળાઓ પ્રાઇવેટ કરી રહી છે. એટલે આ ભાઈ જેવા ડોબા જ રાખવા માંગે છે બધાને. ભણશે તો કંઈક વિચારી શકશે. સવારે ઉઠીને છેલ્લે ક્યારે સરખી ધોઈ હશે એના ઠેકાણા નથી પણ મીટર જોવા કોઈ અધિકારી આવે એમાં છેક ડુંટી સુધી પીડા થઈ જાય છે.”
સુબોધ કુમુદની આ પોસ્ટને 2 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે અને 159 લોકોએ તેને શેર કરી છે. જ્યારે 179 લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. કોમેન્ટમાં મોટાભાગના લોકોએ દલિત વીજ કર્મીનો વિરોધ કરનાર જાતિવાદી પરિવાર પર ફિટકાર વરસાવી છે.
આ પણ વાંચો: ‘ગુજરાત એટલે મનુવાદીઓનો ગઢ’, રાજકોટમાં ડો.આંબેડકરના પૌત્રના પ્રહારો











Users Today : 1736