દેશભરમાં મંદિર પ્રવેશને લઈને દલિતો પર આટઆટલાં અત્યાચારો થાય છે છતાં દલિતોમાં હજુ એક વર્ગ એવો છે જે મંદિરમાં જવાની લાલચને રોકી શકતો નથી. એકબાજુ મનુવાદી હિંદુઓ તેને હિંદુ માનવા તૈયાર નથી, છતાં આ વર્ગના દલિતોને માર ખાઈને પણ હિંદુ બનવું છે. છેવટે જ્યારે અસહ્ય અપમાન થાય ત્યારે તેમને ડો.આંબેડકર અને દેશનું બંધારણ યાદ આવે છે.
આવી જ એક ઘટના ગઈકાલે 14મી એપ્રિલના રોજ ડો.આંબેડકરના જ જન્મસ્થાન ઈન્દોરમાં બની ગઈ. જ્યાં એક દલિત વરરાજાને મંદિરમાં જઈને રામના દર્શન કરતા લુખ્ખા તત્વોએ અટકાવી દીધાં. માથાભારે તત્વો દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશતા રોકવા માટે મંદિરના દરવાજા પાસે ઉભા રહી ગયા હતા. જેના કારણે દલિત વરરાજાએ લગ્નના દિવસે જ શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું.
નોંધવા જેવી વાત એ છે કે, આ ઘટના મહાનાયક ડો.આંબેડકરના જન્મસ્થળ મહુથી સાવ નજીકન વિસ્તારમાં, એ પણ તેમના જન્મદિવસે બની હતી. એકબાજુ કરોડો દલિતો ડો.આંબેડકરના ચીંધ્યા રાહ પર જાતિવાદી હિંદુ ધર્મ છોડીને રેલીઓ કાઢી જય ભીમ, જય સંવિધાનના નારા લગાવતા હતા. બીજી તરફ આ દલિત વરરાજા હિંદુ બનીને પોતાનું નાક કપાવી રહ્યા હતા.
બાબાસાહેબના જન્મદિવસે જ દલિત વરરાજાએ નાક કપાવ્યું?
દેશભરમાં ગઈકાલે 14મી એપ્રિલે ડૉ.આંબેડકરની જન્મજયંતિ પર કાર્યક્રમો અને શ્રદ્ધાંજલિ સભાઓ યોજાઈ રહી હતી. ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના બેટમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાંઘવી ગામમાં લુખ્ખા તત્વોએ દલિત વરરાજા અને તેમની જાનને મંદિરમાં પ્રવેશીને દર્શન કરતા અટકાવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પહેલા સવર્ણોનો વિરોધ જોઈને પોલીસે તેમની વાત માની લઈ દલિત વરરાજાની જાનને પાછી મોકલી દીધી હતી. બાદમાં લગભગ બે કલાકની સમજાવટ બાદ દલિત વરરાજાને ફરીથી બોલાવવામાં આવ્યા અને દર્શન માટે મંદિરમાં લઈ જવામાં આવ્યા.
લુખ્ખા તત્વોએ દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશતા રોક્યા
મળતી માહિતી મુજબ સાંઘવી ગામમાં અંકિત સોલંકી નામના દલિત યુવકની જાન નીકળવાની હતી. પરંપરા મુજબ, વરરાજા દર્શન માટે મંદિરમાં પહોંચ્યા પરંતુ ગામના કેટલાક લુખ્ખા તત્વોએ તેને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા. જાનૈયા અને વરરાજા સાથે આવેલા સંબંધીઓએ મંદિરમાં ભગવાનના દર્શન કરવા દેવા માટે વિનંતી કરી, પરંતુ ત્યાં હાજર ગુંડાઓએ કોઈનું સાંભળ્યું નહીં. પરિસ્થિતિ તંગ બની ગઈ. દલિત પરિવારે લગ્નની જાન અને મંદિરમાં દર્શન કરવાને લઈને પોલીસને પહેલાથી જ જાણ કરી દીધી હતી, તેમ છતાં પોલીસ સમયસર ઘટનાસ્થળે પહોંચી નહોતી.
પોલીસ આવ્યા બાદ મંદિરનો રસ્તો ખુલ્યો
આ પણ વાંચો: બે પોલીસ સ્ટેશનના જાપ્તામાં દલિત વરરાજાની જાન માંડવે પહોંચી
લગભગ બે કલાક ચાલેલા આ વિવાદ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરિસ્થિતિને કાબુમાં લીધી અને વરરાજાને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી. દર્શન પછી જાન રવાના જઈ ગઈ. જો કે, 14મી એપ્રિલે જ એક દલિત વરરાજાના હિંદુ બનવાના શોખે દલિત સમાજનું નાક વાઢી નાખતા બહુજન સમાજે ભારે ફિટકાર વરસાવી હતી. જો બાબાસાહેબના જન્મદિવસે, તેમના જન્મસ્થળે જ આ પ્રકારની માનસિકતા ધરાવતા દલિતો મોજૂદ હોય, તો બીજે શું સ્થિતિ હશે તેની તો કલ્પના જ કરવી રહી.
પોલીસે શું કહ્યું?
આ ઘટના અંગે ગ્રામીણ એએસપી રૂપેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે મંદિરમાં પ્રવેશ અંગે સોશિયલ મીડિયા પર ભ્રામક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે વરરાજા અને તેનો પરિવાર મંદિરમાં ગયો હતો અને પૂજા પણ કરી હતી. આ વિવાદ ગર્ભગૃહ સુધી પ્રવેશને લઈને હતો, જે ઉકેલાઈ ગયો હતો.
આ પણ વાંચો: દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું