Dalit News: આવતા 50-100 વર્ષમાં દુનિયા ગમે તેટલી પ્રગતિ કરી લે પરંતુ કથિત વિશ્વગુરુ ભારત દેશમાંથી જાતિવાદ ખતમ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. એઆઈના આજના જમાનામાં જ્યાં ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા જેવા દેશો માણસને વધુને વધુ મદદરૂપ થઈ શકાય તેવા ટૂલ વિકસાવી રહ્યાં છે, સાયન્સ અને ટેકનોલોજીમાં આગળ વધી રહ્યાં છે, બીજી તરફ આપણા ભારત દેશમાં મનુવાદી માનસિકતાના મૂળ વધુને વધુ ઉંડા જઈ રહ્યાં છે. જાતિવાદી તત્વો બેફામ બની દલિતો સાથે ખૂલ્લેઆમ ભેદભાવ દાખવે છે અને કાયદાના રક્ષકો મૌન ધારણ કરીને બેસી ગયા છે.
આવી જ એક ઘટના જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. અહીંના કાનપુરના સજેતીના સોંખાહારી ગામમાં માત્ર ખાટલા પર બેસવા જેવી સામાન્ય અને નજીવી બાબતે એક દલિત ફેરીયાને જાતિવાદી માનસિકતા ધરાવતા શખ્સોએ ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ‘પુના કરારની અસર અને ઉકેલ’ મુદ્દે ચિંતન શિબિર યોજાઈ
400 રૂપિયાની ઉઘરાણી કરવા જતા માર માર્યો
ઘટનાની મળતી વિગતો મુજબ, કોરિયા ગામના રહેવાસી રામબહાદુર કાપડની ફેરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સોંખાહારી ગામના એક હોટલ સંચાલકે રામબહાદુર પાસેથી અગાઉ ઘરની મહિલાઓ માટે ઉધાર કાપડ લીધું હતું. આ કાપડના બાકી નીકળતા ૪૦૦ રૂપિયા લેવા માટે રામબહાદુર શનિવારે દુકાનદારના ઘરે પહોંચ્યા હતા. જો કે, થાક લાગ્યો હોવાથી તેઓ ઘરની બહાર પડેલા ખાટલા પર બેસી ગયા હતા. બસ, આટલી સામાન્ય વાતથી ઘરમાલિક સચિન કુશવાહા અને તેનો પરિવાર પિત્તો ગુમાવી બેઠો હતો અને હિંસક બની ગયો હતો.
જાતિવાદી ગાળો ભાંડી હુમલો કર્યો
પોતાના આંગણામાં રહેલા ખાટલા પર એક દલિત વ્યક્તિ બેસી જાય તે વાત આરોપીઓને ગમી નહોતી. આરોપી સચિને રામબહાદુરને ખાટલા પર બેઠેલો જોતા જ જાતિસૂચક ગાળો ભાંડી લાત મારી દીધી હતી. ભયભીત થયેલો રામબહાદુર તરત ખાટલા પરથી ઉતરીને થોડે દૂર જઈને જમીન પર બેસી ગયો હોવા છતાં, આરોપી સચિનનો ગુસ્સો શાંત થયો નહોતો. તે ઘરમાંથી લાઠી લઈને દોડી આવ્યો હતો અને રામબહાદુરને નીચે પાડીને ઢોર માર માર્યો હતો. રામબહાદુર પોતાની ગરીબી અને માલના પૈસાની ઉઘરાણી કરવા બદલ માફી માંગતો રહ્યો, પરંતુ જાતિવાદના નશામાં ચૂર આરોપીઓ તેને લાતો અને લાકડીઓથી મારવાનું ચાલુ રાખ્યું હતું.
આ પણ વાંચો: રાજપૂતોની બીકે 24 દલિત પરિવારોએ ઘરને તાળાં મારી ભાગવું પડ્યું!

આરોપીઓએ પોલીસ સામે પણ દાદાગીરી કરી
હુમલામાં ઘાયલ થયેલા રામબહાદુરે હિંમત કરીને પોલીસને જાણ કરી હતી. જ્યારે કોરિયા ચોકીના ઇન્ચાર્જ કે.પી. સિંહ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચ્યા, ત્યારે આરોપીઓએ પોલીસ સામે પણ દાદાગીરી કરી હતી. સચિન, જ્ઞાની અને અજીત નામના શખ્સોએ પોલીસ પાસે ધરપકડ માટે વોરંટની માંગણી કરી હતી અને ચોકી ઇન્ચાર્જ તથા હેડ કોન્સ્ટેબલ સાથે ધક્કા-મુક્કી કરી અભદ્ર વર્તન કર્યું હતું. પોલીસની હાજરીમાં પણ આરોપીઓનો મિજાજ ઠંડો પડ્યો નહોતો, જેના કારણે વધારાનો પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી અને આખરે ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.
એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીઓની અટકાયત કરાઈ
આ ઘટના બાદ કાનપુરના દલિત સમાજમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે, જેને પગલે સોંખાહારી ગામમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. એસીપી કૃષ્ણકાંતે મીડિયાને જણાવ્યું છે કે પીડિતની ફરિયાદ પર એટ્રોસિટી એક્ટ અને હુમલાની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કિસ્સો સાબિત કરે છે કે ભલે આપણે મંગળ ગ્રહ પર પહોંચવાની વાતો કરતા હોઈએ, પરંતુ જમીની હકીકત એ છે કે આજે પણ એક દલિતને ખાટલે બેસવા બદલ પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે. દલિત સંગઠનોએ આ મામલે કડક સજાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય.
આ પણ વાંચો: ધોળકાના લોલીયાના વિજય ચાવડાની હત્યાના 5 આરોપીઓને આજીવન કેદ











