રાજકોટમાં દલિત પત્રકારની જાહેરમાં હત્યા, 6 શખ્સોએ રહેંસી નાખ્યો

રાજકોટમાં દલિત પત્રકાર ભાવેશ વાણવીની જૂની અદાવતમાં સમાધાનના બહાને બોલાવી 6 શખ્સોએ પાઈપ અને કુહાડીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે.
Dalit journalist Bhavesh Vanvi murdered

ગુજરાતમાં જાતિવાદી તત્વોને જાણે દલિતો પર હુમલો કરવામાં કે હત્યા કરવામાં કાયદો વ્યવસ્થાની કોઈ બીક જ ન હોય તેવી સ્થિતિ છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ગઈકાલે દલિત સમાજમાંથી આવતા પત્રકાર અને જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા ભાવેશ વાણવીની અતિ કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. હુમલાખોરોએ ભાવેશને એટલી નિર્દયતાથી માર માર્યો હતો કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. પરિવારનો આક્ષેપ છે કે ભાવેશને સમાધાન કરવા માટે છેતરીને બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આયોજનબદ્ધ રીતે તેની હત્યા કરવામાં આવી હતી.

મિત્રોની નજર સામેથી ઉઠાવી જઈને હત્યા કરી

મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે ભાવેશ તેના મિત્રો રાહુલ પરમાર અને પ્રિન્સ વાણવી સાથે સોપાન હાઈટ્સ પાસે બેઠો હતો. જ્યારે આ મિત્રો જમવા માટે નીકળ્યા ત્યારે ડ્રીમ સિટી સામે સ્વીફ્ટ કાર અને બાઈક પર આવેલા હમીર જોગરાણા અને તેના સાગરીતોએ તેમને આંતર્યા હતા. હુમલાખોરોએ લાકડી, ધારિયા અને કુહાડી જેવા હથિયારો વડે હુમલો શરૂ કર્યો હતો. જીવ બચાવવા રાહુલ ત્યાંથી ખસી ગયો હતો, જ્યારે પ્રિન્સને માથામાં ઈજા પહોંચાડી હતી. હુમલાખોરો ભાવેશને જબરદસ્તીથી કારમાં નાખીને ઉઠાવી ગયા હતા. રસ્તામાં તેને પાઈપ અને હથિયારોથી બેરહેમ માર મારીને અર્ધમૃત હાલતમાં રસ્તા પર ફેંકી દીધો હતો. ટૂંકી સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં ભાવેશનું મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો: JNU ના વાઈસ ચાન્સેલરે દલિતોને ‘પીડિત માનસિકતા’થી ગ્રસ્ત ગણાવ્યા!

2 લાખ રૂપિયા સાથે ભાવેશ સમાધાન કરવા ગયો હતો

મૃતક ભાવેશની માતા ગીતાબેનના આક્રંદે હોસ્પિટલના વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું. તેમણે રડતા રડતા જણાવ્યું કે, “મારો દીકરો 2 લાખ રૂપિયા લઈને સમાધાન માટે ગયો હતો. હુમલાખોરોએ ધમકી આપીને તેની પાસે એક વીડિયો પણ શૂટ કરાવ્યો હતો અને વિશ્વાસ અપાવ્યો હતો કે મામલો થાળે પડી જશે. પણ તેઓએ છેતરીને મારા દીકરા પર ઘા કર્યો.” આ નિવેદન સ્પષ્ટ કરે છે કે હત્યા અચાનક થયેલો હુમલો નહોતો, પરંતુ એક પૂર્વ આયોજિત કાવતરું હતું જેમાં ભાવેશને વિશ્વાસમાં લઈને મોતની જાળમાં ફસાવવામાં આવ્યો હતો.

હત્યાનું કારણ તંત્રમાં કરેલી અરજી અને જૂની અદાવત

આ સમગ્ર હત્યાકાંડ પાછળનું કારણ રસના ચીચોડાનો વિવાદ હોવાનું જાણવા મળ્યું છે. ભાવેશ વાણવીએ હમીર જોગરાણા સામે મહાનગરપાલિકામાં ચીચોડો રાખવા બાબતે ફરિયાદ કરી હતી. એક દલિત યુવાન સામાજિક રીતે સક્રિય થઈને તંત્ર પાસે ન્યાય માંગે તે વાત હુમલાખોરોને પચી નહોતી. જૂની અદાવતનો ખાર રાખીને તેને પાઠ ભણાવવાના ઈરાદે આ હિચકારું કૃત્ય કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: લોહીયાળ જંગઃ જાતિવાદી તત્વોએ હુમલો કરી દલિતવાસ સળગાવ્યો

કાયદાનો ડર ક્યાં? જાતિવાદી તત્વો બેફામ

સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જાતિવાદી તત્વોને એક દલિત પત્રકારની હત્યા કરતી વખતે કાયદા કે પોલીસની બીક કેમ નથી લાગતી? રાજકોટના ભરચક રસ્તા પરથી યુવાનનું અપહરણ કરી તેને રહેંસી નાખવામાં આવે તે પોલીસની આબરૂના ધજાગરા ઉડાડે છે. હુમલાખોરોએ જે ક્રૂરતા દાખવી છે તે દર્શાવે છે કે તેઓને ખાતરી છે કે તેઓ કાયદામાંથી છટકી જશે અથવા તેમને મળતું રાજકીય પીઠબળ તેમને બચાવી લેશે. સામાજિક આગેવાન માવજીભાઈ રાખસીયાએ યોગ્ય જ કહ્યું છે કે ભાવેશનું એક પણ અંગ એવું બાકી નથી રાખ્યું જ્યાં હુમલાખોરોએ ઘા ન માર્યા હોય. આ નફરત માત્ર ભાવેશ સામે નહોતી, પણ તેની જાતિ અને તેની હિંમત સામે હતી.

આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય

ભાવેશના મોત બાદ હોસ્પિટલ પર દલિત સમાજના સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. પરિવારે અને સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તમામ મુખ્ય આરોપીઓ પકડાય નહીં અને પોલીસ કડક કાર્યવાહીની લેખિત ખાતરી ન આપે ત્યાં સુધી તેઓ ભાવેશનો મૃતદેહ સ્વીકારશે નહીં. આ આક્રોશ માત્ર એક હત્યા સામે નથી, પણ વારંવાર દલિતો પર થતા અત્યાચારો સામેની એક લડત છે. પોલીસ હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે દોડધામ કરી રહી છે, પણ રક્ષણ આપવાની જવાબદારીમાં તેઓ નિષ્ફળ રહ્યા છે તે હકીકત છે.

આ પણ વાંચો: અમરેલી સિવિલમાં દેવીપૂજક મહિલાનું મોત, સમાજ 13 દિવસથી ધરણા પર

બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

૩૦ વર્ષીય ભાવેશ વાણવી તેની બે બહેનોનો એકનો એક ભાઈ હતો. તેની પાછળ પત્ની દિવ્યાબેન અને બે નાના પુત્રો 7 વર્ષનો લક્ષ અને 4 વર્ષનો અંશ છે. આ માસૂમ બાળકોને કદાચ ખબર પણ નથી કે તેમના પિતા ક્યારેય પાછા નહીં આવે. પરિવારની આર્થિક અને સામાજિક જવાબદારી જે ખભા પર હતી, તેને જાતિવાદીઓએ તોડી નાખ્યો છે.

પોલીસ અને સરકાર શું કરી રહી છે?

રાજકોટ પોલીસ માટે આ કેસ એક મોટી કસોટી છે. DCP રાકેશ દેસાઈએ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે, પરંતુ સામાન્ય નાગરિકોમાં વિશ્વાસ ત્યારે જ આવશે જ્યારે આરોપીઓને એટલી કડક સજા થાય કે ફરી કોઈ પણ વ્યક્તિ આવી હિંમત ન કરે. શું તંત્ર આ જાતિવાદી માનસિકતાને નેસ્તનાબૂદ કરી શકશે? જો હુમલાખોરોને વહેલી તકે પકડીને દાખલારૂપ જેલભેગા કરવામાં નહીં આવે, તો આદિવાસી અને દલિત સમાજમાં અસુરક્ષાની ભાવના વધુ પ્રબળ બનશે. આ હત્યાકાંડ માત્ર ભાવેશ વાણવીની હત્યા નથી, પણ લોકશાહીના ચોથા સ્તંભ અને સામાજિક ન્યાયની પણ હત્યા છે. જોવાનું એ રહેશે કે પોલીસ પોતાની આબરુ કેવી રીતે બચાવે છે.

આ પણ વાંચો: બ્રાહ્મણ પડોશીને ‘હેપ્પી હોલી’ કહેતા દલિત યુવકની છરી મારી હત્યા!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
2 hours ago

Nirlipt Ray saheb tamari mrdangi have to batavo,,, ane aa Hindu jatankvadi aatankvadi o ne aajivan jail bhega karo ane pdit parivartan ne muvvaj ane sarkari nokari aapo ane jamin pan aapo,,,

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x