પ્રગતિશીલ ગણાતા દક્ષિણ ભારતમાંથી દલિત અત્યાચારાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં એક સરકારી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા એક દલિત સગીર વિદ્યાર્થીને 6 છોકરાઓએ મળીને વીજળીના ઝાટકા આપતા ચકચાર મચી ગઈ છે. આ છોકરાઓએ આયોજનબદ્ધ રીતે દલિત સગીર પર અત્યાચાર કર્યો હતો.
દલિત સગીરને છોકરી પસંદ કરતી હોવાથી કાવતરું ઘડ્યું
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 7 ઓગસ્ટના રોજ બની હતી. પીડિત દલિત સગીરને એક છોકરી પસંદ કરતી હતી, જે આ છોકરાઓને ગમતું નહોતું. તેથી તેમણે દલિત સગીરને આયોજનબદ્ધ રીતે સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું. તેના માટે તેમણે પ્લાન બનાવીને તેને રૂમમાં પુરીને વીજળીના ઝાટકા આપ્યા હતા. 9 ઓગસ્ટના રોજ હોસ્ટેલમાં બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. એ પછી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: આઝાદીના 76 વર્ષમાં ગામમાં પહેલીવાર છોકરી મેટ્રીક પાસ થઈ
6 આરોપીઓ પૈકી 5 પુખ્ય, 1 સગીર
પાલનાડુના ડીએસપી પી. જગદીશે પીટીઆઈને જણાવ્યું હતું કે, “છ છોકરાઓના ગ્રુપે સરકારી હોસ્ટેલમાં એક સગીર દલિત છોકરાને વીજળીના ઝાટકા આપ્યા હતા. છ આરોપીમાંથી 5 પુખ્ત છે અને 1 સગીર છે. કોર્ટે સગીર આરોપીને 22 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દીધો છે, જ્યારે અન્ય આરોપી પર કોર્ટનો નિર્ણય પેન્ડિંગ છે. ઘટનામાં બે આરોપીઓ બહારના છે, જ્યારે બાકીના ત્રણ એક જ હોસ્ટેલમાં રહે છે.
ડીએસપીએ શું કહ્યું?
ડીએસપીના જણાવ્યા અનુસાર, દલિત વિદ્યાર્થીને છોકરી સાથેના સંબંધોનો અંત લાવવા માટે ઘણી વખત આરોપીઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું. તેઓ તેને ધમકી પણ આપતા હતા. પરંતુ એ પછી પણ છોકરી દલિત સગીર સાથે જ મિત્રતા જાળવી રાખવા તત્પર હોવાથી આરોપીઓ દ્વારા દલિત સગીરને ટોર્ચર કરવા માટેની યોજના ઘડવામાં આવી હતી. આરોપીએ સ્વીકાર્યું છે કે તેમણે દલિત વિદ્યાર્થીને વીજળીના ઝાટકા આપ્યા હતા. જો કે, તેના કોઈ ફૂટેજ વીડિયોમાં રેકોર્ડ કરવામાં આવ્યા નથી.
હોસ્ટેલના ઈન્ચાર્જે વીડિયો કન્ફર્મ કર્યો
હોસ્ટેલના ઇન્ચાર્જ એમ. દીપિકાએ કન્ફર્મ કર્યું હતું કે, સાથી વિદ્યાર્થીઓ દ્વારા એક સગીર દલિત વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. વાયરલ થયેલો વીડિયો તેમની હોસ્ટેલનો છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ 6 આરોપી છોકરાઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: કેશોદના અગતરાયમાં 6 બહેનોના એકના એક ભાઈએ આપઘાત કર્યો