Dalit News: મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં સામાજિક બહિષ્કારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉદયપુરાના પીપરિયા પુઆરિયા ગામના ભરતસિંહ ધાકડે આરોપ લગાવ્યો છે કે ગ્રામ પંચાયતે તેમના પરિવારનો એટલા માટે સામાજિક બહિષ્કાર કર્યો છે કેમ કે તેણે તેના એક દલિતમિત્રના ઘરે શ્રાદ્ધ દરમિયાન ભોજન કર્યું હતું.
ગામના જાતિવાદી અને ધર્માંધ સવર્ણ હિંદુઓનું માનવું છે કે, એક દલિતના ઘેર ભોજન કરવું એ ગૌહત્યા કરતા પણ મોટું પાપ છે અને તેથી આ યુવક અને તેના પરિવારને તેની સજા મળવી જોઈએ. તેથી તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે.
મામલો શું હતો?
આ ઘટના લગભગ એક મહિના પહેલા જિલ્લા મુખ્ય મથકથી લગભગ 100 કિલોમીટર દૂર ઉદયપુરાના પીપરિયા પુઆરિયા ગામમાં બની હતી અને જાહેર સુનાવણી દરમિયાન પ્રકાશમાં આવી હતી. ગ્રામ પંચાયતે દલિત વ્યક્તિના ઘરે જમવા બદલ કથિત ઉચ્ચ જાતિના ત્રણ લોકોનો સામાજિક બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો હતો અને જો સામાજિક બહિષ્કાર રોકવો હોય તો તેમણે સમગ્ર ગામ માટે ભોજન સમારંભ યોજવો પડશે તેવી સજા ફટકારી હતી.
આ પણ વાંચો: RSS પર પ્રતિબંધ મૂકવા મહારાષ્ટ્રમાં હજારો બહુજનો રસ્તા પર ઉતર્યા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રણમાંથી બે લોકોએ પંચાયતની શરતો સ્વીકારી અને “તપશ્ચર્યા” કરી, પરંતુ તેમાંથી એક ભરતસિંહ ધાકડે, પોલીસનો સંપર્ક કર્યો અને ગ્રામ્ય પંચાયત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે તેમની અને તેમના પરિવાર સાથે અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી રોકવામાં આવી રહ્યા છે. જોકે, ગામના સરપંચે આ આરોપોને નકારી કાઢ્યા છે.
ઉદયપુરાના મામલતદાર દિનેશ બરગલેએ જણાવ્યું કે, ભરતસિંહ ધાકડે જાહેર સુનાવણી દરમિયાન કલેક્ટરને આપી હતી. જેમાં ગ્રામ પંચાયત પર સામાજિક બહિષ્કારનો આદેશ જારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ધાકડે આ આરોપો સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને પંચો સામે લગાવ્યા હતા.
બરગલેએ વધુમાં કહ્યું, “આ મામલાની તપાસ ચાલી રહી છે, અને જો આરોપો સાચા સાબિત થશે, તો સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
ફરિયાદી ભરતસિંહ ધાકડે જણાવ્યું કે, તેમણે અને તેમના સાથીઓ, ગ્રામ્ય પંચાયતના સહાયક સચિવ મનોજ પટેલ અને શિક્ષક સત્યેન્દ્ર સિંહ રઘુવંશીએ ‘શ્રાદ્ધ’ દરમિયાન ગામના એક દલિત પરિવારના ઘરે ભોજન કર્યું હતું.
આ પણ વાંચો: ટોઈલેટમાં લપસી જતા ધો.3માં ભણતી આદિવાસી વિદ્યાર્થીનીનું મોત
ગ્રામ પંચાયતે ગૌહત્યા કરતાં પણ ખરાબ પાપ જાહેર કર્યું
જોકે, આ ઘટના બાદ, પંચાયતે એક ઠરાવ પસાર કરીને જાહેર કર્યું કે દલિતના ઘરે ભોજન કરવું એ ગૌહત્યા કરતાં પણ ખરાબ પાપ છે, અને જે લોકો આવું કરે છે તેમણે ગંગા નદીમાં સ્નાન કરીને અને ગામના સવર્ણ હિંદુઓ માટે ભોજન સમારંભનું આયોજન કરીને શુદ્ધ થવું પડશે.
ગામલોકોએ સામાજિક બહિષ્કાર કરી દીધો
ધાકડે દાવો કર્યો હતો કે પંચાયતના દબાણ હેઠળ, તેમના બે સાથીઓ પટેલ અને રઘુવંશીએ ગંગા નદીમાં સ્નાન કર્યું હતું અને ગામના સવર્ણો માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું, પરંતુ તેમણે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, એ પછી તેમનો અને તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તમામ સામાજિક કાર્યક્રમોમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. ધાકડે કહ્યું હતું કે તેમની સાથે અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેમને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.
પ્રાયશ્ચિત કરવા પિંડદાન અને માથું મુંડન કરવા કહેવાયું
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તેમણે પંચાયત સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે તેમને તેમના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે માથું મુંડન કરાવવા અને તેમના પિતાના જીવતા હોવા છતાં પિંડદાન (મૃત્યુ પછીની વિધિ) કરવા કહેવામાં આવ્યું હતું.
દરમિયાન, સરપંચ ભગવાન સિંહ પટેલે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું, “જો ગામમાં કોઈ તેમને અંગત કારણોસર તેમના કાર્યક્રમોમાં આમંત્રણ ન આપે, તો તે તેમનો અંગત મામલો છે. અસ્પૃશ્યતા જેવા આરોપો સાચા નથી.”
આ પણ વાંચો: સુરતમાં BLO યુવતીનું શંકાસ્પદ મોત, અત્યાર સુધીમાં 4ના મોત
ઉલ્લેખનીય છે કે, ઉદયપુરા મધ્યપ્રદેશના આરોગ્ય રાજ્યમંત્રી નરેન્દ્ર શિવાજી પટેલનો મતવિસ્તાર છે. સરપંચે કહ્યું કે ધારાસભ્ય અને રાજ્યમંત્રી નરેન્દ્ર શિવાજી પટેલે પણ મુલાકાત લીધી હતી અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગામલોકોએ તેમનું પણ સાંભળતા નથી, તો તેઓ શું કરી શકે?
પોલીસ અને વહીવટીતંત્ર શું કરી રહ્યું છે?
સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી (SDOP) કુંવર સિંહ મુકાતીએ જણાવ્યું હતું કે ગામના સામાજિક કાર્યક્રમોમાંથી કોઈને બાકાત રાખવા, તેમની સાથે અસ્પૃશ્ય વર્તન કરવું, અથવા ગંગામાં સ્નાન કરવું, ભોજન કરાવવું અથવા માથું મુંડન કરવું જેવી સજાઓ લાદવી એ ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ સજાપાત્ર ગુનાઓ છે.
તેમણે કહ્યું, “સામાજિક દુશ્મનાવટ ફેલાવવી, દબાણ અથવા ધમકીઓ દ્વારા સામાજિક સજા લાદવી અને સામાજિક ભાગીદારીને અટકાવવી એ ગુનાઓ છે. દરેક નાગરિકને ગૌરવ અને સમાનતા સાથે જીવવાનો અધિકાર છે. તેથી, જો આવો કેસ પ્રકાશમાં આવશે, તો તપાસ હાથ ધરવામાં આવશે અને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે.”
શિક્ષકે ગામલોકોની વાત માનીને પ્રાયશ્ચિત કરી લીધું
જ્યારે સત્યેન્દ્ર સિંહ રઘુવંશી, જેમણે ધાકડ સાથે દલિત વ્યક્તિના ઘરે રાત્રિભોજન કર્યું હતું, તેમણે કહ્યું કે તેમને હવે કોઈ સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડતો નથી. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 16 વર્ષથી ગામની સરકારી માધ્યમિક શાળામાં નોકરી કરે છે અને જે દલિત વ્યક્તિના ઘરે તેમણે ભોજન કર્યું હતું તે તેમનો મિત્ર છે.
આ પણ વાંચો: ‘જ્યાં સુધી બ્રાહ્મણ દીકરી ન આપે, ત્યાં સુધી અનામત ચાલુ રહેશે’
સત્યેન્દ્ર સિંહ રઘુવંશીએ કહ્યું, “હું જાતિ વ્યવસ્થામાં માનતો નથી, તેથી હું ‘શ્રાદ્ધ’ દરમિયાન મારા મિત્ર સંતોષ મહેતરના ઘરે રાત્રિભોજન માટે ગયો હતો. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો તેને ગામલોકોમાં ફેલાવી દીધો, જેના કારણે વિવાદ થયો.”
“કોઈ સામે કોઈ ફરિયાદ નથી”
એક સમાચાર એજન્સી સાથે વાત કરતા, સત્યેન્દ્ર રઘુવંશીએ કહ્યું કે, પંચાયતના આદેશ મુજબ, તેઓ અલ્હાબાદમાં તેમના ગુરુના આશ્રમમાં ગયા હતા અને નદીઓના સંગમ પર સ્નાન કરીને પાછા ફર્યા હતા. તેમણે કહ્યું, “મને કોઈ સામે કોઈ ફરિયાદ નથી.”
સવાલ એ થાય કે, એક શિક્ષક થઈને સત્યેન્દ્ર રઘુવંશીએ ગામલોકોની સામે પડવાને બદલે ગંગામાં સ્નાન કરીને પ્રાયશ્ચિત કેમ કરવું પડ્યું, આવા શિક્ષકો બાળકોને શું ભણાવશે, કેવો સંદેશો આપશે?
આ પણ વાંચો: હવે ગુજરાતમાં તલાટીઓ કૂતરા શોધવા નીકળશે!












જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો ભારત ના ભાગલા પાડી રહ્યા છે,
અને જાતિવાદી આતંક લોકો નું જીવન દુષ્કર બનાવી રહ્યા છે..