જાતિવાદ અને ગુંડાગર્દી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં દલિત અત્યાચારની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના બસ્તી જિલ્લામાં એક ભોજપુરી દલિત ગાયિકા અને તેના ભાઈ પર લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ગાયિકાના ભાઈને ઝાડ સાથે બાંધી માર માર્યો, પછી તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે. આ ઘટનાથી દલિતો ગુસ્સે ભરાયા છે. પીડિતા અને તેના પરિવારે પોલીસ અધિક્ષક (SP) ને મળીને ન્યાયની માંગણી કરી છે.
મામલો શું હતો?
બસ્તી જિલ્લાના કલવારી પોલીસ સ્ટેશનના ભાટપુરવા ગામમાં જાતિવાદી તત્વો દ્વારા એક દલિત યુવાનને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. જેને લઈને પીડિત દલિત યુવક ફરિયાદ કરવા આરોપીઓના ઘરે ગયો હતો. પરંતુ આરોપીઓએ તેની વાત સાંભળવાને બદલે તેને ઝાડ સાથે બાંધી દીધો હતો અને તેના કપડાં ફાડી નાખ્યા અને લાકડીઓથી ઢોરની જેમ માર માર્યો હતો. જાતિવાદી તત્વોએ દલિત યુવાનને ઝાડ સાથે બાંધીને તેને એટલો માર માર્યો હતો કે તેમની લાકડીઓ પણ તૂટી ગઈ હતી. જેમ તેમ કરીને તે યુવાન ભાગી ગયો અને શેરડીના ખેતરમાં છુપાઈ ગયો અને પોતાનો જીવ બચાવ્યો. યુવકનું નામ શ્રીચંદ છે અને તેની બહેન સીમા એક ભોજપુરી ગાયિકા છે. તેનો પરિવાર આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને ડરી ગયો છે.
આ પણ વાંચો: ગ્રાહકે કહ્યું, ‘અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માંગતા નથી’
પીડિત દલિત યુવકે શું કહ્યું?
પીડિત શ્રીચંદે કહ્યું કે તે તેના મોટા ભાઈ સાથે કોલોનીથી ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં શિવશાંત નામના શખ્સે તેમને રોક્યા અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. શ્રીચંદ ઘરે પહોંચ્યો ત્યારે તેણે તેના પરિવારને ઘટનાની જાણ કરી. પરિવારના સભ્યોએ તેને શિવશાંતના પરિવારને ફરિયાદ કરવાની સલાહ આપી. શ્રીચંદ તેની બહેન સાથે શિવશાંતના ઘરે પહોંચ્યો હતો અને તેમને માથાકૂટ બાબતે ફરિયાદ કરી. જોકે, શિવશાંતના પરિવારે માફી માગવાને બદલે શ્રીચંદ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું.
આરોપીના પરિવારના સભ્યોએ તેની બહેન સીમાને કારમાંથી બહાર કાઢી અને તેને માર મારવાનું શરૂ કર્યું. તેમની કારના કાચ તોડી નાખ્યા. આરોપીઓએ શ્રીચંદને પહેલા લાકડીઓ અને સળિયાથી નિર્દયતાથી માર માર્યો, તેનો શર્ટ ફાડી નાખ્યો અને તેને દોરડાથી ઝાડ સાથે બાંધીને ઢોરની જેમ મારવામાં આવ્યો.
આ પણ વાંચો: એક દલિત નેતાને વિચાર આવ્યો અને દેશમાં રાજધાની એક્સપ્રેસ શરૂ થઈ
ગાયિકાએ શું કહ્યું?
ભોજપુરી ગાયિકા અને આ કેસની પીડિતા સીમાએ કહ્યું, “જ્યારે અમે તેના પરિવારને ફરિયાદ કરવા ગયા, ત્યારે તેમણે મને કારમાંથી ખેંચીને જાતિવાદી અપશબ્દો કહ્યા. તેમણે મારા બે ભાઈઓને માર માર્યો. મારા ભાઈને ઝાડ સાથે બાંધીને, નગ્ન કરીને એટલા જોરથી માર મારવામાં આવ્યો કે લાકડી તૂટી ગઈ. તેમણે અમારી કારના કાચ તોડી નાખ્યા અને 42,000 રૂપિયા રોકડા અને ગળામાંથી સોનાની ચેઈન લઈ લીધી.”
પોલીસે શું કહ્યું?
આ ઘટના અંગે, કલવારી સર્કલના સીઓ પ્રદીપ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે કલવારી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઘાયલોને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. ગામમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. તેમણે ઉમેર્યું કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: સવર્ણ મહિલાઓની સતામણીથી દલિત કિશોરે ઝેર પી આપઘાત કર્યો











Users Today : 1737