ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી ખાસ કરીને ઓબીસી સમાજના રબારી,ભરવાડ અને ઠાકોર સમાજના લોકો દ્વારા દલિતો પર જીવલેણ હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. સવર્ણ હિંદુઓ દ્વારા દરેક સરકારી ભરતીમાં ઓબીસીના હકની નોકરીઓ પર તરાપ મારવામાં આવે છે. તે બાબતે આ લોકોમાં લડત આપવાની તાકાત નથી, પરંતુ દલિતો પર નજીવી બાબતે પણ જીવલેણ હુમલો કરતા આ લોકો ખચકાતા નથી. પોતાની જાતિના કથિત મિથ્યાભિમાનમાં રાચતા આ લોકો નિર્દોષ દલિતો પર હુમલો કરી તો દે છે પરંતુ જ્યારે કાયદો કાયદાનું કામ કરીને તેમને જેલમાં ધકેલી દે છે, ત્યારે તેમની બધી હોંશિયારી સોંસરી નીકળી જાય છે. અને ત્યારે તેમની પાસે પસ્તાવા સિવાય કોઈ રસ્તો નથી હોતો.
ગુજરાતમાં છેલ્લાં એક મહિનામાં જ દલિતો પર 5થી વધુ જીવલેણ હુમલાની ઘટનાઓ બની છે અને તે તમામ ઘટનાઓમાં આરોપીઓ ઓબીસીની ભરવાડ, રબારી અને ઠાકોર જાતિના છે. હવે આ યાદીમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે.
મહેસાણાના કડી તાલુકાના બુડાસણ ગામની ઘટના
ઘટના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામની છે. અહીં એક 21 વર્ષના એમબીએનો અભ્યાસ કરતા દલિત યુવક પર 5 રબારી યુવકોએ એક સંપ કરીને જીવલેણ હુમલો કર્યો હતો. દલિત યુવક શિક્ષિત હોવાથી સમાજના દરેક નાનામોટા કામોમાં આગળ પડતો રહેતો હતો. ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં તેની સારી એવી ફેન ફોલોઈંગ હોવાથી યુવક ફેમસ છે. તે મોંઘી બાઈક ચલાવે છે અને મોંઘા કપડાં પહેરતો છે. આ બધી જ બાબતો રબારી સમાજના યુવકોને ખટકતી હતી.
આ પણ વાંચો: બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન કેટલું સલામત?
દલિત યુવકના ઘરનો રસ્તો રબારીઓની વસ્તીમાં થઈને નીકળતો હોવાથી રબારીઓ યુવક સામે દરરોજ તેની સામે ખુન્નસ ભરી નજરે જોતા હતા અને તેને પાઠ ભણાવવા માંગતા હતા. આ માટે અગાઉ પણ તેમણે બે વાર યુવક પર હુમલો કર્યો હતો અને આ ત્રીજીવાર હુમલો કર્યો છે. દલિત યુવક તેના કુટુંબી યુવક સાથે સ્કૂટર પર બેસીને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે પાંચેય રબારી યુવકોએ તેનો રસ્તો આંતર્યો હતો. એ પછી દલિત યુવક કશું સમજે તે પહેલા છરી-લાકડીઓથી હુમલો કરી દીધો હતો. જેમાં દલિત યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા પહેલા કડી, પછી ગાંધીનગર, કલોક અને હવે અમદાવાદ ખાતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
યુવકની હાલત કેટલી ગંભીર છે તેનો અંદાજ તમે એના પરથી પણ લગાવી શકો છો કે, તે ત્રણ દિવસથી ભાનમાં આવ્યો નથી, તે બરાબર જોઈ શકતો નથી અને સંભળાવાનું પણ ઓછું થઈ ગયું છે. આ આખી ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે, દલિત યુવક પર જીવલેણ હુમલો કર્યા પછી પણ આરોપીઓએ તેની સામે ખોટી ક્રોસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે નોંધી પણ લીધી છે. કલ્પના કરો, આમાં દલિતો ન્યાયની આશા કોની પાસે રાખે?
ઘટના કેવી રીતે બની હતી?
આ ઘટનાની નોંધાયેલી ફરિયાદ મુજબ, 21 વર્ષનો અમન ચાવડા મહેસાણાના કડી તાલુકાના બુડાસણ ગામે વણકર વાસમાં રહે છે અને કડી સર્વ વિદ્યાલયમાં MBA નો અભ્યાસ કરે છે. તેના માતાપિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેનાથી મોટી એક બહેન છે. અમને ભાનમાં હતો ત્યારે હોસ્પિટલમાંથી નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તા. 19 જુલાઈ 2025ને શનિવારના રોજ સવારે 10 વાગ્યા આસપાસ તે તેના કુટુંબી રાકેશ ચાવડા સાથે ગામથી બહાર આવેલ વણકર સમાજની રેલવેમાં કપાતમાં ગયેલી સ્મશાનની જગ્યાના ફોટા પાડવા માટે ગયો હતો.
ફોટા પાડીને જ્યારે તે ઘરે પરત આવતો હતો ત્યારે રબારીવાસ અને વણકરવાસ વચ્ચે આવેલા રોડ પર (1) આયુષ રબારી (2) નિર્મલ રબારી (3) જયહિંદ રબારી (4) નાગજી રબારી અને (5) ગમન રબારીએ તેના એક્ટિવાનો રસ્તો રોકી તેને ઉભો રાખ્યો હતો. જેવું અમને એક્ટિવા ઉભું રાખ્યું કે તરત પાંચેય આરોપીઓએ લાકડીઓ અને ચપ્પાથી તેના પર હુમલો કરી દીધો હતો. હુમલામાં એક્ટિવા નીચે પડી જતા તેની સાથે રહેલો રાકેશ ચાવડા જીવ બચાવવા દોડીને વણકર વાસ તરફ જતો રહ્યો હતો. એ પછી પાંચેય આરોપીઓએ મળીને અમન ચાવડાને હાથ-પગ, કોણી, પેટ અને માથામાં મનફાવે ત્યાં છરી અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ હુમલામાં અમનના આખા શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હુમલાની જાણ થતા વણકર વાસના લોકો દોડીને ત્યાં આવી પહોંચ્યા હતા, તેથી આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. એ પછી અમનને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા પહેલા કડીની ભાગ્યોદય હોસ્પિટલ, ત્યાંથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, બાદમાં કલોલની ઋગ્વેદ હોસ્પિટલ અને હવે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દલિત યુવકના હત્યારા 8 લોકોની આજીવન કેદ સુપ્રીમે યથાવત રાખી
21 વર્ષના દલિત યુવક અમન ચાવડાની હાલત નાજુક
આરોપી રબારીઓએ અમન પર કઈ હદે જીવલેણ હુમલો કર્યો હતો તેનો અંદાજ એના પરથી પણ લગાવી શકાય કે, તેનો એક પગ ભાંગી ગયો છે અને તેમાં પ્લેટ નાખવી પડી છે. તેના બીજા હાથે પણ ફેક્ચર થઈ ગયું છે અને માથામાં ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને બરાબર દેખાતું પણ નથી અને તે બોલી કે સાંભળી પણ શકતો નથી. અમન ફરિયાદ લખાવ્યા બાદથી ત્રણ દિવસથી બેભાન અવસ્થામાં છે. તેનો પરિવાર રોઈ રોઈને અડધો થઈ ગયો છે. હલકાઈની હદ તો એ છે કે અમન પર આટલો ગંભીર હુમલો કર્યા પછી પાંચેય આરોપીઓએ તેની સામે ખોટી ક્રોસ ફરિયાદ દાખલ કરી દીધી છે, જેથી અમનના પરિવારજનો ડરીને સમાધાન કરી લે.
મહેસાણાના જાગૃત દલિતો અમનની મદદે પહોંચે
ઘટનાની જાણ થતા જ મહેસાણા જિલ્લાના નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો ભરતભાઈ અને શાંતાબેન અમનના પરિવારની પડખે આવીને ઉભા રહ્યાં છે અને કાયદાકીય લડત આપવામાં મદદ કરી રહ્યાં છે. હાલ અમનના પરિવારજનોને સમાજની મદદની જરૂર છે, માટે મહેસાણા જિલ્લાના દલિત આગેવાનો વહેલીતકે બુડાસણ પહોંચે અને અમન ચાવડાના પરિવારને આર્થિક,સામાજિક, રાજકીય અને કાયદાકીય ટેકો પુરો પાડે તે જરૂરી છે. કેમ કે, સામાજિક ન્યાયની લડાઈ સંગઠિત થઈને જ લડી શકાશે.
આ પણ વાંચો: પાટણના દાત્રાણામાં સરપંચ સહિત 14 લોકોએ દલિત પર હુમલો કર્યો
બહુ ખરાબ થઈ રહ્યું છે
*OBC સમાજનાં બુદ્ધિશાળી અને સામાજિક કાર્યકરોએ પોતાના સમજદાર સંતાનોને ગંદી રાજનીતિથી દૂર રાખે કેમકે દલિત મુસ્લીમ અને પછી OBC સમાજ અંતમાં જાતિવાદી માનસિકતા ધરાવતા સવર્ણોનાં ટાર્ગેટ પર હોઈ શકે એમાં કોઈ બેમત નથી.
અનેકમાં એકતાનાં સૂત્રને આત્મસાત કરવાની હિંમત રાખવી જોઈએ. ધન્યવાદ સાધુવાદ!