સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના ભવાનગઢ ગામમાં વરઘોડો જોવા પહોંચેલા એક દલિત યુવકને ગામના 7 જેટલા દરબારોએ એકસંપ થઈને જાતિસૂચક ગાળો ભાંડી ઢોર માર મારતા તમામ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ દલિત યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાતિસૂચક ગંદી ગાળો ભાંડી ખેતરમાં એકલો જોઈને નિર્દયતાથી માર માર્યો હતો. આ મામલે હિંમતનગર ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક SC-ST સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટના શું હતી?
આ અંગે ફરિયાદી કિષ્નાકુમાર પરમારે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ વડાલી તાલુકાના ભવાનગઢ ગામમાં રવિવારે રાત્રે નવ વાગ્યા આસપાસ દરબાર અને ઠાકોર સમાજનો વરઘોડો નીકળ્યો હતો. જે જોવા માટે થઈને ક્રિષ્ના પરમાર બસ સ્ટેન્ડ પાસે ગયો હતો. એ દરમિયાન ગામનો ધનેસિંહ તખતસિંહ કુંપાવત “તું અહીંયા કેમ વરઘોડો જોવા આવ્યો છે?” તેમ કહી જાતિ વિશે અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ યુવકે તેને ગાળો ન બોલવા સમજાવ્યો હતો. એ દરમિયાન યુવકની માતા ત્યાં આવી પહોંચતા સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.
આ પણ વાંચો: “તું યુરોપમાં જન્મ્યો હોત તો ઝળકત, ભારતમાં તારો શો ઉપયોગ થવાનો?”
18 વર્ષના છોકરાને ખેતરમાં એકલો જોઈ હુમલો કર્યો
જો કે બીજા દિવસે સોમવારે તા. 5 મે 2025ના રોજ ક્રિષ્ના પરમાર તેના ખેતરમાં કામ કરવા માટે ગયો હતો. એ દરમિયાન આરોપી (૧)ધનેસિંહ તખતસિંહ કુંપાવત ઉવ.૬૫ (૨)જયદીપસિંહ ભરતસિંહ કુંપાવત (૩) જયેન્દ્રસિંહ ભરતસિંહ કુંપાવત (૪) વિરેન્દ્રસિંહ ઉર્ફે રાજાબાપુ કુંપાવત (૫)કૌશલસિંહ જનકસિંહ કુંપાવત (૬) રાહુલસિંહ જનકસિંહ કુંપાવત અને (૭) જીતેન્દ્રસિંહ પોપટસિંહ કુંપાવત (તમામ રહે. ભવાનગઢ તા. વડાલી જિ. સાબરકાંઠા) એ એકસંપ કરીને ક્રિષ્ના પરમારને ઘેરી લીધો હતો અને જાતિસૂચક ગાળો ભાંડી છુટ્ટા ઢેફાં મારી, ગદડાપાટુ અને લાકડીઓ સહિતના હથિયારોથી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
7 દરબારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
આ હુમલામાં ક્રિષ્નાકુમાર પરમારને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચતા તેને સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ ત્યાં તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે. આ મામલે ક્રિષ્નાકુમાર પરમારની ફરિયાદના આધારે તમામ 7 આરોપીઓ વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ સ્મિત ગોહિલ (ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી,એસ.ટી સેલ હિંમતનગર) કરી રહ્યાં હોવાનું જાણવા મળેલ છે.
આ પણ વાંચો: પોલીસની હાજરી છતાં દલિત વરરાજાને મંદિરમાં ન ઘૂસવા દીધા