મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ખામગાંવમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં, ગાય ચોરીની શંકામાં એક દલિત યુવાનને તેની જાતિ પૂછ્યા પછી નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. જાતિવાદી તત્વોએ યુવક સાથે અમાનવીય વર્તન કરી અપમાનિત પણ કર્યો. પીડિત દલિત યુવકની ઓળખ રોહન પૈઠણકર તરીકે થઈ છે અને તે એક હોટલમાં વેઈટર તરીકે કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.
દલિત યુવકે રડતા રડતા આપવીતી સંભળાવી
આ ઘટના ખામગાંવ બસ સ્ટેન્ડ વિસ્તારની છે, જ્યાં કેટલાક જાતિવાદી તત્વોએ રાત્રે 24 વર્ષીય દલિત યુવક રોહન પૈઠણકરનું અપહરણ કર્યું હતું. એ પછી તેને નજીકના ખેતરમાં લઈ જઈને તેની જાતિ અને ધર્મ વિશે પૂછ્યું હતું, અને પછી તેને નિર્દયતાથી માર માર્યો હતો. હોસ્પિટલમાં દાખલ રોહન મીડિયા સાથે વાત કરતી વખતે રડી પડ્યો હતો અને પોતાની દુર્દશા વર્ણવી હતી. તેણે કહ્યું કે તેને ફક્ત એટલા માટે નિશાન બનાવવામાં આવ્યો હતો કારણ કે તે દલિત અને ગરીબ છે.
दलित तरुणाला बेदम मारलं, पॅंथर सेना आक्रमक, दीपक केदारांचा संताप #Buldhana #Crime pic.twitter.com/b0Wbr7Depg
— Mumbai Tak (@mumbaitak) July 28, 2025
આ પણ વાંચો: મેવાણીને જાતિસૂચક અપશબ્દો કહેનાર આરોપી ત્રણ વર્ષે ઝડપાયો
દલિત યુવક પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે
આરોપ છે કે આરોપીઓ રોહનને ત્રણ કિલોમીટર દૂર એક અન્ય જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેને ફરીથી કપડાં ઉતરાવીને માર મારવામાં આવ્યો હતો. આ ક્રૂર હુમલામાં રોહન એક આંખની દ્રષ્ટિ ગુમાવી ચૂક્યો છે અને તેના નાકનું હાડકું પણ તૂટી ગયું છે. હાલમાં, તે સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રોહને જણાવ્યું હતું કે તે તેના પરિવારનો એકમાત્ર કમાનાર વ્યક્તિ છે.
આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ કેસ નોંધાયો
પીડિતની ફરિયાદ પર, શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા(BNS) અને અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ(SC-ST Act)ની ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ત્રણ આરોપીઓના નામ છે, જેમાંથી એકની ધરપકડ કરીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે, જ્યારે બે અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે. આ કેસમાં, બુલઢાણાના પોલીસ અધિક્ષક નિલેશ તાંબેએ જણાવ્યું હતું કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: ‘હું કાળો જાદું જાણું છું, 11 લાખ આપ એટલે 2 કરોડનો વરસાદ કરું’