Dalit News: એક તરફ ભારત ૨૧મી સદીમાં ટેકનોલોજી અને ડિજિટલ ક્રાંતિની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે બીજી તરફ દેશના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ ‘મનુવાદી’ અને સામંતશાહી માનસિકતા ધરાવતા લોકો જાણે રાજાશાહી હોય તેમ દલિતો પર ધાક જમાવવા હુમલો કરી રહ્યાં છે. આવી જ એક ઘટનામાં એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ માત્ર એટલા માટે ઢોર માર માર્યો, કેમ કે તેની પાસે મોંઘો સ્માર્ટફોન હતો.
શું છે સમગ્ર ઘટના?
મામલો મધ્ય પ્રદેશના છતરપુરનો છે. અહીંના મહારાજગંજ ગામમાં એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ માત્ર એટલા માટે માર માર્યો કારણ કે તેની પાસે સવર્ણો કરતા મોંઘો ફોન હતો. વીરેન્દ્ર અહિરવાર નામનો દલિત યુવક મોડી રાત્રે ગામની એક કરિયાણાની દુકાને ઘરનો સામાન લેવા ગયો હતો. દુકાન પર ગ્રાહકોની ભીડ હોવાથી વીરેન્દ્ર પોતાનો વારો આવે તેની રાહ જોતો બાજુમાં ઉભો રહ્યો અને સમય પસાર કરવા પોતાનો મોંઘો સ્માર્ટફોન કાઢીને તેમાં સર્ફ કરી રહ્યો હતો.

વીરેન્દ્રનું આ સામાન્ય વર્તન ત્યાં ઉભેલા ઉચ્ચ જ્ઞાતિના શખ્સોને ખૂંચ્યું હતું. કેમ કે, તેમની પાસે પણ આટલો મોંઘો સ્માર્ટફોન નહોતો. એક દલિત યુવક પાસે સવર્ણો કરતા પણ મોંઘો સ્માર્ટફોન હોય તે તેમનાથી સહન ન થયું. આથી ભરતલાલ પટેલ, જીલાલ પટેલ અને અન્ય એક અજાણ્યા વ્યક્તિએ વીરેન્દ્ર સામે જોઈને મશ્કરી કરવાનું કર્યું કે, “બોલો લો, હવે આ લોકો પણ સ્માર્ટફોન વાપરવા લાગ્યા, અને આપણી સામે ફોન કાઢીને રોલા મારે છે!”
આ પણ વાંચો: કાંશીરામ કોના? માન્યવર માટે SP, ASP, કૉંગ્રેસ, ભાજપમાં હોડ જામી
જ્યારે વીરેન્દ્રએ આ અપમાનજનક નિવેદનોનો વિરોધ કર્યો અને કહ્યું કે આ સ્માર્ટફોન મેં મહેનત કરીને ખરીદ્યો છે, ત્યારે આરોપીઓએ પિત્તો ગુમાવ્યો હતો. તેમણે વીરેન્દ્રને પકડીને જાતિસૂચક ગાળો ભાંડી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલેથી ન અટકતા, આરોપીઓએ વીરેન્દ્રને જમીન પર પાડી દઈ જૂતાં વડે બેરહેમીથી માર માર્યો હતો. જ્યારે તેનો પરિવાર તેને બચાવવા દોડી આવ્યો, ત્યારે આરોપીઓએ પરિવારના સભ્યો સાથે પણ મારામારી કરી હતી, જેમાં મહિલાઓ અને વડીલોને પણ ઈજાઓ પહોંચી હતી.
ટેકનોલોજીના યુગમાં જાતિવાદી માનસિકતાનું પ્રદર્શન
આ ઘટના એ સાબિત કરે છે કે જાતિવાદી તત્વોને એક દલિત યુવક મહેનત કરીને તેમની પાસે હોય તેના કરતા મોંઘો સ્માર્ટફોન ખરીદે તે પણ ગમતું નથી. સ્માર્ટફોન એ આજના સમયની પાયાની જરૂરિયાત છે, પરંતુ આ કિસ્સામાં તેને ‘સામાજિક સ્ટેટસ’ સાથે જોડીને અહંકારનો પ્રશ્ન બનાવી દેવામાં આવ્યો. ઉચ્ચ જાતિના લુખ્ખા તત્વો એ વાત સહન કરી શકતા નથી કે એક દલિત યુવક તેમની સમકક્ષ ઉભો રહીને ટેકનોલોજીનો ઉપયોગ કરે.

ભારતમાં દલિતો વિરુદ્ધ આ પ્રકારના અત્યાચારોના કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે. અગાઉ ગુજરાત અને રાજસ્થાનમાં દલિત યુવકોએ મૂછ રાખી હોય કે સારા ચશ્માં પહેર્યા હોય, તેના પર જીવલેણ હુમલા થયા છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આજે પણ દલિત વરરાજાને ઘોડી પર ચઢવા દેવા માટે પોલીસ પ્રોટેક્શન લેવું પડે છે. ઘણી શાળાઓમાં દલિત બાળકોને અલગ બેસાડવા અથવા ભોજનમાં ભેદભાવ રાખવાની ઘટનાઓ પણ અવારનવાર ન્યૂઝમાં ચમકે છે. આ તમામ ઘટનાઓ પાછળ એક જ ‘મનુવાદી’ વિચારધારા કામ કરી રહી છે, જે માને છે કે દલિતોએ હંમેશા દબાઈને અને બીજાના ગુલામ બનીને રહેવું જોઈએ.
આ પણ વાંચો: વાળંદો દલિતોના વાળ નહોતા કાપતા, સરકારે દલિતો માટે ‘સરકારી સલૂન’ ખોલ્યાં
ન્યાય માટેની લડત અને પોલીસની શંકાસ્પદ ભૂમિકા
પીડિત વીરેન્દ્ર અહિરવારે હિંમત દાખવીને સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, પીડિત પરિવાર અને દલિત સંગઠનોનો આરોપ છે કે પોલીસ સત્તાધારી અને વગદાર આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. એફ.આઈ.આર. (FIR) માં એસસી-એસટી એક્ટની કડક કલમો ઉમેરવામાં આનાકાની કરવામાં આવી હોવાની ચર્ચા છે. હાલમાં તમામ આરોપીઓ ફરાર હોવાનું કહેવાય છે. આ ઘટના એ વાતની સાબિતી છે કે, આપણે ભલે મંગળ પર પહોંચી ગયા હોઈએ, પણ સામાજિક સમાનતાના મામલે આપણે હજુ પણ ક્યાંય પાછળ છીએ.
આ પણ વાંચો: મધરાતે ગુટકા માટે દુકાન ન ખોલતા દલિત પરિવારને લોહીલુહાણ કર્યો











